Tuesday 16 June 2020

યોગિની એકાદશી



યોગિની એકાદશી - જેઠ વદ / કૃષ્ણ પક્ષ:

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ “નૃપશ્રેષ્‍ઠ! જેઠ મહિના ના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે.

એકાદશી ની કથા:

 

કથા સંભળાવતાં શ્રી કૃષ્ણ કહે છે કે, અલકાપુરીના રાજાધિરાજ કુબેર સદાય શિવની ભકિતમાં તત્પર રહેનારા છે. એમનો હેમ નામનો એક માળી પણ હતો જે પૂજા માટે હંમેશા ફૂલ લાવતો હતો. એક દિવસ હેમ માળી માનસરોવરથી ફૂલ લાવીને પોતાના ઘરમાં રોકાઇ ગયો અને પત્ની વિશાલાક્ષી ના પ્રેમપાશમાં ખોવાયેલ રહી જવાથી કુબેરના ભવનમાં ન જઇ શકયો. અહીં કુબેર મંદિરમાં બેસીને શિવનું પૂજન કરી રહ્યાં હતા. એમણે બપોર સુધી ફૂલ આવવાની રાહ જોઇ. જયારે પૂજાનો સમય વ્યતીત થઇ ગયો તો યક્ષરાજે ક્રોધિત થઇને સેવકોને કહ્યું: યક્ષો! દુરાત્‍મા હેમ માળી કેમ આવ્‍યો નથી? ”

યક્ષોએ કહ્યું: “રાજન! એ તો પત્‍નીની કામનામા આશકત થઇને રમણ કરી રહ્યો છે.” વાત સાંભળીને કુબેર ક્રોધિત થઇ ગયા અને તરત જ હેમ માળીને બોલાવ્‍યો. એ આવીને કુબેરની સામે ઊભો રહી ગયો. એને જોઇને કુબેર બોલ્‍યા. “ઓ પાપી.! અરે દુષ્‍ટ! ઓ દુરાચારી! તે ભગવાનની અવહેલના કરી છે. આથી કોઢથી યુકત અને પોતાની પ્રિયતમાંથી વિયુકત થઇને આ સ્‍થાનથી ભષ્‍ટ થઇ બીજે ચાલ્‍યો જા.”
કુબેરના એમ કહેવાથી એ સ્‍થાનેથી એનું પતન થયું. કોઢથી આખું શરીર પીડીત હતું. પરંતુ શિવપુજાના પ્રભાવથી એની સ્‍મરણ શકિત લુપ્‍ત ન થઇ. ત્‍યાર પછી એ મેરુગિરીના શિખર પર ગયો. ત્યાં મુનિ માર્કંડેયજી ના એને દર્શન થયાં.

પાપકર્મી યક્ષે મુનિના ચરણોમાં પ્રણામ કર્યા. મુનિ માર્કંડેયજી એ એને ભયથી કાંપતો જોઇને પૂછયું. “તને કોઢના રોગે કેવી રીતે ઘેરી લીધો?” યક્ષ બોલ્‍યોઃ “મુનિ! હું કુબેરનો અનુચર હેમ માળી છું. હું દરરોજ માનસરોવરમાંથી ફૂલ લાવીને શિવપૂજન સમયેં કુબેરને આપતો હતો. એક દિવસ પત્‍ની સહસવાસના સુખમાં ફસાઇ જવાના કારણે મને સમયનું ભાન જ ન રહ્યું આથી રાજા કુબેરે ક્રોધિત થઇને મને શ્રાપ આપી દીધો. આથી હું કોઢના આંક્રાંત થઇને મારી પત્‍નીથી વિખુટો પડી ગયો. હે મુનિવર! સંતોનું ચિત્ત સ્‍વભાવતઃ પરોપકારમાં લાગેલું રહે છે. એ જાણીન. મુજ અપરાધીને કર્તવ્ય નો ઉપદેશ આપો.”

માર્કંડેયજીએ કહ્યું : “તેં સાચી વાત કહી છે. આથી હું તને કલ્યાણપ્રદ વ્રતનો ઉપદેશ આપું છું. તુ જેઠ માસની કૃષ્‍ણ પક્ષની “યોગીની” એકાદશીનું વ્રત કર. આ વ્રતના પૂણ્યથી તારો કોઢ દૂર થઇ જશે.” ભગવાન શ્રી કૃષ્‍ણ કહે છેઃ “રાજન ! માર્કંડેયજીના ઉપદેશથી એણે યોગિની એકાદશીનું વ્રત કર્યું. એનાથી એના શરીરનો કોઢ દૂર થઇ ગયો. આ વ્રતનું અનુષ્‍ઠાન કરવાથી એ પૂર્ણ સુખી થઇ ગયો.”

 

 

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

અષ્ટસખા કુંભનદાસે મનને એકાગ્ર કરવાવાળી યોગસ્થિતી એમની સંયોગ વિપ્રયોગાત્મક સેવાથી સિદ્ધ હતી. યોગીની માફક તેમને ઉક્ત ઉભય અંગસ્વરુપ સેવા દ્વારા મનની એકાગ્રતા પ્રભુમાં સિદ્ધ કરી હતી, તે દિવસ યોગીની એકાદશીનો હતો.

મર્યાદામાર્ગીય ભાવના:

કૈલાસમાં શંકર પાર્વતીનો બ્રહ્મરાત અને વિષ્ણુરાતના વિવાદ નો પ્રસંગ છે. જેમકે 'યોગી' એટલે શંકર અને 'ની' એટલે પાર્વતી. તેનો ભાવ એ છે કે વદ એકાદશી હોવાથી શંકર પાર્વતીએ જાગરણ કર્યું હતું ત્યારે બ્રહ્મરાત અને વિષ્ણુરાતનો ઉલ્લેખ કર્યો હતો. એથી શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને જેઠ વદ યોગીની એકાદશીનું માહાત્મ્ય કહ્યું હતું. તેની કથા અને વ્રત, વિધિ માર્કન્ડેય ઋષિએ યક્ષોને કહી હતી. આ વાત બ્રહ્મ વૈવર્ત પુરાણમાં જેઠ વદ યોગીની એકાદશીના મહાત્મ્યમાં કહેલી છે.

ભગવાન વિષ્ણુને શું ધરાવવું:  

સાકર

 

ફળ પ્રાપ્તિ: 

આ એકાદશીનું વ્રત કરનારને અઠયાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરવાથી જે ફળ મળે છે તે ફળ મળે છે.

આ એકાદશીની કથા વાંચવાથી કે સાંભળવાથી મનુષ્‍ય બધાય પાપોમાંથી મુકત થઇ જાય છે.

આરતી:

જય યોગીની એકાદશી ,જય જય યોગીની એકાદશી

જેઠ મહિને છલકાવે ,કૃષ્ણપક્ષ માં દોડી આવે

ધર્મરાજ ને બતાવી ,કૃષ્ણ એને રે લાવે ……………….જય જય યોગીની એકાદશી .

હેમ માલી  ઉદ્ધાર્યો ,પાપ માર્ગ થી  તાર્યો

રાહ પુણ્ય દેખાડ્યો ,દાનવ ને તે માર્યો …………………જય યોગીની એકાદશી

વ્રત યોગીની કરે જે કોઈ ,હ્રદય માતા ધરે જે કોઈ

એનો ઉદ્ધાર નક્કી ,યોગીની વ્રત  ફળે સૌ હોઈ ……….જય યોગીની એકાદશી

 

 

 

 

No comments:

Post a Comment