Thursday 30 July 2020

પુત્રદા કે પવિત્રા એકાદશી


પુત્રદા કે પવિત્રા એકાદશી: શ્રાવણ સુદ / શુકલ પક્ષ:
જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ શ્રાવણ માસના શુક્લપક્ષમાં આવતી એકાદશીનું નામ પુત્રદા અને પવિત્રા એકાદશી છે. (પોષ સુદ / શુક્લ પક્ષ ની એકાદશી પણ પુત્રદા એકાદશી તરીકે જાણીતી છે.)
કથા સંભળાવતાં શ્રી કૃષ્ણ કહે છે કે, ઘણા વર્ષો પહેલાં દ્વાપર યુગમાં મહિજીત નામે રાજા મહિષ્મતિપુરીમાં રાજ્ય કરતો હતો. રાજાને પુત્ર ન હોવાથી રાજા અત્યંત દુઃખી હતો. અત્યંત ચિંતિત બની રાજાએ એક દિવસ પ્રજાજનોની સભા બોલાવી. રાજાની વાત સાંભળી બ્રાહ્મણો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ને જાણનાર ઋષિમુનિઓની જુદા જુદા આશ્રમોમાં મુલાકાત લીધી. 
અંતે તેઓને ઘોર તપસ્યા કરતા નિરાહારી જિતાત્મા મુનિના દર્શન થયા, જેઓ લોમેશ મુનિ હતા. લોમેશ મુનિનો જીવનકાળ બ્રહ્માના જેટલો જ દીર્ઘ હોય છે. જયારે બ્રહ્માનો કલ્પ પૂરો થાય છે, ત્યારે તેમના શરીરમાંથી એક વાળ (લોમા) ખરે છે. આથી આ મુનીનું નામ લોમેશ હતું અને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના જ્ઞાતા હતા.
પ્રજાજનોની વાત સાંભળી થોડીક વાર તેઓ ધ્યાનસ્થ બની રાજાના પૂર્વજન્મની કરણી જોઈ, મુનિ લોમેશે કહ્યું કે, આ રાજા પૂર્વજન્મમાં મહાપાપી અને અત્યંત ગરીબ વૈશ્ય હતો. પોતાના ધધાના કામે તે એક નગરથી બીજા નગરમાં ફરતો હતો. એક સમયે જેઠ માસના શુક્લપક્ષના અગિયારસ પછીની બપોરે તરસ છીપાવવા એક ઉત્તમ અને સ્વચ્છ તળાવ પર આવ્યો, જ્યાં થોડા દિવસ પર વ્યાએલી તરસી ગાય અને વાછરડા ને પાણી પિતા રોકવાથી તેને મોટું પાપ લાગ્યું આ પાપ ના કારણે રાજા અત્યારે નિઃસંતાન છે. પાપ ના નિવારણ માટે લોમેશ મુનિએ કહ્યું કે, શ્રાવણ માસના શુક્લપક્ષની એકાદશીએ રાજા સાથે તમે પણ વ્રત કરી પૂણ્ય રાજા ને આપો તો રાજાને સંતાનની પ્રાપ્તિ થશે. આ વ્રતના પ્રભાવથી યોગ્ય સમયે રાજાને સુંદર પુત્રરત્નની પ્રાપ્તિ થઇ.
પુત્રદા એકાદશીના રહસ્યમાં એવું કહેવાય છે કે અષ્ટસખાઓમાં કુંભનદાસજીનો જન્મ ચૈત્ર વદ / કૃષ્ણ પક્ષ ની એકાદશીએ થયો હતો. પ્રયાગ માં કુંભ ના મેળામાં એક સંતે કુંભનદાસજીના પિતા ભગવાનદાસ ની સેવાથી પ્રસ્સન થઇ પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું તે દિવસ શ્રાવણ સુદ એકાદશી નો હતો.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:
આ એકાદશીનું પુષ્ટિમાર્ગમાં એક આગવું મહત્વ છે અને પવિત્રા એકાદશી નામે ઓળખાય છે.
આ દિવસ પુષ્ટિમાર્ગનો પ્રાગટ્ય દિવસ પણ કહેવાય છે. ભગવાન ભક્તોના ત્રણ પ્રકારના દોષો દૂર કરવા આ મધ્યરાત્રીએ પ્રગટ થયા. (૧) આધિભૌતિક - શરીરના (૨) આધ્યાત્મિક - આત્માના (૩) આધિદૈવિક – દેવોના.

આદિકાળથી પવિત્રા ધરવાની રીત ચાલી આવે છે. સતયુગમાં મણિમય, ત્રેતાયુગમાં સુવર્ણનાં અને દ્વાપર યુગમાં રેશમનાં પવિત્રાં હતાં.તો કળિયુગમાં સુત્તરનાં પવિત્રાં ધરાવાય છે.
પુષ્ટિ માર્ગ ભાવાત્મક છે, જેમાં પવિત્રા એકાદશીનું વિશેષ મહત્વ છે. શ્રી મહાપ્રભુજી શ્રી દામોદરદાસ હરસાની સાથે કે જેઓને સર્વ પ્રથમ બ્રહ્મસબંધ લેવડાવ્યું હતું, તેઓની સાથે શ્રી યમુનાજીના કિનારે ગોવિંદ ઘાટ ઉપર ચિંતામગ્ન સ્થિતિમાં બિરાજમાન હતા આપને બહુ જ વિરહ તાપ થઇ રહ્યો હતો, ત્યારે શ્રીજીબાવા તે સહન ન કરી શક્યા અને ૧૫૪૭ નાં શ્રાવણ સુદ એકાદશીની મધ્ય રાત્રીએ ગોકુલમાં આપ શ્રી મહાપ્રભુજી સમક્ષ પધાર્યા. આપે આજ્ઞા કરી:”વલ્લભ! તમને જીવના ઉદ્ધારની ચિંતા થાય છે, પણ આ કળીયુગમાં જ્ઞાન, કર્મ કે યોગથી જીવનો ઉદ્ધાર થાય એ શક્ય નથી, જે જીવ શરણાગત ભાવથી મારા ચરણ-શરણમાં આવશે તેનો ઉદ્ધાર જરૂર થશે. માટે આપ પુષ્ટિજીવોને બ્રહ્મસંબંધનું દાન કરાવો” આ પ્રમાણે આજ્ઞા કરી શ્રીજી બાવાએ શ્રી મહાપ્રભુજીને બ્રહ્મસબંધ મંત્ર આપ્યો.

તે વખતે શ્રી મહાપ્રભુજીએ પ્રસન્ન થઇ શ્રીજીબાવાને કેસરમાં રંગેલું સુતરનું પવિત્રું ધરાવ્યું. ત્યારથી પુષ્ટિમાર્ગમાં પવિત્રા એકાદશી અને દ્વાદશી નાં દિવસે પવિત્રા ધરાવવાની પ્રણાલિકા જારી છે, પવિત્રામાંનું સૂતર એ ભક્તિનું પ્રતિક છે. કારણ કે પ્રેમનો તાતણો સુતરના તાતણાં જેવો હોય છે, એક વાર પ્રેમનો તાતણો કપાઈ જાય પછી તેને જોડવો બહુ અઘરો છે કાચા સુતરના તાતણાંની જેમ પ્રેમને જાળવી રાખવો પડે છે. તેને કેસરથી રંગીને કેસરી કરીએ છીએ. કેસરી રંગ શ્રીસ્વામીનીજીના રંગનું પ્રતિક છે. શ્રીસ્વામીનીજીના ભાવથી તે શ્રી ઠાકોરજીને અંગીકાર કરવામાં આવે છે. એનું નામ પવિત્રા છે. એટલે પ્રેમ જેવી બીજી કોઈ વસ્તુ પવિત્ર નથી. એટલે કેસરના રંગમાં રંગી કેસરી પવિત્રું શ્રીઠાકોરજીના કંઠમાં ધરાવવામાં આવે છે. સાથે મીસરી નો ભોગ પણ ધરીએ છીએ અને એને પણ કેસરથી રંગી પ્રભુને અંગીકાર કરાવીએ છીએ.
પવિત્રા સૂતર સિવાય રેશમી પણ મળે છે. રેશમ એ હ્રદયની કોમળતાનું સ્વરૂપ છે. પ્રેમ કોમળમાં પણ કોમળ છે. “નારદ ભક્તિ સૂત્રમાં” એને સૂક્ષ્મથી સુક્ષ્મ સ્વરૂપનો કહ્યો છે. ૩૬૦ તારનું એ પવિત્રું બને છે. આપણે જ્યારે શ્રીઠાકોરજીને પવિત્રું ધરાવીએ છીએ ત્યારે આપણાં હ્ર્દયમાં રહેલા કોમળ અને પવિત્ર ભાવ અર્પણ કરીએ છીએ. વર્ષના ૩૬૦ દિવસની તમામ ભાવાત્મક સેવાઓ પવિત્રાના સ્વરૂપે આપણે શ્રીઠાકોરજીને અંગીકાર કરીએ છીએ, પવિત્રા શ્રી ગુરુદેવને, શ્રી વલ્લભ કુલ ને અને વૈષ્ણવોને પણ અર્પણ કરાય છે. શ્રી ઠાકોરજીને અને ગુરુદેવને પવિત્રા ધરી, દંડવત કરી આપણે ધન્ય બનીએ છીએ. ઘણા વૈષ્ણવો ફુલની માળાને બદલે શ્રીઠાકોરજીને પવિત્રા ધરાવે છે.
સર્વેએ પોતાના વર્ણાશ્રમ પ્રમાણે શ્રાવણ સુદ એકાદશીએ પ્રભુને ભક્તુભાવપૂર્વક પવિત્રા અવશ્ય ધરવા.પવિત્રા એકાદશીએ પ્રભુ ભક્તોના વિવિધ પવિત્રા સ્વીકારી ભાવનાભક્તિ્નું દાન કરે છે.શ્રાવણ સુદ એકાદશીએ શ્રાવણી નક્ષત્ર અને ભદ્રાનો ત્યાગ કરી [સવારે ભદ્રા હોય તો સાંજે] પ્રભુને પવિત્રાં ધરાય છે.[પવિત્રા અને રક્ષાનું અધિવાસન સાથે થાય છે.] અધિવાસન ગંધ, અક્ષત, ચંદન, પુષ્પ વગેરેથી કરવામાં આવતો સંસ્કાર છે.વ્રજભક્તે દશેદિશામાંથી ભેગા થઈ સેવા-દર્શન કરી રહ્યા છે.એ ભાવથી તે દિવસે પિંછવાઈ, બિછાના અને હિંડોળાની ઝૂલમાં પણ પવિત્રા ધરાવાય છે.જન્માષ્ટમી સુધી પવિત્રા ધરી શકવાનો સદાચાર છે.કોઈ કારણસર ત્યાં સુધીમાં ન ધરી શકાય તો પ્રબોધિની એકાદશી [દેવદિવાળી] સુધીમાં ધરવા.જો પવિત્રાર્પણ ન કરાય તો વર્ષદિનની સેવા વ્યર્થ થાય છે.માટે વલ્લભી વૈષ્ણવોએ પ્રતિ વર્ષ પવિત્રા અવશ્ય ધરવા.
મર્યાદામાર્ગીય ભાવના:
રામાચેન ચંદ્રિકા ગ્રંથ મુજબ વાસુકી નાગનો નાનો ભાઈ 'પવિત્ર' નામનો નાગ હતો. તેણે સો વર્ષ સુધી તપસ્યા કરી શંકર ભગવાનને કર્યા અને કંઠભરણ થવાનું વરદાન માંગ્યું, વરદાન આપતાં કહ્યું કે શ્રાવણ માસમાં નક્ષત્રોમાં નિત્ય નૈમિત્તિક કર્મ કરનાર બ્રાહ્મણો અને ક્ષત્રિયો તારી આરાધના કરશે, અને સામવેદી, યજુર્વેદી, અથર્વવેદી અને ઋગ્વેદીની શ્રાવણી જનોઈ બદલવાનો પ્રસંગ કહેવાશે.




Sunday 19 July 2020

દેવશયની કે દેવપોઢી એકાદશી


દેવશયની, દેવપોઢી કે પદ્મા એકાદશી - અષાઢ સુદ / શુકલ પક્ષ:

દેવશયની કે દેવપોઢી એકાદશી કેમ કહેવાય છે:

આ દિવસથી ભગવાન વિષ્ણુનું એક સ્‍વરુપ ચાર માસ સુધી પાતાળમાં બલિ-રાજાના દ્વાર પર નિવાસ કરે છે, અને બીજું ક્ષીર-સાગરમાં શેષનાગની શૈય્‍યા પર ત્‍યાં સુધી શયન કરે છે કે જયાં સુધી આગામી કારતક માસની સુદ / શુક્લ પક્ષની એકાદશી ન આવે.

એક એવી પણ કથા છે શંખાસુર નામના રાક્ષસનો વધ કરતાં પડેલા શ્રમને કારણે પોતાનો થાક ઉતારવા ભગવાન વિષ્ણુ પાતાળમાં ચાર માસ પોઢી ગયા.

સામાન્ય રીતે આ સમય વર્ષા કાળનો હોય છે એ જમાનામાં યાત્રામાં અન્ય સ્થળે વિહાર કરવાની સુવિધાઓ નો તી, આજે પણ એટલી જ કઠીન છે. એટલે કે આ સમય દરમ્યાન સાધુ-સંતો ભગવંતો એક જ સ્થાને સ્થિર રહે છે. મતલબ જંગમ તીર્થ મટી સ્થાવર તીર્થ બનીને રહે છે. જેને ચાતુર્માસ કહેવાય છે. સાધુ-સંતો જંગમ તીર્થ મટી સ્થાવર તીર્થ બની જઇ એક સ્થળે મુકામ કરે છે તો વૈષ્ણવો એવું માને છે કે તમામ તીર્થો આ સમય દરમ્યાન વ્રજમાં પધારી નિવાસ કરે છે. આમ ચોમાસામાં ચાતુર્માસ દરમ્યાન વ્રજ સિવાયની બાકીની તમામ યાત્રાઓ સામાન્યત બંધ રહે છે. આથી દેવરાયની એકાદશીએ મથુરા-વૃંદાવનની સમ્મિલિન પરિક્રમા યોજે છે આ પરિક્રમાનું માહાત્મય વારાહ પુરાણમાં સરસ આપ્યું છે.

આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુશયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે. મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્યે આ દિવસે શયન-વ્રત તથા ચાતુર્માસ વ્રતનો આરંભ કરવો જોઈએ.

સ્કંદ પુરાણ કહે છે, ચાતુર્માસ આવતા દરેક દેવો તીર્થો ભગવાન વિષ્ણુના ચરણમાં શરણ લે છે. અત: ચાતુર્માસમાં જે ભગવાન વિષ્ણુની પૂજા, અર્ચના, આરાધના કરે છે તેનું જીવન ધન્ય બની જાય છે.

આ ચાર્તુમાસમાં ભગવાન વિષ્ણુ જળમાં શયન કરે છે, મતલબ જળ એજ જીવન છે. આ દિવસો દરમ્યાન ભગવાનનો વાસ જળમાં હોઇ આ દિવસો દરમ્યાન ભગવાનનો વાસ જળમાં હોઇ આ દિવસો દરમ્યાન સ્નાનનું પણ અધિક મહત્વ છે.

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રીકૃષ્ણે કહ્યું, "હે રાજન્! બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી તે હું કહી સંભળાવું છું.

એકાદશી ની કથા:

 

સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો. આ રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતો. તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી. પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દારૂણ દુકાળ પડયો. લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો. સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી. બાળકોને ભૂખ્યા નિહાળી મા-બાપનું હૃદય દ્રવી ઊઠતું. કેટલાક લોકો ક્ષુધાદેવીના ખપ્પરમાં હોમાઈ ગયા. અનાજના એક-એક દાણા માટે લોકો વલખાં મારતાં. અનાજનાં સાંસા પડવા માંડયા.

રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે, સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે. અન્નપૂર્ણાદેવી જરૂર રુઠયાં હોય એવું લાગે છે. તેમાં જરૂર મારો કંઈક દોષ હોવો જોઈએ.

આખરે મહર્ષિ અંગિરસના આદેશથી માંધાતાએ અષાઢ સુદ અગિયારશે દેવશયની એકાદશીનું વ્રત કરે છે. મુનિએ કહ્યું કે, "હે રાજન્! આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે. લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે, માટે તારે અને પ્રજાએ પણ આ દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ.

માંધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું. મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની, પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષવિભોર બની નાચી ઊઠયા! સારા પાકની આશાએ ખેડૂતો આનંદમગ્ન બન્યા. આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દુઃખ દૂર થયું. અનાજનો મબલખ પાક થયો.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

પુષ્ટિમાર્ગમાં અષાઢ સુદ એકાદશીએ વ્રજનારીઓના વિરહભાવની ભાવના છે; વ્રજનારીઓ વ્યાકુળ થઇ ગઈ હતી, કારણકે નંદકુમાર તેમનાથી છળ કરી મથુરા પધાર્યા અને ત્યારથી પનઘટ સૂનો ને દુઃખિયારો થઇ પડયો। પદ્મા સખીની પનઘટ લીલાનો ભાવ છે, પદ્મા સખીને આ એકાદશીએ કનૈયા સાથેની લીલાના મધુર સ્મરણો જાગ્રત થાય છે. ' હું શું જાણું વ્હાલે મુજમાં શું દીઠું, વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું'. આ પ્રમાણે યાદ કરી વ્રજનારીઓ અનુરાગાત્મક વર્ષાઋતુમાં પ્રભુ મિલનની આતુરતાથી રાહ જોઈ પનઘટ પર લીલા ભાવનું સ્મરણ કરે છે.

ભગવાન વિષ્ણુને શું ધરાવવું:  

દ્રાક્ષ

 

ફળ પ્રાપ્તિ:                 

આ એકાદશીનું ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ. આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.

 

આરતી:

જય દેવશયની એકાદશી જય જય દેવશયની એકાદશી

અષાઢ માસ  માં ફળતી ,શુકલ પક્ષ માં દુઃખ હરતી

માધાંતા રાજ ને તર્યો ,દયા -કૃપા ઝરતી …………………….જય જય પદ્મા એકાદશી

કોઢી રાજા ને સ્ન્વાર્યો ,પાપ દોષ થી ઉદ્ધાર્યો

કુબેર ના શાપ થી બચાવ્યો ,શરણ તારે આવ્યો ……………..જય જય એકાદશી

વ્રત દેવ શયની ન્યારું ,દેવો માનવો ને છે પ્યારું

ફળે અંતર ધરતા એને, થાય સઘળે સારુ ………………………જય જય એકાદશી

Thursday 16 July 2020

કામિકા એકાદશી



કામિકા એકાદશી: અષાઢ વદ / કૃષ્ણ પક્ષ
જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, ભગવાન શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ રાજન! સાંભળો, હું તમને એક પાપનાશક ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું.
નારદજીએ પ્રશ્ર્ન કર્યોઃ હે કમલાસન ! હું આપની પાસેથી આ સાંભળવા ઇછું છું, કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે ? પ્રભુ એ બધું મન કહો!”   બ્રહ્માજીએ  કહ્યું : “નારદ ! સાંભળો. હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છા થી તમારા પ્રશ્ન નો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણ પક્ષ માં જે એકાદશી આવે છે એનું નામ કામિકા છે. એના શ્રવણ માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું જોઇએ.

ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણ દાન અને જમીન દાનને માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિ દાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુર્નજન્મ થતા તે વ્યક્તિ અપાર ધન અને જમીનનુ સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. કથા મુજબ વાત આવે છે કે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. ન તો તેની પાસે ભૂમિ દાન કરવા માટે જમીન છે કે ન તો સુવર્ણ દાન કરવા માટે ઘરેણા છે. આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈપણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે, શ્રી વિષ્ણુ જેટલા તુલસીદળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે એટલા લાલમણીપ મોતી, સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઇને સંતુષ્ટ નથી થતા. એ જાતકને પૂજનથી જે ફળ મળે છે, એ ઘણું દુર્લભ પૂણ્ય છે, એના જન્મભરના પાપોનો ચોકકસ નાશ થઇ જાય છે. જે સમુદ્ર અને વન સહિત સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેવુ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

માટે પાપભીરુ મનુષ્યે યથાશકિત, પૂરો પ્રયત્‍ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઇએ. જે પાપરુપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે, એમનો ઉધ્‍ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. અધ્‍યાત્‍મવિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે. એના કરતા પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને કયારેય ભયંકર યમદુતના દર્શન નથી કરતો અને કયારેય દુર્ગતિમાં પણ નથી પડતો. જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રીકેશવનું પૂજન કરી લીધુ છે એના જન્મભરના પાપોનો ચોકકસ નાશ થઇ જાય છે.
ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છેઃ યુધિષ્ઠર ! આ તમારી સમક્ષ મે કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે. આથી મનુષ્યો એ આ એકાદશી નું વ્રત અવશય કરવું જોઇએ. આ સ્વર્ગલોક અને મહા પૂણ્ય ફલ પ્રદાન કરનારી છે. જે મનુષ્યે શ્રધ્ધા સાથે આનું માહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુકત થઇને શ્રી વિષ્ણુલોકમાં જાય છે.

એક ગામમાં એક વીર ક્ષત્રિય રહેતો હતો. એક દિવસે કોઈ કારણસર તેની એક બ્રાહ્મણ સાથે મારામારી થઈ અને એમાં તે બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું. જેથી પોતાના હાથે મૃત્યુ પામેલા તે બ્રાહ્મણનું ક્રિયાકર્મ તે ક્ષત્રિય કરવા માગતો હતો. પરંતુ પંડિતોએ તેને ક્રિયામાં સામેલ થવાની ના પાડી દીધી અને બ્રાહ્મણોએ કહ્યું કે તમારી પર બ્રહ્મ હત્યાનો દોષ છે. જેથી પહેલાં તમે આ પાપનું પ્રાયશ્ચિત કરો અને આ પાપથી મુક્ત થઈ જાઓ. ત્યારે અમે તમારા ઘરે ભોજન ગ્રહણ કરીશું.

જેથી ક્ષત્રિયએ પૂછ્યું કે આ પાપથી મુક્ત થવાનો ઉપાય શું છે? ત્યારે બ્રાહ્મણોએ જણાવ્યું કે અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીએ ભક્તિભાવથી ભગવાન શ્રીવિષ્ણુનું વ્રત અને પૂજન કરી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપી આશીર્વાદ પ્રાપ્ત કરવાથી આ પાપથી મુક્તિ મળી જશે. પંડિતો દ્વારા બતાવેલી રીતથી વ્રત રાખવાથી રાતે ભગવાન વિષ્ણુએ ક્ષત્રિયને દર્શન આપી કહ્યું તને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મળી ગઈ. આ રીતે કામિકા એકાદશી વ્રત કરવાથી ક્ષત્રિયને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળી ગઈ હતી.

ભગવાન વિષ્ણુને ઘઉં અવશ્ય ધરાવવા.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:
વર્ષાઋતુમાં વિરહી વ્રજાંગનાઓ (કામિકા) વ્યાકુળ થઇ ગયાં, ઘનઘોર અષાઢ માસમાં ધરા ઉપર અષાઢની ધારા ઝરી રહી હતી. ચારે બાજુ વીજળી ચમકીને મેઘ ગર્જનાઓથી વ્રજાંગનાઓના અંગ ધ્રુજી રહ્યા હતા, નાયનોમાંથી વહેતી અશ્રુ ધારા સાથે વિરહથી વ્યાકુળ થઇ કુંડમાં રાહ જોઈને કહે છે, હે નાથ ! હે પ્રિયતમ પ્રભુ ! હવે તો ઝટ પધારો ! કામિકાઓ રૂપે અમો આપની રાહ જોતાં ઉભા રહ્યા છીએ !

મર્યાદામાર્ગીય ભાવના:
બ્રહ્મવૈવર્ત પુરાણમાં કામિકા એકાદશીનું માહાત્મ્ય વર્ણવેલ છે. નારદજીના પ્રશ્નથી બ્રહ્માજીએ આ વ્રતનો મહિમા કહ્યો હતો.આ વ્રત કરવાથી ગૌહત્યા, બ્રહ્મ-હત્યા વગેરેમાંથી મુક્તિ મળે છે. જીવના વિકારો, દુસ્તવાસનાઓ વગેરેનો ક્ષય થઇ પવિત્ર બને છે.