Thursday 24 December 2020

મોક્ષદા એકાદશી: માગશર સુદ / શુકલ પક્ષ


મોક્ષદા એકાદશી: માગશર સુદ / શુકલ પક્ષ

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા: “હે રાજન! આ એકાદશીનું નામ “મોક્ષદા” છે, આના વ્રતથી બધા પાપો નષ્‍ટ થઇ જાય છે.

એકાદશી ની કથા:

પૂર્વકાળની વાત છે, પરમ રમણીય ચંપક / કમ્પકા / ગોકુલ નગરમાં વૈખાનસ નામનો રાજા રહેતો હતો. એ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતો હતો આ પ્રમાણે રાજય કરતાં કરતાં રાજાએ એક દિવસ રાત્રે સ્‍વપ્‍નમાં પોતાના પિતૃઓને નર્કમાં પડેલા જોયા. એ બધાને આવી અવસ્‍થામાં જોઇને રાજાના મનમાં ખૂબ આશ્ર્ચર્ય થયું. અને પ્રાતઃકાળે બ્રહ્મણોને એમણે આ સ્‍વપ્‍નની વાત કરી.  “બ્રાહ્મણો! મે મારા પિતૃઓને નર્કમાં પડેલા જોયા છે. તેઓ વારંવાર રડતા રડતા મને એવું કહી રહ્યાં હતા કે તું અમારો પુત્ર છે, આથી આ નર્ક રુપી સમુદ્રમાંથી અમારો ઉધ્‍ધાર કર.”

આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે. આથી મને ચેન પડતું નથી. “શુ કરુ? કયાં જાઉં?” મારુ હદય રુંધાઇ રહ્યું છે. હે પ્રિયજનો! એવું વ્રત, એવું તપ અને એવો યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજો તત્‍કાળ નર્કમાંથી છૂટકારો મેળવે. મારા જેવા બળવાન અને સાહસિક પુત્રના જીવતા હોવા છતાં મારા માતા-પિતા ઘોર નર્કમાં પડેલા છે. આવા પુત્રથી શું લાભ?” બ્રાહ્મણો બોલ્‍યાઃ “રાજન! અહીંથી નજીકમાં જ પર્વત મુનિનો ભવ્‍ય આશ્રમ છે. મુનિ વર્તમાન સાથે, ભૂતકાળ અને ભવિષ્‍યકાળના પણ જ્ઞાતા છે. હે નૃપશ્રેષ્‍ઠ! તમે એમની પાસે જાઓ.” 

બ્રાહ્મણોની વાત સાંભળી રાજા વૈખાનસ તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા અને ત્યાં એ મુનિ શ્રેષ્ઠને જોઇને એમને દંડવત પ્રણામ કરી, ચરણ સ્પર્શ કર્યા. મુનિએ પણ રાજા અને રાજયની ક્ષેમકુશળતા પૂછી.રાજા બોલ્‍યાઃ હે મુનિવર આપની કૃપાથી સર્વે ક્ષેમકુશળ છે. પરંતુ મે સ્‍વપ્‍નમાં જોયું કે મારા પિતૃઓ નર્કમાં પડયા છે. આથી આપ જણાવો કે કયાં પુણ્યના પ્રભાવથી એમનો ત્‍યાંથી છૂટકારો થાય ?”રાજાની વાત સાંભળીને મુનિ શ્રેષ્‍ઠ પર્વત એક મૂહર્ત સુધી ધ્‍યાનસ્‍થ રહ્યાં. ત્‍યાર બાદ એમણે રાજાને  કહ્યું,   “મહારાજ! માગશર મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે. એનું તમે વ્રત કરો. અને એનું પુણ્ય પિતૃઓને અર્પણ કરો. એ પૂણ્યના પ્રભાવથી નર્કમાંથી એમનો છૂટકારો મળશે.”

મુનિની વાત સાંભળી રાજા પોતાના ઘરે પાછો આવ્‍યો. જયારે ઉત્તમ માગશર મહિનો આવ્‍યો ત્‍યારે રાજા વૈખનારે મુનિના કહેવા પ્રમાણે “મોક્ષદા” એકાદશીનું વ્રત કરીને એનું પૂણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું. પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફુલોની વર્ષા થવા લાગી. વૈખનાસના પિતાએ પિતૃઓ સહિત નર્કમાંથી છૂટકારો મેળવ્‍યો અને આકાશમાં સ્થિ‍ત થઇને રાજાને આવા પવિત્ર વચનો કહ્યાં: “પુત્ર તારું કલ્‍યાણ થાઓ!”

આમ કહી તેઓ સ્‍વર્ગમાં ચાલ્‍યા ગયા. આ પ્રમાણે  કલ્‍યાણમયી  એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્‍ટ થઇ જાય છે અને મૃત્‍યુ પછી એ મોક્ષ પ્રાપ્‍ત કરી લે છે. આ મોક્ષ પ્રદાન કરનારી “મોક્ષદા” એકાદશી મનુષ્‍યો માટે ચિંતામણિ સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે.

બ્રહ્માંડપુરાણમાં કહેવામાં આવ્યું છે કે, જે આ એકાદશીએ ભગવાનનું પૂજન, અર્ચન અને આરતી કરાય છે, ભગવાનના મહાત્યમનું ગાન કરીને એકાદશીની ઉજવણી કરવામાં આવે છે, જે ભક્તિ ભાવથી એકાદશી કરશે તેને વાજપેય યજ્ઞનું ફળ મળે છે. જેના માતા, પિતા અથવા પુત્ર જે કોઈ નરકમાં પડયું હોય અથવા તો કોઈની અસદ્‌ગતિ થઈ હોય તેની આ એકાદશીના પ્રભાવથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આમ, આ એકાદશી સ્વર્ગ અને મોક્ષને આપનારી થાય છે. તેથી આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે.

ભગવાન વિષ્ણુને રાજગરો અવશ્ય ધરાવવો.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

પૂતનાએ પ્રભુને પયઃપાન કરાવ્યું, ત્યારે પ્રભુએ તેના પ્રાણ ચૂસી તેને ઉત્તમ ગતિ -મોક્ષ આપ્યો તે દિવસ માગશર સુદ એકાદશી હતી. આથી પુષ્ટિમાર્ગમાં માગશર સુદ એકાદશી મોક્ષદા એકાદશી તરીકે ઓળખાય છે.

મર્યાદામાર્ગીય ભાવના:

કુરુક્ષેત્રમાં હસ્તિનાપુરના કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધનો પ્રારંભ આ દિવસે થયેલો, આજ દિવસે કૃષ્ણએ અર્જુનને 
ગીતાનો ઉપદેશ કીધો હતો, માટે આ દિવસને ગીતા જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ગીતાનાં બધા 
શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિંત માનવામાં આવે છે, માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે.

Thursday 10 December 2020

ઉત્‍પત્તિ એકાદશી: કારતક વદ / કૃષ્ણ પક્ષ


ઉત્‍પત્તિ એકાદશી:  કારતક વદ / કૃષ્ણ પક્ષ

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા: “પૂર્વ કાળમાં બ્રહ્માજીના વંશમાં તાલજંઘ નામનો એક મહાન અસુર ઉત્‍પન્‍ન થયેલો હતો. એ અત્યંત ભયંકર હતો. એનો પુત્ર મૂર દાનવના નામથી વિખ્યાત થયો. ચંદ્રાવતી નામે એક પ્રસિધ્ધ નગરી છે, એમા જ સ્‍થાન બનાવીને એ નિવાસ કરે છે. મહા પરાક્રમી, કાળરુપધારી દુરાત્‍મા મહાસુર  સામે  સમસ્ત દેવતાઓ સહિત ઇન્‍દ્ર હાર પામતા, એમને સ્‍વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્‍યા હતાં. હાર પામતા દેવો શંકાશીલ તથા ભયભીત થઇને પૃથ્‍વીપર વિચર્યા કરતાં હતાં એક દિવસ બધા દેવો મહાદેવજી પાસે ગયા ત્‍યાં ઇન્‍દ્રે ભગવાન શિવ સમક્ષ સર્વ વૃંતાંત કહી સંભળાવ્‍યું. ઇન્‍દ્ર બોલ્‍યામહેશ્ર્વર ! આ દેવો સ્‍વર્ગલોકથી ભ્રષ્‍ટ થઇને પૃથ્‍વી પર વિચરી રહ્યાં છે. મનુષ્‍ય સાથે રહેવું અમને શોભતું નથી. દેવ ! કોઇ ઉપાય બતાવો. દેવતાઓ કોનો સહારો લે?

 

મહાદેવજીએ કહ્યું : “દેવરાજ! જયાં બધાને શરણ આપનારા, બધાની રક્ષમાં તત્‍પર રહેનારા જગતના સ્‍વામી ભગવાન ગુરુડધ્‍વજ બિરાજમાન છે, ત્યાં જાઓ. તેઓ તમારા સૌનું કલ્‍યાણ કરશે.”ભગવાન શ્રી કૃષ્‍ણ કહે છેઃ યુધિષ્ઠિર! મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્‍દ્ર બધા દેવો સાથે ત્યાં ગયા. ભગવાન ગદાધર ક્ષીરસાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા. એમના દર્શન કરીને ઇન્‍દ્રે હાથ જોડીને એમની સ્તુતિનો આરંભ કર્યો. ઇન્‍દ્ર બોલ્યા: દેવ આપને નમસ્‍કાર છે. દેવ આપ જ પતિ, આપ જ મતિ, આપ જ કર્તા, આપ જ કારણ છો. આપ જ સૌની માતા અને આપ જ આ જગતના પિતા છો. હે ભગવાન! હે દેવેશ્વર! શરણાગત વત્સલ દેવો ભયભીત થઇને આપના ચરણે આવ્યા છે.

 

દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે. પુંડરીકાક્ષ! આપ દૈત્યોના શત્રુ છો. મધુસુદન! અમારી રક્ષા કરો. જગન્‍નાથ! બધા દેવો મૂર નામના દાનવથી ભગભીત થઇને આપના શરણે આવ્‍યા છે.ભકતવત્સલ! અમને બચાવો! દાનવોનો વિનાશ કરનારા કમલનયન! અમારી રક્ષા કરો.

 

પ્રભુ! અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી મૂર નામના દૈત્યે બધા દેવોને જીતીને એમને સ્‍વર્ગમાંથી કાઢી મુકયા છે. એણે એક બીજા જ ઇન્દ્રને સ્વર્ગનાં સિંહાસન પર બેસાડયા છે. અગ્નિ, ચંદ્રમાં, સુર્ય, વાયુ અને વરુણ પણ એણે બીજાને બનાવ્‍યા છે. જનાર્દન હું સાચી વાત કહી રહ્યો છું. એણે દેવોના બધા જ સ્થાનો બીજાને આપી દીધા છે. દેવતાઓને તો એણે પ્રત્યેક સ્થાનથી વંચીત કરી દીધા છે.

 

ઇન્‍દ્રનું કથન સાંભળીને ભગવાન વિષ્‍ણુને ઘણો જ ક્રોધ આવ્‍યો તેઓ દેવતાને સાથે લઇને ચંદ્રાવતી પુરીમાં ગયા એમણે જોયું કે દૈત્‍યરાજ વાંરવાર ગર્જના કરી રહ્યો છે. અને એનાથી ભયભીત થઇને બધા જ દેવો દસેય દિશાઓમાં ભાગી રહ્યા છે. ભગવાન વિષ્‍ણુને જોઇને દાનવ બોલ્‍યો ઉભો રહે…. ઉભો રહે ! એનો આ પડકાર સાંભળી ભગવાન નેત્રો ક્રોધથી લાલ થઇ ગયા. તેઓ બોલ્‍યાઃ અરે દુરાચારી દાનવ ! મારી આ ભુજાઓને જો. આમ કહીને શ્રી વિષ્‍ણુએ પોતાના દિવ્‍ય બાણોથી સામે આવેલા દુષ્‍ટ દાનવોને મારવાનું શરુ કર્યું. પાંડુનંદન! ત્‍યાર પછી શ્રી વિષ્‍ણુએ દૈત્‍ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો. એનાથી છિન્‍ન ભિન્‍ન થને સેંકડો યોધ્‍ધાઓ મોતના મુખમાં ચાલ્‍યા ગયા” ત્‍યાર પછી ભગવાન મધુસુદન  બદ્રીકાશ્રમ ચાલ્‍યા ગયા. ત્‍યાં સિંહાવતી નામની ગુફા હતી. એ બાર યોજન લાંબી હતી.

 

પાંડુનંદન ! એ ગુફાને એક જ દરવાજો હતો. ભગવાન વિષ્‍ણુ એમાં જ સૂઇ ગયા. દાનવે પણ ગુફામાં પ્રવેશ કર્યો. ત્‍યાં ભગવાનને સૂતેલા જોઇને, એને ઘણો હર્ષ થયો. એણે વિચાર્યું, “આ દાનવોને ભય પમાડનાર દેવ છે. આથી વહેલી તકે એમને મારી નાખવા જોઇએ.” યુધિષ્ડિર ! દાનવ આમ વિચારતો જ હતો ત્‍યાં જ ભગવાન વિષ્‍ણુના શરીરમાંથી એક કન્‍યા પ્રગટ થઇ. એ ખૂબ જ રુપવતી  સૌભાગ્‍યશાળી તથા દિવ્‍ય અસ્‍ત્ર-શસ્‍ત્રથી યુકત હતી. એ ભગવાનના તેજના અંશમાંથી ઉત્‍પન્‍ન થઇ હતી. એનું બળ અને પરાક્રમ મહાન હતું. યુધિષ્ઠિર! દાનવરાજ મૂરે એ કન્‍યાને જોઇ, ન્‍યાએ યુધ્‍ધનો વિચાર કરીને દાનવને યુધ્‍ધ માટે પડકારીને યુધ્‍ધ છેડયું. કન્‍યા બધા પ્રકારની યુધ્‍ધકળામાં હોંશિયાર હતી. એ મૂર નામનો મહાન અસુર એના હુંકાર માત્રથી રાખનો ઢગલો થઇ ગયો દાનવના મરી ગયા પછી ભગવાન જાગી ઊઠયા. એમણે દાનવને ધરતી પર પડેલો જોઇને પૂછયું. મારો આ શત્રુ અત્‍યંત ઉગ્ર અને ભયંકર હતો. કોણે આનો વધ કર્યો છે ?”

  કન્‍યા સાક્ષાત એકાદશી જ હતી.

 

ભગવાન વિષ્ણુને બદામ અવશ્ય ધરાવવી.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

ગોપી (વ્રજકુમારિકા) ઓએ પ્રભુ અમારા પતિ થાય એ મનોરથ પૂર્ણ કરવા માટે કાત્યાયની વ્રત કર્યું, આ વ્રતચર્યા સમયે અન્યાશ્રય ન થાય તે માટે શ્રી યમુનાજીની રેણુ (રેતી) થી કાત્યાયની દેવીની પ્રથમ ઉત્પત્તિ આ એકાદશીએ કરી તેથી પુષ્ટિમાર્ગમાં ઉત્પત્તિ એકાદશી તરીકે જાણીતી થઇ.

મર્યાદામાર્ગીય ભાવના:

તાલબંધ નામના દૈત્યનો પુત્ર મુર નામે મહા બળવાન અસુર હતો, બ્રહ્માજીના વરદાનથી તેનો નાશ થાય તેમ નહોતો. આથી ભગવાને નિજ ઈચ્છાથી પોતાના શ્રીઅંગમાંથી શક્તિરૂપે એક કન્યા ઉત્પન્ન કરી તેનો સંહાર કર્યો હતો.

વિશ્રામ લેવા પોઢેલા શ્રીહરિ જાગ્યા ત્યારે સ્વચરણોમાં આ કન્યાને પ્રણામ કરતી જોઈ, પ્રભુએ પૂછતાં જવાબ આપ્યો કે : 'કૃપાનાથ ! હું આપના નિજ અંગમાંથી પ્રગટ થઇ છું અને અસુરનો નાશ કર્યો છે.'

આમ આ શક્તિરૂપી કન્યા ભગવાનમાંથી ઉત્પન્ન થઈ હોવાથી 'ઉત્પત્તિ એકાદશી' નામે પ્રસિદ્ધ થઈ.

આરતી:

જય જય ઉત્પત્તિ એકાદશી ,જય ઉત્પત્તિ એકાદશી

હેમંત ઋતુ માં જ તું પ્રગટ થાયે ,

કારતક મહિને તારી પૂજા ગાયે

કૃષ્ણ પક્ષ ની ઘડી માં , તું જ પરમ દાતા …જય જય

શત્રુઓ નો નાશ કરતી ,તું જીવ માં મોક્ષ ભરતી ,

તારી ભક્તિ કરવાથી અશ્વ્મેઘ ના ફળ મળતા …જય જય

તેં અર્જુન ને ફળ દીધું ,તેનું તે કામ કીધું ,

સ્તુતિ કર્યાથી સૌ કામો અહીં ફળતા ……..જય જય

વિષ્ણુ લોક માં વાસ તારો ,ઉદ્ધાર કરજે તું મારો ,

તું પરમ કૃપાળુ તું જ છે દાતા …………………….જય જય ઉત્પત્તિ એકાદશી