Thursday 8 September 2016

મૂષક કેવી રીતે બન્યો શ્રીગણેશનું વાહન?

મૂષક કેવી રીતે બન્યો શ્રીગણેશનું વાહન?
સમેરુ પર્વત પર સૌભરિ ઋષિનો આશ્રમ હતો. તેમની ખૂબ સ્વરૂપવાન તથા પતિવ્રતા પત્નીનું નામ મનોમયી હતું. એક દિવસ ઋષિ બળતણ માટે લાકડાં લેવા માટે વનમાં ગયા. તેમના ગયા પછી મનોમયી ગૃહકાર્યમાં વ્યસ્ત થઈ ગયાં. તે સમયે કૌંચ નામનો એક ગંધર્વ ત્યાં આવ્યો. જ્યારે કૌંચે લાવણ્યમયી મનોમયીને જોયાં, તો તેની અંદર કામ જાગૃત થયો અને તે વ્યાકુળ થઈ ગયો. તેણે મનોમયીનો હાથ પકડી લીધો. મનોમયી હાથ છોડવા આજીજી કરવા લાગ્યાં. તે સમયે ત્યાં સૌભરિ ઋષિ આવ્યા.
તેમણે ગંધર્વને શ્રાપ આપતાં કહ્યું, "તેં ચોરની જેમ મારી પત્નીનો હાથ પકડયો છે, તેથી તું હવે મૂષક બનીને ધરતી પર જઈને ચોરી કરીને તારું પેટ ભરીશ."
શાપથી વ્યથિત થઈને ગંધર્વે ઋષિને પ્રાર્થના કરી કે, "હે ઋષિવર, અવિવેકને કારણે મેં તમારી પત્નીના હાથનો સ્પર્શ કર્યો છે. મને ક્ષમા આપો."
ઋષિએ કહ્યું, "કૌંચ, મારો શ્રાપ વ્યર્થ નહીં થાય, પરંતુ દ્વાપરયુગમાં મર્હિષ પરાશરને ત્યાં ગણપતિ દેવ ગજાનન રૂપમાં પ્રગટ થશે, ત્યારે તું તેમનું વાહન બની જઈશ. ત્યારબાદ તારું કલ્યાણ થશે તથા દેવગણ પણ તારું સન્માન કરશે.'
ગંધર્વ મૂષક તરીકે જન્મ લઈને ઋષિ પરાશરના સ્થાને ગયો. ત્યાં ભગવાન ગણેશનો અવતાર ગજાનન રહી રહ્યા હતા. મૂષક ત્યાં આજુબાજુ રહેનારા લોકોને હેરાન-પરેશાન કરતો હતો. ઋષિ પરાશરે ગજાનનને કહ્યું કે, "મૂષકની સમસ્યામાંથી છુટકારો અપાવો," ગજાનને મૂષકને પકડયો અને કહ્યું, "મારે તારી પાસે કંઈ નથી જોઈતું. હું તારા પર સવારી કરીશ અને હું જ્યાં જાઉં ત્યાં તારે મારી સાથે આવવું પડશે." તેથી મૂષક હંમેશાં ગણેશજીનાં ચરણોમાં રહે છે.

સમાપ્ત

No comments:

Post a Comment