Friday 28 August 2020

વામન / જળઝીલણી / દાન / પરિવર્તિની એકાદશી


 

વામન / જળઝીલણી / દાન / પરિવર્તિની એકાદશી:  ભાદરવા સુદ / શુકલ પક્ષ

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા:  હે રાજન! હવે હું અનેક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવા માસની શુકલ પક્ષની એકાદશીની કથા કહું છું. જો કોઈ ધર્મપરાયણ મનુષ્ય આ દિવસે મારી પૂજા કરે છે તેને હું સંસારની પૂજાનું ફળ આપું છું. જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણે દેવતા અર્થાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા કરે છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે એમણે આ સંસારમાં કશું પણ કરવું શેષ રહેતું નથી.

 

આ એકાદશી વિવિધ નામ થી જાણીતી છે:

 

વામન એકાદશી:

પૂર્વે ત્રેતાયુગ માં બલીરાજા નામનો એક દાનવ થઇ ગયો. તે દાની, સત્યવાદી અને બ્રાહ્મણોની સેવા કરવાવાળો હતો. તે સાદય તપ, યજ્ઞ, હોમ, હવન અને પૂજન કરતો. તે મારો પરમ ભકત હતો અને મારી પૂજા પણ કરતો હતો, પોતાની ભકિતના પ્રભાવે તેણે સ્વર્ગનું રાજય પ્રાપ્‍ત કરેલું, એટલે દેવો માટે તે શત્રુરુપ હોવાથી દેવાતાઓએ મને તેના ત્રાસમાંથી છોડાવવા વિનંતી કરી એટલે મારે વામનરુપે તેને છેતરવો પડયો.

 

હું તેના આંગણે ભીક્ષા માંગવા ગયો. મેં તેની પાસે ત્રણ ડગલા પૃથ્‍વી માંગી અને તેણે તે આપવા સંકલ્પ કર્યો. મેં મારું વિરાટ સ્વરુપ ધારણ કર્યું. મારો પગ ભૂલોકમાં, જાંઘો ભુવન લોકમાં, કમર સ્‍વર્ગલોકમાં, પેટ મહાલોકમાં, હદય જનલોકમાં, કંઠ તપલોકમાં અને મુખ સત્યલોકમાં! મારુ આવુ સ્વરુપ જોતાં બધા દેવો મારી સ્તુતિ કરવા લાગ્યા મેં એક ડગલાથી પૃથ્‍વી અને બીજાથી ત્રિલોક માપી લીધું પછી ત્રીજું ડગલું ક્યાં    મૂકવું તે પૂછયું.

 

ત્‍યારે મારા પરમ ભકત બલિએ પોતાનું મસ્‍તક મારા ચરણોમાં મૂકી કહ્યું : હે જગતપતિ ! આપ ત્રીજું ડગલુ મારા મસ્‍તક પર મૂકો અને મેં મારો પગ તેના માથા પર મુકી તેને હું પાતાળમાં લઇ ગયો. ત્યાં તે મારા શરણે આવ્‍યો. ત્‍યારે મેં કહ્યું, હે રાજન ! તારી ભકિતીથી હું અત્‍યંત પ્રસન્‍ન થયો છું. તારે જે જોઇએ તે માંગ.

ત્‍યારે બલિ રાજાએ હાથ જોડીને કહ્યું : “રાજન્ ! હું સદાય તારી પાસે રહીશ. મે આ કાર્ય ભાદરવા સુદ અગિયારસના દિવસે કરેલું તે દિવસથી મારી એક મૂર્તિ બલીરાજા પાસે ને બીજી ક્ષીસાગરમાં છે, હે ધર્મ રાજા !  એ પવિત્ર એકાદશીના દિવસે મેં આ કાર્ય ક્યું હોવાથી એકાદશી કરનારને તથા તેનું મહાત્‍મ્‍ય ભકિત પૂર્વક સાંભળનારને હજાર અશ્ર્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આ એકાદશીના દિવસે દહીંનું, રુપનું અને ચોખાનું દાન કરનાર સમસ્‍ત પાપોથી મુકત થઇ સ્‍વર્ગલોકમાં જાય છે.

 

આ દિવસે ભગવાન વિષ્ણુએ બલિરાજાનો ગર્વ ઉતાર્યો હતો. અને તેમને વામન સ્વરૂપ લઈને ત્રણ પગલા જમીન માંગીને તેમને પાતાળમાં ધકેલી દીધાં હતા, તેથી બીજે દિવસે વામન દ્વાદશી ઉજવવામાં આવે છે.

 

આ એકાદશી ને જયંતી એકાદશી પણ કહે છે. આ જયંતી એકાદશીની કથા સાંભળવા માત્રથી પાપ નો નાશ થાય છે, અને નીચ, પાપીઓનો ઉદ્ધાર થઇ જાય છે.

 

જળઝીલણી કે પદ્મા એકાદશી:

 

જળઝીલણી એકાદશીના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે યમુનામાં નૌકાવિહાર કર્યો હતો. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે. તેવું પણ શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે. ભવસાગર પાર ઉતરવા માટે ગોપીઓની જેમ ભક્તોએ ભગવાન અને ગુરુના ચરણે મન અર્પિત કરવું જોઈએ તેવો સંદેશો આ જળઝીલણી એકાદશીથી મળે છે.

 

ભગવાન વિષ્ણુને દહીં-કાકડી અવશ્ય ધરાવવવા.

 

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

દાન એકાદશી:

વેચવાની વસ્તુઓ ઉપર નીતિમાર્ગમાં લેવામાં આવતો રાજાનો ભાગ વેરો કે જકાત લેવામાં આવે છે (ગુજરાતીમાં તેને દાણ કહેવામાં આવે છે). વ્રજમાં શ્રી નંદરાયજીનું રાજ્ય હતું એટલે શ્રી ઠાકોરજી માલ પર દાણ માંગી શકે છે. શ્રી ઠાકોરજીએ વ્રજાંગનાઓના ગોરસના મટકા ફોડી એ દહીં સખાઓ, વ્રજભક્તો અને વાનરોને લૂંટાવ્યું છે.

પ્રભુએ દાન લીલા કરીને ગોપીજનોના માનનું મર્દન કરી, મહીના દાન - ઘાટીના સ્થળે મહી, ગોરસથી ભરેલાં માટ ફોડીને લીધા છે. લૌકિક રીતે પ્રભુની આ લીલા પાછળનો જે ભાવ હોય તે પરંતુ અલૌકિક રીતે દાનલીલા, માનલીલા, રાસલીલા - આ બધી લીલાઓ પાછળ ગૂઢ રહસ્ય સમજવાની જરૂર છે, પ્રભુનો એક જ હેતુ હતો કે તે દ્વારા જીવની પોતાનામાં આસક્તિ વધારવી.

 

મર્યાદામાર્ગીય ભાવના:

પરિવર્તિની (પર્સવ) એકાદશી:

ભગવાન અષાઢ સુદ એકાદશીએ ક્ષીસાગરમાં શેષશૈયા પર પોઢવા પધારે છે અને કારતક સુદ એકાદશીએ જાગ્રત થાય છે. પરંતુ ભાદરવા સુદ એકાદશીએ ભગવાન પડખું બદલી પરિવર્તન કરે છે. આ દિવસે નારાયણ ગાઢ નિદ્રામાંથી પોતાનું પડખું આનંદથી ફેરવે છે, એમ મનાય છે. એટલે આ એકાદશીને (પર્સવ) પરિવર્તિની એકાદશી તરીકે ઊજવવામાં આવે છે.

 

 

No comments:

Post a Comment