Monday, 5 September 2016

ગણેશજીની ઉત્પત્તિની કથા:

ગણેશજીની ઉત્પત્તિની કથા:

ગણેશજીની ઉત્પત્તિની એક બહુ પ્રચલિત કથા પ્રમાણે માતા પાર્વતીજી અને કૈલાસપતિ ભગવાન શંકર, આનંદ ઉલ્લાસપૂર્વક જીવન પસાર કરતા હતા. એક દિવસ એવું બન્યું કે માતા પાર્વતીજી સ્નાનાગારમાં હતા અને બહાર દ્વારપાળ તરીકે નંદી ઊભા હોવા છતાં મહેશ્વરે માતાજી સ્નાન કરે છે એવા નંદીના નિવેદનને અવગણીને સ્નાનાગારમાં પ્રવેશ કર્યો. આથી માતા પાર્વતીજી લજ્જિત થઇ ગયાં. ભગવાન શિવની અનુપસ્થિતિમાં માતા પાર્વતીએ વિચાર કર્યો કે તેમનો પોતાનો એક સેવક હોવો જોઈએ, જે પરમ શુભ, કાર્યકુશળ તથા આજ્ઞાનું સતત પાલન કરવામાં ક્યારેય વિચલિત થાય. આથી માતા પાર્વતીજીએ પોતાના અંગ ઉપરના મેલનું એક પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણનો સંચાર કર્યો. બાળક પરમ સુંદર, અત્યંત બુદ્ધિશાળી અને પરાક્રમી હતો. તેમણે પાર્વતીજીના ચરણોમાં અત્યંત શ્રદ્ધા સાથે પ્રણામ કર્યા અને તેઓની આજ્ઞા માગી. માતા પાર્વતીજી કહ્યું કે તું મારો પુત્ર છે, તું મારો દ્વારપાળ થઇ જા અને મારી આજ્ઞા વગર કોઇ મારા અંતઃપુરમાં પ્રવેશે તેનું ધ્યાન રાખજે.
એક વખત તપ કરીને ઘરે પાછા ફરેલા ભગવાન શંકર ઘરમાં દાખલ થવા ગયા, ત્યારે દરવાજા પાસે ઊભેલા શ્રી ગણપતિએ તેમને અંદર જતા રોક્યા. ભગવાન શંકર કોપાયમાન થયા. બંને વચ્ચે યુદ્ધ થયું. છેવટે ભગવાન શંકેરે ગણેશજીનું મસ્તક ધડથી જુદું કરી દીધું. જોઈને પાર્વતીજી કલ્પાંત કરવા લાગ્યા.પાર્વતીજીના શોકને સમાવવા અને ગણપતિજીને સજીવન કરવા ભગવાન શંકેરે એક હાથીનું મસ્તક કાપી ગણપતિજીના ધડ પર મૂકી દીધું અને તેઓ જીવિત થયા. બાળકનું આવું વિચિત્ર રૂપ જોઈને માતા હજુ પણ દુઃખી હતાં. તેમને લાગતું હતું કે આવા દેખાવવાળા મારા પુત્રનો બધા તિરસ્કાર કરશે. ત્યારે ત્યાં હાજર દેવતાઓ સહિત બધાએ ગણેશજીને પ્રથમ પૂજનનું વરદાન આપ્યું અને તેમને ગણાધ્યક્ષ બનાવ્યા. ત્યારથી ગણેશજી ગજાનન કહેવાયા.
ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.
ગણેશજી વિઘ્નોને દૂર કરનારા દેવ છે, વિદ્યા-બુદ્ધિ, દયા તથા કૃપાના મહાસાગર છે. દરેક શુભ કાર્ય કે અનુષ્ઠાન કરતા પહેલાં 'શ્રી ગણેશાય નમઃ ' મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે, તેને શ્રીગણેશ કર્યાં એમ કહેવામાં આવે છે.

ક્રમશ:

No comments:

Post a Comment