વાસુદેવ શ્રીકૃષ્ણને તેમના જ્ન્મોત્સવ પર્વે કોટિ કોટિ પ્રણામ.
શ્રી કૃષ્ણાવતાર એટલે દેવકીજીનો આઠમો પુત્ર. પુરાણો પ્રમાણે પૃથ્વી પરથી અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરવા, પુણ્યાત્માઓની રક્ષા કરવા તેમજ ગાયો, બ્રાહ્મણો અને સંતોનું પાલન કરવા ધરતી ઉપર જન્મ ધારણ કર્યો. તેમના જન્મ દિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે.
જન્માષ્ટમીનું વ્રત ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તેમજ અન્ય ધર્મશીલ વર્ગ કરે છે. આ વ્રત સૌ પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું, આ વ્રતના પ્રતાપે તેઓ પુનઃ રાજવૈભવ પ્રાપ્ત કરી શક્યા હતા. અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ માટે જન્માષ્ટમીનું વ્રત એ અમોઘ સાધન છે. જન્માષ્ટમી પર્વે વ્રત અને ઉપવાસ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે, વ્રતધારીને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, અને સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.
આ દિવસે ત્રણ પ્રકારની ભગવત્સેવા કરવાનું વ્રત લેવું. આ સેવા ત્રણ પ્રકારની છે –
(૧) માનસી સેવા - મનની એકાગ્રતા રાખી ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત પરોવવું તેને "માનસી સેવા".
(૨) તનુજા સેવા - તનુ એટલે દેહ, દેહ દ્વારા જે સેવા થાય તેનું નામ "તનુજા સેવા".
(૩) વિત્તજા સેવા - વત્તિ એટલે ધન, ધનથી જે સેવા થાય તેનું નામ "વિત્તજા સેવા".
જન્માષ્ટમી ના દિવસે ભગવાનની સેવા-પૂજા, કથા-વાર્તા, આરતી વગેરે મધરાતે કરાય છે. ભગવાને અર્ધ્ય પણ મધરાતે અપાય છે.
બ્રહ્મા,વિષ્ણુ તેમજ શિવ-પ્રભૃતિ દેવતા જેમના ચરણોમાં ધ્યાન કરે છે એવા શ્રી કૃષ્ણના અત્યંત પવિત્ર જન્મ દિવસે એમના અગણિત ગુણોને યાદ કરીએ,પર્વને આનંદથી ઉજવીએ અને ઉલ્લાસ મય સ્વરે ગાઈએ.
નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી
હાથી ઘોડા પાલખી ,જય કનૈયા લાલ કી
No comments:
Post a Comment