નવરાત્રિનાં પ્રથમ દિવસે ‘‘શૈલ પુત્રી’’
યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા ।
યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।
માર્કંડેયપુરાણમાં હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે, તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે. દેવી ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. દેવી શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે.
નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મુલાધારચક્રમાં સ્થિત કરે છે. જ્યાંથી યોગસાધનાનો આરંભ થાય છે.
પૂર્વ જન્મ
દેવી શૈલપુત્રી, પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૃપે જન્મ્યાં હતાં. ત્યારે સતી નામ હતું. તેનું લગ્ન શંકરજી સાથે થયેલ. એક વખત દક્ષે મહાન યજ્ઞનું આયોજન કર્યું, પણ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું તેમ જ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું. બીજા દેવદેવતાને આમંત્રણ આપ્યું તેમ જ એને ફળભાગ પણ આપ્યા. સતીને પિતાના ઘેર યજ્ઞામાં જવાની ઇચ્છા થઈ અને પોતાનાં માતા-પિતા, બહેનોને મળવાની ઇચ્છા થઈ, શંકરજીએ ના પાડવા છતાં સતીજી માન્યાં નહીં. અંતે શંકર ભગવાનને રજા આપી. સતીજી પિયર ગયાં ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો. બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યાં. આ જોઈ સતી દુઃખી થયાં. તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દીક ભગવાન શંકર માટે પણ બધાંને તિરસ્કારભાવ હતો. દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. શંકરજીની વાત ન માનવા સતીજીને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતાં પોતાના શરીરને યોગાગ્નિમાં ભષ્મ કરી લીધું. વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞાનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞાનો ધ્વંસ કર્યો. એ જ સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રીરૃપે જન્મ લીધો. તેમને પાર્વતી, હેમવતી પણ કહે છે. ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૃપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલ અને બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમનાં લગ્ન થયાં.