Wednesday, 17 August 2016

રક્ષા બંધન

રક્ષા બંધન
શ્રાવણ માસની પુનમ દેશના દરેક ખૂણામાં અલગ નામ અને રીતે તહેવાર તરીકે ઉજવવામાં આવે છે પશ્ચિમમાં આને નારિયેળ પૂર્ણિમા તથા રક્ષા બંધન નામથી ઉજવવામાં આવે છે. હિંદુ સંસ્કૃતિના ઘણાબધા પર્વો માંથી રક્ષા બંધન એક અનોખો સામાજિક તહેવાર છે.
રક્ષાબંધનના અલગ-અલગ સ્વરૂપોની ઝાંખી મળી આવે છે.
પૌરાણિક કથા અનુસાર સ્વર્ગના દેવતા ઈંદ્ર જ્યારે રાક્ષસોની સામે પરાજીત થયા હતાં ત્યારે ઈંદ્રાણીએ શ્રાવણ માસની પુનમ ને દિવસે તેમને રક્ષાસૂત્ર લાલ રંગનો ધાગો જમણા હાથે બાંધ્યો હતો જેથી કરીને તે દુશ્મનોનો સામનો કરી શકે. 


મહાભારતમાં રક્ષાબંધન સાથે સંબંધિત શ્રીકૃષ્ણ તથા દ્રૌપદીનું એક વૃતાંત મળે છે. જ્યારે કૃષ્ણએ સુદર્શનચક્રથી શિશુપાલનો વધ કર્યો ત્યારે તેમની તર્જની આંગળીમાં ઘા થયો. દ્રૌપદીએ તરત જ પોતાની સાડી ફાડીને તેમની આંગળી પર પટ્ટી બાંધી. આ દિવસ શ્રાવણ માસની પૂર્ણિમાનો હતો.
માતા કુન્તી દ્વારા અભિમન્યુને રાખડી બાંધવામાં આવી હોવાનો ઉલ્લેખ પણ જોવા મળે છે.


શ્રીમદ્ ભાગવતમાં વામનાવતાર નામની કથામાં રક્ષાબંધનના પ્રસંગનો ઉલ્લેખ જોવા મળે છે. ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈને બ્રાહ્મણનો વેશ ધારણ કરીને રાજા બલિ પાસે ભિક્ષા માગવા માટે પહોંચી ગયા. બલિ ખૂબ જ દાનવીર હતા તેમણે ત્રણ પગલાં ભૂમિ દાન કરી દીધી. ભગવાન વામને બે પગલાંમાં ધરતી, આકાશ-પાતાળ બધું જ સમાવી લીધું, હવે ત્રીજું પગલું બાકી રહ્યું, રાજા બલિએ આ પગલું પોતાના માથે મૂકવા જણાવ્યું. વામન ભગવાને બલિ પર ત્રીજું પગલું મૂકીને તેને પાતાળમાં પહોંચાડી દીધા અને રાજાના અભિમાનને ચૂરચૂર કરી દીધું. તેને કારણે આ તહેવાર ‘બળેવ’ ના નામથી પણ પ્રસિદ્ધ છે. બલિ વિષ્ણુ ભગવાન પોતે વામન બનીને આવ્યા છે તેવું જાણવા છતાં પણ તેમને દાન આપ્યું હતું. તેથી ભગવાન વિષ્ણુ બલિ પર પ્રસન્ન થયા. બલિએ ભગવાન પાસે રાત-દિવસ પોતાની સામે રહેવાનું વરદાન માંગ્યું. ભગવાન પાછા ન ફરતાં વિહ્વળ બનેલાં લક્ષ્મીજીને નારદજીએ એક ઉપાય જણાવ્યો. તરત જ લક્ષ્મીજી રાજા બલિ પાસે ગયાં. બલિના હાથ પર રાખડી બાંધીને તેને પોતાનો ભાઈ બનાવ્યો અને તેની પાસેથી પોતાના પતિને વચનમુક્ત કરાવીને પોતાની સાથે લઈ ગયાં. આ દિવસે શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ હતી.


રાજપૂત રાજાઓ જ્યારે યુદ્ધ માટે નીકળતા હતા ત્યારે મહિલાઓ તેમના માથા પર કુમકુમનું તિલક કરવાની સાથે-સાથે તેમના હાથમાં એવા વિશ્વાસ સાથે રેશમી દોરો બાંધતી હતી કે આ દોરાની શક્તિથી તેઓ વિજયશ્રી સાથે પરત ફરશે.


આપણી સંસ્કૃતિમાં ગુરુઓ શિષ્યને અને શિષ્ય ગુરુને, બ્રાહ્મણો દ્વારા પોતાના યજમાનને, ભગવાનની મૂર્તિથી લઈને વૃક્ષોને પણ આ દિવસે રાખડી બાંધવામાં આવે છે.


આપણા સમાજ માં રક્ષા બંધન જે રીતે ઉજવાય છે, એ જોઇને એવું લાગે કે આ પ્રથા તો ભાઈ અને બહેન વચ્ચે, સ્ત્રી ની સુરક્ષા માટે છે. પણ હકીકત માં સુરક્ષા કરનારી શકતી નારી ની છે.


હવે આ પર્વ સંપુર્ણ રીતે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક બની ગયું છે. જેની અંદર બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ આખી જીંદગી તેની રક્ષા કરવાનું વચન આપે છે. 
રાખડી બાંધતી સમયે બહેન આ મંત્ર બોલે
येन बद्धो बली राजा दानवेन्द्रो महाबल: |
तेन त्वां अभिबन्धामि रक्षे मा चल मा चल ||

No comments:

Post a Comment