Wednesday, 24 March 2021

આમલકી કે કુંજ એકાદશી: ફાગણ સુદ / શુક્લ પક્ષ


 આમલકી કે કુંજ એકાદશી: ફાગણ સુદ / શુક્લ પક્ષ

 

એકાદશી ની કથા:

 

રાજા માન્ધાતાએ ફાગણ માસના શુક્લ / સુદ પક્ષની એકાદશી વિષે વશિષ્‍ટજીને પ્રશ્ર્ન પૂછયો હતો. જેના જવાબમાં મહામુનિએ કહ્યું હતું.

 પ્રલયના સમયે જગત નાશ પામ્યું અને  સમુદ્રરુપ બની ગયું હતું. ત્યાર પછી થોડા સમયે ભગવાન વિષ્ણુના મુખમાંથી ચંદ્રના જેવી કાન્તિવાળું થુંકનું માત્ર

એક ટીપું જમીન પર પડયું, જેમાંથી આપો આપ આમળાનું એક વિશાળ “આમલકી” (આમળાનું) મહાનવૃક્ષ ઉત્‍પન્‍ન થયુ કે જે બધા જ વૃક્ષોનું આદિ કહેવાય છે.

આજ સમયે  પ્રજાની સૃષ્ટિ રચવા માટે ભગવાને બ્રહ્માજીને ઉત્‍પન્‍ન કર્યા. અને બ્રહ્માજીએ દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષ, નાગ અને નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓને જન્‍મ આપ્‍યો. એમનામાંથી દેવતાઓ અને ઋષિઓ એ સ્‍થાન પર આવ્‍યા કે જયાં આમળાનું વૃક્ષ હતું. રાજન ! આમળાના વૃક્ષને જોઇને દેવતાઓને ઘણીજ નવાઇ લાગી. કારણ કે આ વૃક્ષ વિશે તેઓ જાણતા ન હતા. દેવતાઓને વિસ્‍મીત થયેલા જોઇને આકાશવાણી થઇ. “મહર્ષિઓ ! આ સર્વશ્રેષ્‍ઠ આમળાનું વૃક્ષ છે કે જે વિષ્‍ણુને પ્રિય છે. એના સ્‍મરણ માત્રથી ગૌદાનનું પૂણ્ય મળે છે. સ્‍પર્શ કરવાથી એના કરતા બમણું અને ફળ ખાવાથી ત્રણ ગણું ફળ ખાવાથી ત્રણ ગણું ફળ પ્રાપ્‍ત થાય છે. બધાય પાપોનું હરણ કરનારું એ વૈષ્‍ણવ વૃક્ષ છે. એના મૂળમાં વિષ્‍ણું એની ઉપર બ્રહ્મા, ખભામાં શિવ, શાખાઓમાં મુનિઓ, ડાળીઓમાં દેવતા, પાનમાં વશુ, ફુલોમાં મરુદગણ અને ફળમાં સમસ્‍ત પ્રજાતિઓ વાસ કરે છે. આમળાનું વૃક્ષ સર્વ દેવમય છે. આથી વિષ્‍ણુભકત પુરુષો માટે એ પરમ પૂજય છે. માટે હંમેશા પ્રસન્‍નતા પૂર્વક આમળાનું સેવન કરવું જોઇએ.

ઋષિઓ બોલ્‍યાઃ “આપ કોણ છો? દેવતા છો કે અન્‍ય કોઇ ? અમને સત્‍ય જણાવો.” પુનઃ આકાશવાણી થઇઃ “જે સંપૂર્ણ ભૂતોના કર્તા અને સમસ્‍ત ભૂવનના સૃષ્‍ટા છે. જેમને મહાન પુરુષો પણ મુશ્‍કેલીથી જોઇ શકે છે. એજ સનાતન વિષ્‍ણુ હું છું.”

બીજી વાર્તા પ્રમાણે:

પૌરાણિક સમયમાં વિદિશા નામની નગરીનો ચંદ્રવંશના રાજા પસબિન્દુકના કુળનો ચિત્રરથ નામે એક પવિત્ર સત્યવાદી રાજા હતો. તેના પ્રજાજનો ભગવાન વિષ્ણુની ભક્તિ કરતા અને એકાદશીનું વ્રત કરતા. આમલકી એકાદશીની વહેલી સવારે રાજા અને પ્રજા નદીમાં સ્નાન કરી કિનારે ભગવાન વિષ્ણુનું મંદિર અને આમલકીનું વૃક્ષ હતું તેની પૂજા કરી આખી રાત જાગતા રહ્યા. ત્યાં માણસને મારીને ગુજરાન ચલાવતો એક લૂંટારો આવ્યો તે ભૂખ-તરસથી પીડાતો હોવા છતાં આખી રાત ત્યાં બેસી રહ્યો અને પ્રભુ સ્મરણ કર્યું. એકાદશીની ફળશ્રુતિ રુપે લૂંટારો બીજા જન્મમાં જયન્તી નગરીના વિદુરથ રાજાના શક્તિશાળી પુત્ર વાસુરથ તરીકે જન્મ્યો. તે સૂર્યના જેવો તેજસ્વી, ચંદ્ર જેવો શીતળ, ભગવાન વિષ્ણુ જેવો શક્તિશાળી અને ધરતી જેવો સહિષ્ણુ હતો, શાસક તરીકે સત્યવાદી અને દ્રઢ નિશ્ચયી હતો.

ભગવાન વિષ્ણુને છાશ / ગોળ અવશ્ય ધરાવવા.

 પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

પુષ્ટિમાર્ગમાં આ એકાદશી ને કુંજ એકાદશી પણ કહે છે. હોળીના દિવસોમાં મથુરામાં કંઇક ઉપદ્રવ હોવાથી પ્રભુએ મથુરાની હોળીના વિવિધ દ્રશ્યોને મંદિરમાંજ પોતાની સમક્ષ ઉપસ્થિત કરવાની ઈચ્છા ગિરિધરજીને જણાવી એટલે જ અનેક પ્રકારના સ્વાંગોનું નિર્માણ કુંજ એકાદશીએ શયન દર્શન સમયે શરુ થયું. પુષ્ટિ મંદિરોમાં કુંજ એકાદશી થી ડોલોત્સવ (ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોય તે દિવસે થાય) ના દિવસ સુધી નિજ મંદિર થી તિબારીમાં આંબાના પાન અને ફુલોથી ઘેરો ડોલ તૈયાર કરે અને તેને સફેદ ઝુલ તથા પિંછવાઈ બિછાના બંધાય.બાદ ડોલનું અધિવાસન કરાય છે.ત્યાં પ્રભુ ઝુલે અને અબીલ ગુલાલ ઈત્યાદિ રંગોથી અને ભીના રંગથી ભારે ખેલ ખેલાય છે.એ રીતે ચાર ખેલના દર્શન થાય અને ત્રણ ભોગ ધરાય.તેમાં સખીજનોના ભાવથી ખેલાય અને ચોથો ખેલ પ્રભુના પોતાના ભાવથી ખેલાય.એ ક્રિડાનો ભાવ અધિકાર વીના વધારે સમજાય એમ નથી અને સંધ્યા આરતી બાદ કુંજ ખેલાય.

 મર્યાદામાર્ગીય ભાવના:

બ્રહ્માંડ પૂરાંણમાં દર્શવ્યા પ્રમાણે પૂર્વે ચૈત્રરથ નામના રાજાએ આ એકાદશીએ સ્નાનાદિ કરી આમલકીના  વૃક્ષ નીચે કુંભ સ્થાપન સાથે ભગવાનની પૂજા, જાગરણ અને ભગવદ્દ સ્મરણ કરી રાત્રી પસાર કરી હતી. એક વખત રાજાની નિંદ્રાધીન સ્થિતિમાં શત્રુઓ ચઢી આવતાં તત્કાલ રાજાના દેહમાંથી દૈવી શક્તિ પ્રગટ થઈને શત્રુઓનો નાશ કર્યો હતો. આ પ્રકારે આમલકી એકાદશીના વ્રતની મર્યાદા ભાવના છે.

 

Monday, 8 March 2021

વિજયા એકાદશી - મહા વદ / કૃષ્ણ પક્ષ:




 

વિજયા એકાદશી - મહા વદ / કૃષ્‍ણ પક્ષ:

એકાદશી ની કથા:

બ્રહ્માજીએ કહ્યું : “નારદ ! મહા મહિનાના વદ / કૃષ્‍ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત ઘણુંજ પ્રાચીન, પવિત્ર તથા પાપનાશક પણ છે. રાજાઓને વિજય અપાવે છે એમાં જરા પણ સંદેહ નથી.”

ત્રેતાયુગમાં શ્રી રામ જયારે લંકા પર આક્રમણ કરવા માટે વાનર સેના ભેગી કરી સમુદ્ર કિનારે પહોચ્‍યા ત્‍યારે એમને સમુદ્ર પાર કરવાનો કોઇ ઉપાય સુઝતો ન હતો. ત્‍યારે તેમણે લક્ષ્‍મણજીને પૂછયું હતું કેઃ “અત્‍યંત અગાધ અને ભયંકર જળચર પ્રાણીઓથી ભરેલ આ મસુદ્રને કેવી રીતે પાર કરી શકાય?”

લક્ષ્‍મણજી બોલ્‍યાઃ અહીથી અડધો યોજન દૂર કુમારી દ્વિપમાં બકદાલભ્‍ય મુનિ રહે છે. આપ એ પ્રાચીન મુનિ પાસે જઇને એમને જ આનો ઉપાય પૂછો.” શ્રી રામ, મુનિ બકદાલભ્‍યના આશ્રમે પહોચ્‍યા અને એમને પ્રણામ કર્યાં. મુનિએ પ્રસન્‍ન થઇને આગમનનું કારણ પૂછયું. શ્રી રામ બોલ્‍યાઃ “મુનિ વર! હું લંકા પર આક્રમણ કરવાના ઉદ્દેશ્‍યથી મારી સેના સહિત અહીં આવ્‍યો છું. હે મુનિ! હવે જે પ્રમાણે સમુદ્ર પાર કરી શકાય એ ઉપાય કૃપા કરીને જણાવો.”

બ્રહ્માજી કહે છેઃ “નારદ! આ સાંભળીને શ્રીરામે મુનિના કથાનુસાર એ સમયે વિજયા એકાદશી નું વ્રત કર્યું. આ વ્રત કરવાથી શ્રીરામ વિજયી થયાં. એમણે સંગ્રામમાં રાવણને માર્યો. લંકા પર વિજય પ્રાપ્‍ત કર્યો. અને સીતાજીને ફરી પ્રાપ્‍ત કર્યા."

 મુનિશ્રી બોલ્‍યાઃ “હે રામ! મહા મહિનાના કૃષ્‍ણ પક્ષમાં “વિજયા” નામની એકાદશી આવે છે. એનું વ્રત કરવાથી આપનો વિજય થશે. આપ ચોકકસ આપની વાનર સેના સાથે સમુદ્ર પાર કરી શકશો."

ભગવાન વિષ્ણુને છાશ / ગોળ અવશ્ય ધરાવવા.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

શ્રીમહાપ્રભુજી કહે છે કે जीवा: स्वभावत: दुष्टा: જીવમાં બ્રહ્મના ગુણો સત અને ચિત્ત મોજુદ છે, પરંતુ જીવ બ્રહ્મથી વિખૂટો પડતા કામદોષ, સ્વભાવદોષ, સ્પર્શદોષ, વિગેરેને કારણે જીવમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર છ પ્રકારના દોષો આવ્યા.

શ્રીમહાપ્રભુજીએ જીવના દોષોને દૂર કરવા બ્રહ્મસંબંધ આપી ' શ્રી કૃષ્ણ સેવા સદાકાર્યા' એ મંત્ર આપીને તનુજા-વિત્તજા સેવા દ્વારા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર પર વિજય મેળવવા ઇન્દ્રિયો અને મનને પ્રભુમાં જોડવાની વાત કરી.

કૃપાપાત્ર વલ્લભી વૈષ્ણવોએ પ્રભુ સેવામાં વિનિયોગ કરી એ બધા ઉપર મહા વદ એકાદશીએ વિજય મેળવ્યો, જેથી આ એકાદશીને વિજ્યા એકાદશી કહે છે.

મર્યાદામાર્ગીય ભાવના:

સ્કંદ પૂરાંણ અનુસાર ભગવાન રામરામચંદ્રજીએ સમુદ્ર સેતુ બાંધીને ધર્મના વિજય અને અધર્મના નાશ અર્થે આ દિવસે લંકા પ્રયાણ કર્યું હતું. આ એકાદશીના વ્રતનું અતુલ્ય મહત્વ છે, વ્રત કરનાર સર્વ કર્યોમાં વિજયી થાય છે.

આરતી:

જય વિજયા એકાદશી ,જય જય વિજયા એકાદશી

મહા માસે પધારે ,કૃષ્ણ પક્ષ માં વિસ્તારે

વિજય સર્વે અપાવે ,કર્મ કરે જે ધારે …………………..જય જય

રામ ગયા પર સમુદ્રે ,મહદ્કરી એ શુદ્રે

કળશ નીચે સાત અનાજ ,જે આ દિને મુકે ……………..જય જય

સ્વર્ણ પ્રતિમા નારાયણ ,કરે મન માં જો ધારણ

વ્રત કરે એ મન થી ,પાયે સ્વર્ગ નું તારણ …………….જય જય

Monday, 22 February 2021

જ્યા એકાદશી: મહા સુદ / શુક્લ પક્ષ


 

જ્યા એકાદશી: મહા સુદ / શુક્લ પક્ષ

એકાદશી ની કથા:

 

જેની કથા ઈન્દ્ર અને ઈન્દ્રસભાની પુષ્‍પવંતી નામની અપ્સરા તેમજ પુષ્પદંત એક ગાંધર્વનો પુત્ર હતો એને લોકો માલ્યવાન કહેતા માલ્યવાન નામના ગાંધર્વને અનુલક્ષીને છે.

 

સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજય કરતાં હતાં. દેવગણ પારિજાત વૃક્ષોથી યુકત નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા, સ્વેચ્છાનુંસાર વનમાં વિહાર કરતા ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું. એમાં પુષ્પદંત - માલ્યવાન નામે ગાંધર્વ અને, ચિત્રસેન અને એની પત્ની માલિની પુત્રી લાવણ્ય-સૌંદર્યવાન પુષ્પવતી સાથે આવ્યાં હતા. માલ્યવાન પુષ્પવતી બંને પરસ્પર મોહને વશીભૂત ગઇ ગયા આ બંનેનું ગાન થઇ રહયું હતું એમની સાથે અપ્સરાઓ પણ હતી. માલ્યવાન અને પુષ્પવતી ને પરસ્પર આકર્ષણ ચિત્તમા ભૂતિ આવી ગઇ, આથી તેઓ શુધ્ધ ગાન ન કરી શકયાં. કયારેક તાલનો ભંગ થઇ જતો કયારેક ગીત બંધ થઇ જતું. ઇન્દ્રે તેમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઇ ગયા આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યાઃ “તમે બંને મુર્ખ અને પાપી છો, તમે મારા આદેશનો ભંગ કર્યો છે આથી તમને શ્રાપ આપું ચુ. તમે મારા આદેશનો બંને પતિ-પત્નીના રુપમાં પિશાચ બનશો અને પૃથ્વી પર તમારા કર્મના ફળ ભોગવશો.” 

 

અને પિશાચ યોનિ પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા. શારિરીક યાતનાથસ ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઇને બન્ને હિમાલય પર્વતની કંદરાઓમાં ભટકતા હતા. ચિંતામગ્ન થઇને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતાં હતાં. દેવયોગે એમના મહા મહિનાની શુકલ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઇ ગઇ. “જયા” નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે. આ દિવસે એ બંનેએ બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો. જલપાન પણ ન કર્યું. કોઇ જીવની હિંસા પણ ન કરી. એટલે સુધી ખાવા ફળ પણ ન કાપ્યું. નિરંતર દુઃખથી યુકત થઇને તેઓ એક પીપળા નીચે બેસી રહ્યાં. સૂર્યાસ્ત થઇ ગયો, એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઇ. એમને ઉંઘ પણ ન આવી.

 

સૂર્યોદય થયો. બારસનો દિવસ આવ્યો. આ પ્રમાણે એ પિશાચ દંપતિ દ્વારા “જયા” એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઇ ગયું. એમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું. આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શકિતથી એ બંનેનું પિશાચ પણું દૂર થઇ ગયું. પુષ્પવતી અને માલ્યવાન પોતાના પૂર્વ રુપમાં આવી ગયા. એમના હદયમાં એજ જૂનો સ્નેહ ઉભરાઇ રહ્યો હતો. એમના શરીરો પર પહેલા જેવા અલંકારો શોભતા હતા. તેઓ બંને મનોહર રુપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઇને બંનેએ ઘણી પ્રસન્નતા સાથે એમને પ્રણામ કર્યાં.

 

ભગવાન વિષ્ણુને શેરડી અવશ્ય ધરાવવી.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

શ્રી ગુંસાઈજી એ વ્રજ પરિક્રમા દરમ્યાન ઘણાં અધમમાં અધમ સેવકોને શરણે લીધા અને પોતાની કૃતિ અને કર્મોથી ભૂતપ્રેત યોનિમાં ગયેલા જીવોનો પણ ઉદ્ધાર કર્યો છે.

કૃષ્ણદાસ અધિકારીએ આપના પ્રત્યે શત્રુતા રાખી આપને શ્રીનાથજીની સેવામાંથી દૂર કર્યા, આપને સેવા પાછી મળી છતાં આપે કોઈ કટુતા રાખી નહીં એટલું જ નહીં કૂવામાં પડી જવાથી કૃષ્ણદાસ અધિકારી ના ભૂતપ્રેત યોનિમાં ગયેલા જીવનો પણ કર્યો તેથી શ્રી વિટ્ઠલેશ પ્રભુચરણને આપણે શ્રી ગુંસાઈજી પરમ દયાલ પણ કહીએ છીએ.

મર્યાદામાર્ગીય ભાવના:

પૂર્વે જય અને વિજય નામના ભગવાન શ્રીવિષ્ણુના પાર્ષદો એક ઋષિના શાપથી પિશાચ યોનિને પ્રાપ્ત થઇ અતિ કષ્ટ ભોગવતા હતા. એક વખત જળ કે ફળ ન મળવાથી અનાયાસે એકાદશી નું વ્રત થઇ ગયું આથી આ એકાદશી 'જયા એકાદશી' નામે પ્રસિદ્ધ થઈ, અને હીન યોનિમાંથી મુક્ત થયા.

આરતી:

જય જય જયા એકાદશી ,જય જય જયા એકાદશી

મહા માસે તું મળતી ,સર્વ જનો ને ફળતી

ભુત પ્રેત ભાગે રે ,ભય ડર ને હરતી ………જય જય જયા એકાદશી

માલ્યવાન ને તર્યો ભુત પિચાશ ને માર્યો ,

મુક્તિ અપાવી પાપ થી ,દુષ્ટ ને ઉદ્ધાર્યો ….જય જય જયા એકાદશી

કુયોની થી બચાવે,પુણ્યફળ તું લાવે

દાન આદિ ને કરતા ,કૃપા કરી બચાવે ……જય જય જયા એકાદશી .

 

 

Saturday, 6 February 2021

ષટતિલા એકાદશી - પોષ વદ / કૃષ્ણ પક્ષ:



ષટતિલા એકાદશી - પોષ વદ / કૃષ્ણ પક્ષ:

એકાદશી ની કથા:

જેનો મહિમા ગભસ્તી ઋષિ એ દાલભ્ય ઋષિ ને કહ્યો છે, જેની કથા એક પવિત્ર બ્રાહ્મણ સ્ત્રીને અનુલક્ષીને કહેવામા આવી છે જે પુરાણોમાં પણ વાંચવા મળે છે.

પ્રાચીનકાળમાં પૃથ્વી પર એક બ્રાહ્મણી રહેતી હતી. ભગવાનની ભક્તિ કરતાં કરતાં તે જુદા જુદા વ્રત કરતી હતી, પરંતુ તેણીએ કોઈ દેવતાઓ અને બ્રાહ્મણોને ધાન્યનું દાન આપી તેમની કૃપા મેળવી નહીં, ઉપરાંત ભૂખ્યા લોકોને પણ ધાન્યનું દાન કર્યું નહીં. ભગવાને વિચાર્યું કે આ સ્ત્રી વૈકુંઠમાં રહીને પણ અતૃપ્ત રહેશે તે પવિત્ર આત્ત્મા હોવાથી ભગવાન ભિખારી, બ્રાહ્મણનો વેશ ધારણ કરી તે બ્રાહ્મણીને ઘેર ભિક્ષા માંગવા ગયા. તેણે એક માટીનો પીંડ ઉઠાવીને ભગવાનના હાથમાં રાખી દીધો. ભગવાન તે પીંડ લઈને સ્વધામ પરત આવી ગયા. કેટલાંક દિવસો પછી તે સ્ત્રી દેહત્યાગ કરીને ભગવાનના ધામમાં આવી ગઈ.

અહિં તેને એક કુટિર અને કેરીનું ઝાડ મળ્યું. ખાલી કુટિરને જોઈને તે સ્ત્રી ગભરાઈને ભગવાન પાસે આવી અને બોલી કે હું તો ધર્મપરાયણ છું તો પછી મને ખાલી કુટિર કેમ મળી. ત્યારે ભગવાને તેને જણાવ્યું કે તેં અન્નદાન નથી કર્યું, મને પણ માટીનો પીંડ અર્પણ કર્યો તેનાથી આમ થયું છે. આમાંથી કેવી રીતે મુક્તિ મળે તે પૂછતાં ભગવાને સ્ત્રીને જણાવ્યું કે જ્યારે દેવતાઓની પત્નીઓ જિજ્ઞાસાથી તારા દર્શન કરવા આવે ત્યારે તમે પોતાના દ્વાર ત્યારે જ ખોલજો જ્યારે તે તમને ષટતિલા એકાદશીનું વ્રત અને વિધાન જણાવે.

દેવીઓ પાસેથી સાંભળ્યા પ્રમાણે બ્રાહ્મણીએ ષટતિલા એકાદશીનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેની કુટિર અન્નથી, સંપત્તિ, સુવર્ણ થી ભરાઈ ગઈ અને તે સૌંદર્યવાન બની.


ભગવાન વિષ્ણુને કોપરું અવશ્ય ધરાવવું.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

પુષ્ટિમાર્ગમાં પ્રભુના નિત્યસેવાક્રમમાં તહેવારના અને ઉત્સવના દિવસોમાં પ્રત્યેક સામગ્રી, વસ્ત્રાભૂષણો વગેરે સર્વ વ્રજભક્તોના વિવિધ ભાવરૂપે છે, તેમાં વ્રજલીલાઓની ભાવનાઓનું પ્રાધાન્ય છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુંસાઈજીએ સેવ્ય સ્વરૂપની સેવા પ્રકારનાં નંદાલયને નિકુંજ લીલાઓની ભાવનાઓનો બહુ જ સરળ અને સુંદર રીતે સમન્વય કર્યો છે. આ સર્વ પ્રકાર વેદ, વેદાંત યોગ અને નક્ષત્ર પ્રમાણે જ ઘટાવ્યો છે; અને તે સામગ્રી દ્વારા અવગાહન કરાય છે.

ષટતિલા એકાદશીની પુષ્ટિમાર્ગીય ભાવના એ છે કે આ દિવસે પ્રભુની સેવામાં છ પ્રકારે તલની સામગ્રીનો વિનિયોગ કરવામાં આવે છે; જેમાં તલ નાખીને પ્રભુને સ્નાન કરાવાય, શ્રી અંગે તલ અંગીકાર કરાય, તલની વિવિધ સામગ્રી પ્રભુને ધરાય.

મર્યાદામાર્ગીય ભાવના:

મનુષ્ય તલનો છ પ્રકારે ઉપયોગ કરે છે: (૧) ખાદ્યતેલ રૂપે (૨) વ્યંજન બનાવવા (૩) ઔષધ બનાવવા (૪) શરીર મર્દનમાં (૫) યજ્ઞમાં હોમ - આહુતિ આપવામાં (૬) દાન આપવામાં. ભવિષ્ય પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણે નારદજીને કયેલા મહાત્મય મુજબ આ એકાદશીએ તલનું દાન અને હોમ કરવાથી સર્વ પાપમાંથી મુક્તિ મળે છે.


 

 

Saturday, 23 January 2021

પુત્રદા એકાદશી - પોષ સુદ / શુક્લ પક્ષ:


પુત્રદા એકાદશી - પોષ સુદ / શુક્લ પક્ષ:

 

એકાદશી ની કથા:

પૂર્વકાળની વાત છે. ભદ્વાવતી પૂરીમાં રાજા સુકેતુમાન રાજય કરતા હતા. એમની રાણીનું નામ ચંપા હનું. રાજાન, ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઇ. આથી પતિ-પત્‍ની હંમેશા ચિંતા અને શોકમાં ડુબેલા રહેતા. રાજાના પિતૃઓ એમના આપેલ જળને એકી શ્વાસથી  ગરમ કરીને પીતા. “રાજા પછી એવું કોઇ નથી દેખાતું જે અમારું તર્પણ કરે.” આમ વિચારીને પીતૃઓ શોકમાં રહેતા.   

 

એક દિવસ  રાજા ઘોડા પર સવાર થઇને ઘોર જંગલમાં ચાલ્‍યા ગયા પૂરોહિત વગેરે કોઇને આ વાતની ખબર ન હોતી. મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્‍યા. માર્ગમાં કયાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો કયાંક ઘુવડનો. જયાં ત્‍યાં રીંછો અને મૃગો દ્રષ્ટિગોચર થઇ રહ્યા હતા.

 

આ રીતે ફરીને રાજા વનની શોભા જોઇ રહ્યા હતાં. એવામાં બપોર થઇ ગઇ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્‍યા. પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા. સૌભાગ્‍યશાળી નરેશે ઓ આશ્રમ તરફ જોયું. એ સમયે શુભની સુચના આપનારા શુકનો થવા લાગ્‍યા. રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્‍યા. ઉત્તમફળની એ ખબર આપી રહ્યાં હતાં.

 

સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યાં હતાં. એમને જોઇને રાજાને ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્‍યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જયારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત્ પ્રણામ કર્યા ત્‍યારે મુનિઓ બોલ્‍યાઃ “રાજન ! અમે તમારા પર પ્રસન્‍ન છીએ.” રાજા બોલ્‍યોઃ “આપ કોણ છો? આપના નામો શું છે ? અને આપ શા માટે અહી એકત્રિત થયા છો ? કૃપા કરીને આ બધું મને કહો.”

 

મુનિઓ બોલ્‍યાઃ “રાજન ! અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્‍નાન માટે આવ્‍યા છીએ. આજે જ “પુત્રદા” નામની એકાદશી છે વ્રત કરનારા મનુષ્‍યોને એ પુત્ર આપે છે. રાજાએ કહ્યું : “વિશ્ર્વેદેવગણ ! જો આપ પ્રસન્‍ન હો તો મને પુત્ર આપો.”

 

મુનિ બોલ્‍યાઃ “રાજન ! આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે.એનું વ્રત ઘણું જ વિખ્‍યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્‍યાં જરુર પુત્ર થશે.” ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છેઃ “આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું. મહિર્ષિઓના ઉપદેશાનુંસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી બારસના દિવસે પારણાં કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્‍તક ઝૂકાવીને રાજા પોતાના ઘેર આવ્‍યા. ત્‍યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો. પ્રસવનો સમય આવતા રાજાને ત્‍યાં તેજસ્‍વી પુત્રની પ્રાપ્‍તી થઇ. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્‍ટ કરી દીધા. એ પ્રજા પાલક બન્‍યો.”

ભગવાન વિષ્ણુને છાશ / ગોળ અવશ્ય ધરાવવા.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

અષ્ટસખા કુંભનદાસ અને તેમના ધર્મ પત્ની, શ્રી મહાપ્રભુજીને શરણે ગયા, અને શ્રી મહાપ્રભુજી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માગ્યું, આ દિવસ પોષ સુદ એકાદશી નો હતો. શ્રી મહાપ્રભુજીના વરદાનથી કુંભનદાસ ને સાત મહાન ભગવદ્દ ભક્ત પુત્રો થયા.

આમ શ્રીનાથજી બાવાના કૃપાપત્ર અષ્ટસખા કુંભનદાસના જીવન પ્રસંગ સાથે આ એકાદશીનું નામ જોડાયેલું છે અને તેની પુષ્ટિમાર્ગીય ભાવના પણ ગૂઢ છે.

મર્યાદામાર્ગીય ભાવના:

'પુમ' નામના નરકમાંથી મુક્ત કરે તે પુત્ર - આ વચન અનુસાર આ એકાદશી વ્રતથી પુત્રપ્રાપ્તિ થઈ મનુષ્યની સદ્દગતિ થાય છે. સર્વ સંતાપો દૂર કરી સંતાનસુખ આપનાર આ વ્રત હોઈ 'પુત્રદા એકાદશી' નામે પ્રસિદ્ધ છે.

આરતી:

જય જય પુત્રદા માતા ,જય જય પુત્રદા માતા

પોષ માસ માં મળતી ,શુકલ પક્ષમાં ફળતી ……..મા (૨)

પ્રભુ નારાયણ ની પૂજા ,સર્વે દુઃખો હરતી …….જય જય પુત્રદા માતા

પુત્ર ને પ્રાપ્ત કરાવનારી ,પુણ્ય ને તું પ્રગટાવનારી ……મા (૨)

સુકેતુમાન ને પુત્ર ,દાન એવું કરતી …………..જય જય પુત્રદા માતા

જે કોઈ સુણે મહિમા કથા ,એની જાએ સૌ વ્યથા ………મા (૨)

રાજા ને કીધાં કૃતજ્ઞ ,એવી તારી ગાથા ……….જય જય પુત્રદા માતા 

Friday, 8 January 2021

સફલા એકાદશી – માગશર વદ / કૃષ્ણ પક્ષ:


સફલા એકાદશી – માગશર વદ / કૃષ્ણ પક્ષ:

જેનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા: “માગશરના કૃષ્‍ણપક્ષમાં સફલા નામની સુખ આપનારી અને પાપોનો નાશ કરનારી ઉત્તમ એકાદશી આવે છે.”


એકાદશી ની કથા:

ચંપાવતી નામનું એક વિખ્યાત નગર કે જે રાજા મહિષમાન ની રાજધાની હતી રાજર્ષિ મહિષમાનને ચાર પુત્રો હતા. એમાં જે મોટો પુત્ર  હતો તે સદાય પાપ કર્મમાં જ રત રહેતો હતો. પરસ્ત્રીગામી, અને વૈશ્યાસકત હતો. એણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો હતો. એ હંમેશા દુરાચાર પરાયણ અને બ્રાહ્મણો, વૈષ્ણવો અને દેવતાઓનો નિંદક હતો. પોતાના પુત્રને આવો પાપાચારી જોઇને રાજા મહિષમાને રાજકુમારોમાં એનું નામ લુંમ્પક રાખી દીધુ પછી પિતા અને ભાઇઓએ મળીને એને રાજયમાંથી બહાર કાઢી મૂકયો.

લુંમ્પક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો, નિયમિત માંસ અને ફળ ખાઈ ને જિંદગી ગુજારતો. દિવસે વન માં રહેતો અને રાત્રી માં  પિતા ના નગર માં ચોરી કરવાનું શરૂ કર્યું , નગર માં નિવાસીઓને  મારતો અને કષ્ટ આપતો થોડા દિવસ માં તો એણે આખી નગરી ને  પરેશાન કરી દીધી .એને પહેરેદારો પકડતા પણ પછી રાજા ના ડર થી છોડી દેતા.

આ વનમાં ઘણા વર્ષોનું જૂનું પીપળાનું એક વૃક્ષ હતું એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું. પાપ બુદ્ધિ લુંમ્પક ત્યાંજ રહેતો હતો.

માગશર માસના કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પાપી લુંમ્પક શારીરિક નબળાઈ અને થકાવટને કારણે કોઈ પશુનો વધ કર્યો નહતો અને વસ્ત્રહીન હોવાને કારણે રાત ભર ઠંડીમાં ઠુંઠવાતો રહ્યો. આથી એ સમય એને ઉંઘ ન આવી કે ન આરામ મળ્યો. એ નિષ્પ્રાણ જેવો થઇ ગયો. સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન અને બીજે દિવસે એકાદશીને દિવસે બપોરે તેને ભાન આવ્યું, ત્યારે કેટલાક ફળ શોધી લાવ્યો ત્યાં સુધીમાં સૂર્યાસ્ત થઇ ગયો હતો. ત્યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય. આમ એના દ્વારા અનાયાસે સફલા એકાદશીના વ્રતનું પાલન થઇ ગયું 

 

એ મહાપાપી ના વ્રત તથા જાગરણ થી ભગવાન અત્યંત પ્રસન્ન થયા એના સમસ્ત પાપ નષ્ટ થઇ ગયા .પ્રાતઃકાલ થતા જ એક દિવ્ય રથ અનેક સુંદર વસ્તુઓ થી શણગારેલો આવ્યો અને તેની સામે ઉભો રહ્યો .એ સમયે આકાશવાણી થઇ કે” હે રાજ પુત્ર !ભગવાન નારાયણ ના પ્રભાવ થી તારા સમસ્ત પાપ નષ્ટ થઇ ગયા છે .હવે તું તારા પિતા ની પાસે જઈ ને રાજ્ય પ્રાપ્ત કર .” લુંમ્પકે આવી આકાશવાણી સાંભળી નેઅત્યંત પ્રસન્ન થયો એણે વરદાન સ્‍વીકારી લીધું. ત્‍યાર પછી એનું રુપ દિવ્‍ય થઇ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્‍ણુંના ભજનમાં લાગી ગઇ. દિવ્‍ય આભુષણોની શોભાની સંપન્‍ન થઇને તેણે પિતા  પાસે જઈ સંપૂર્ણ કથા સંભળાવી. પિતા પોતાનો રાજ્યભાર તેને સોંપીને વન માં ગયા, એણે નિષ્‍કંટક રાજય પ્રાપ્‍ત કર્યું અને હવે લુંમ્પક શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યો. તેની સ્ત્રી, પુત્ર આદિ પણ નારાયણ ના પરમ ભક્ત બની ગયા. પંદર વર્ષ સુધી એ રાજય કરતો રહ્યો, એ સમયે ભગવાન શ્રીકૃષ્‍ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્‍તી થઇ. વૃદ્ધાવસ્થા આવવાથી તે પોતાના પુત્ર ને ગાદી સોંપી ભગવાન નું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો અને અંતમાં પરમ પદ ને પ્રાપ્ત થયો. 

 

ભગવાન વિષ્ણુને તલ અવશ્ય ધરાવવો.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

વ્રજબાળાઓએ પ્રભુમાં અનન્ય ભાવ રાખ્યો હતો, પ્રભુને પ્રાપ્ત કરી તેમના સ્વરૂપાનંદ સિવાય બીજા કશામાં રસ ન હતો. આ જ ભાવનાથી તેમણે કાત્યાયની વ્રત કર્યું અને છેવટે માગશર વદ એકાદશીએ તેમની ઈચ્છા પૂર્ણ થઈ. આ માટે માગશર વદ એકાદશીને સફલા એકાદશી કહેવાય છે.

મર્યાદામાર્ગીય ભાવના:

ભગવાન શ્રી કૃષ્ણ ની કૃપા અને સામર્થ્યથી મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને આ એકાદશીના દિવસે અર્જુને પીપળાના વૃક્ષ નીચે વિશ્રામ લઈ શાંતિ-સંતોષ અને સફળતાનો આનંદ માણ્યો હતો, આથી આ એકાદશીને 'સફલા એકાદશી' કહે છે.

 

આરતી:

જય જય સફલા માતા ,જય જય સફલા માતા

માગશર માસ માં મળતી ,કૃષ્ણ પક્ષ માં ફળતી ……મા….(૨)

સફલ જીવન કરનારી ,તું છે પરમ દાતા …..જય જય સફલા માતા

લુંમ્પક ને તમે તર્યો ,એનો અહમ માર્યો …………….મા ..(૨)

પરમ પદ દેનારી ,તું એવી માતા ………જય જય સફલા માતા

સર્વે દુઃખો ને ટાળ્યા ,સર્વે પાપો ને તેં બાળ્યા…મા (૨)

અતિ સુખદાયી ,તું જ ગીત ગાતા ………………………..જય જય સફલા માતા

કર્મ તારે આંગણે ફળતા ,ધર્મ તારે આંગણે મળતા …મા …(૨)

દરેક રહસ્ય ખુલ્લું ,હે દેવી તમે કરતા …જય જય સફલા માતા

 


Thursday, 24 December 2020

મોક્ષદા એકાદશી: માગશર સુદ / શુકલ પક્ષ


મોક્ષદા એકાદશી: માગશર સુદ / શુકલ પક્ષ

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા: “હે રાજન! આ એકાદશીનું નામ “મોક્ષદા” છે, આના વ્રતથી બધા પાપો નષ્‍ટ થઇ જાય છે.

એકાદશી ની કથા:

પૂર્વકાળની વાત છે, પરમ રમણીય ચંપક / કમ્પકા / ગોકુલ નગરમાં વૈખાનસ નામનો રાજા રહેતો હતો. એ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતો હતો આ પ્રમાણે રાજય કરતાં કરતાં રાજાએ એક દિવસ રાત્રે સ્‍વપ્‍નમાં પોતાના પિતૃઓને નર્કમાં પડેલા જોયા. એ બધાને આવી અવસ્‍થામાં જોઇને રાજાના મનમાં ખૂબ આશ્ર્ચર્ય થયું. અને પ્રાતઃકાળે બ્રહ્મણોને એમણે આ સ્‍વપ્‍નની વાત કરી.  “બ્રાહ્મણો! મે મારા પિતૃઓને નર્કમાં પડેલા જોયા છે. તેઓ વારંવાર રડતા રડતા મને એવું કહી રહ્યાં હતા કે તું અમારો પુત્ર છે, આથી આ નર્ક રુપી સમુદ્રમાંથી અમારો ઉધ્‍ધાર કર.”

આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે. આથી મને ચેન પડતું નથી. “શુ કરુ? કયાં જાઉં?” મારુ હદય રુંધાઇ રહ્યું છે. હે પ્રિયજનો! એવું વ્રત, એવું તપ અને એવો યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજો તત્‍કાળ નર્કમાંથી છૂટકારો મેળવે. મારા જેવા બળવાન અને સાહસિક પુત્રના જીવતા હોવા છતાં મારા માતા-પિતા ઘોર નર્કમાં પડેલા છે. આવા પુત્રથી શું લાભ?” બ્રાહ્મણો બોલ્‍યાઃ “રાજન! અહીંથી નજીકમાં જ પર્વત મુનિનો ભવ્‍ય આશ્રમ છે. મુનિ વર્તમાન સાથે, ભૂતકાળ અને ભવિષ્‍યકાળના પણ જ્ઞાતા છે. હે નૃપશ્રેષ્‍ઠ! તમે એમની પાસે જાઓ.” 

બ્રાહ્મણોની વાત સાંભળી રાજા વૈખાનસ તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા અને ત્યાં એ મુનિ શ્રેષ્ઠને જોઇને એમને દંડવત પ્રણામ કરી, ચરણ સ્પર્શ કર્યા. મુનિએ પણ રાજા અને રાજયની ક્ષેમકુશળતા પૂછી.રાજા બોલ્‍યાઃ હે મુનિવર આપની કૃપાથી સર્વે ક્ષેમકુશળ છે. પરંતુ મે સ્‍વપ્‍નમાં જોયું કે મારા પિતૃઓ નર્કમાં પડયા છે. આથી આપ જણાવો કે કયાં પુણ્યના પ્રભાવથી એમનો ત્‍યાંથી છૂટકારો થાય ?”રાજાની વાત સાંભળીને મુનિ શ્રેષ્‍ઠ પર્વત એક મૂહર્ત સુધી ધ્‍યાનસ્‍થ રહ્યાં. ત્‍યાર બાદ એમણે રાજાને  કહ્યું,   “મહારાજ! માગશર મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે. એનું તમે વ્રત કરો. અને એનું પુણ્ય પિતૃઓને અર્પણ કરો. એ પૂણ્યના પ્રભાવથી નર્કમાંથી એમનો છૂટકારો મળશે.”

મુનિની વાત સાંભળી રાજા પોતાના ઘરે પાછો આવ્‍યો. જયારે ઉત્તમ માગશર મહિનો આવ્‍યો ત્‍યારે રાજા વૈખનારે મુનિના કહેવા પ્રમાણે “મોક્ષદા” એકાદશીનું વ્રત કરીને એનું પૂણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું. પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફુલોની વર્ષા થવા લાગી. વૈખનાસના પિતાએ પિતૃઓ સહિત નર્કમાંથી છૂટકારો મેળવ્‍યો અને આકાશમાં સ્થિ‍ત થઇને રાજાને આવા પવિત્ર વચનો કહ્યાં: “પુત્ર તારું કલ્‍યાણ થાઓ!”

આમ કહી તેઓ સ્‍વર્ગમાં ચાલ્‍યા ગયા. આ પ્રમાણે  કલ્‍યાણમયી  એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્‍ટ થઇ જાય છે અને મૃત્‍યુ પછી એ મોક્ષ પ્રાપ્‍ત કરી લે છે. આ મોક્ષ પ્રદાન કરનારી “મોક્ષદા” એકાદશી મનુષ્‍યો માટે ચિંતામણિ સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે.

બ્રહ્માંડપુરાણમાં કહેવામાં આવ્યું છે કે, જે આ એકાદશીએ ભગવાનનું પૂજન, અર્ચન અને આરતી કરાય છે, ભગવાનના મહાત્યમનું ગાન કરીને એકાદશીની ઉજવણી કરવામાં આવે છે, જે ભક્તિ ભાવથી એકાદશી કરશે તેને વાજપેય યજ્ઞનું ફળ મળે છે. જેના માતા, પિતા અથવા પુત્ર જે કોઈ નરકમાં પડયું હોય અથવા તો કોઈની અસદ્‌ગતિ થઈ હોય તેની આ એકાદશીના પ્રભાવથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આમ, આ એકાદશી સ્વર્ગ અને મોક્ષને આપનારી થાય છે. તેથી આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે.

ભગવાન વિષ્ણુને રાજગરો અવશ્ય ધરાવવો.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

પૂતનાએ પ્રભુને પયઃપાન કરાવ્યું, ત્યારે પ્રભુએ તેના પ્રાણ ચૂસી તેને ઉત્તમ ગતિ -મોક્ષ આપ્યો તે દિવસ માગશર સુદ એકાદશી હતી. આથી પુષ્ટિમાર્ગમાં માગશર સુદ એકાદશી મોક્ષદા એકાદશી તરીકે ઓળખાય છે.

મર્યાદામાર્ગીય ભાવના:

કુરુક્ષેત્રમાં હસ્તિનાપુરના કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધનો પ્રારંભ આ દિવસે થયેલો, આજ દિવસે કૃષ્ણએ અર્જુનને 
ગીતાનો ઉપદેશ કીધો હતો, માટે આ દિવસને ગીતા જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ગીતાનાં બધા 
શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિંત માનવામાં આવે છે, માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે.