Thursday, 24 December 2020

મોક્ષદા એકાદશી: માગશર સુદ / શુકલ પક્ષ


મોક્ષદા એકાદશી: માગશર સુદ / શુકલ પક્ષ

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા: “હે રાજન! આ એકાદશીનું નામ “મોક્ષદા” છે, આના વ્રતથી બધા પાપો નષ્‍ટ થઇ જાય છે.

એકાદશી ની કથા:

પૂર્વકાળની વાત છે, પરમ રમણીય ચંપક / કમ્પકા / ગોકુલ નગરમાં વૈખાનસ નામનો રાજા રહેતો હતો. એ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતો હતો આ પ્રમાણે રાજય કરતાં કરતાં રાજાએ એક દિવસ રાત્રે સ્‍વપ્‍નમાં પોતાના પિતૃઓને નર્કમાં પડેલા જોયા. એ બધાને આવી અવસ્‍થામાં જોઇને રાજાના મનમાં ખૂબ આશ્ર્ચર્ય થયું. અને પ્રાતઃકાળે બ્રહ્મણોને એમણે આ સ્‍વપ્‍નની વાત કરી.  “બ્રાહ્મણો! મે મારા પિતૃઓને નર્કમાં પડેલા જોયા છે. તેઓ વારંવાર રડતા રડતા મને એવું કહી રહ્યાં હતા કે તું અમારો પુત્ર છે, આથી આ નર્ક રુપી સમુદ્રમાંથી અમારો ઉધ્‍ધાર કર.”

આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે. આથી મને ચેન પડતું નથી. “શુ કરુ? કયાં જાઉં?” મારુ હદય રુંધાઇ રહ્યું છે. હે પ્રિયજનો! એવું વ્રત, એવું તપ અને એવો યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજો તત્‍કાળ નર્કમાંથી છૂટકારો મેળવે. મારા જેવા બળવાન અને સાહસિક પુત્રના જીવતા હોવા છતાં મારા માતા-પિતા ઘોર નર્કમાં પડેલા છે. આવા પુત્રથી શું લાભ?” બ્રાહ્મણો બોલ્‍યાઃ “રાજન! અહીંથી નજીકમાં જ પર્વત મુનિનો ભવ્‍ય આશ્રમ છે. મુનિ વર્તમાન સાથે, ભૂતકાળ અને ભવિષ્‍યકાળના પણ જ્ઞાતા છે. હે નૃપશ્રેષ્‍ઠ! તમે એમની પાસે જાઓ.” 

બ્રાહ્મણોની વાત સાંભળી રાજા વૈખાનસ તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા અને ત્યાં એ મુનિ શ્રેષ્ઠને જોઇને એમને દંડવત પ્રણામ કરી, ચરણ સ્પર્શ કર્યા. મુનિએ પણ રાજા અને રાજયની ક્ષેમકુશળતા પૂછી.રાજા બોલ્‍યાઃ હે મુનિવર આપની કૃપાથી સર્વે ક્ષેમકુશળ છે. પરંતુ મે સ્‍વપ્‍નમાં જોયું કે મારા પિતૃઓ નર્કમાં પડયા છે. આથી આપ જણાવો કે કયાં પુણ્યના પ્રભાવથી એમનો ત્‍યાંથી છૂટકારો થાય ?”રાજાની વાત સાંભળીને મુનિ શ્રેષ્‍ઠ પર્વત એક મૂહર્ત સુધી ધ્‍યાનસ્‍થ રહ્યાં. ત્‍યાર બાદ એમણે રાજાને  કહ્યું,   “મહારાજ! માગશર મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે. એનું તમે વ્રત કરો. અને એનું પુણ્ય પિતૃઓને અર્પણ કરો. એ પૂણ્યના પ્રભાવથી નર્કમાંથી એમનો છૂટકારો મળશે.”

મુનિની વાત સાંભળી રાજા પોતાના ઘરે પાછો આવ્‍યો. જયારે ઉત્તમ માગશર મહિનો આવ્‍યો ત્‍યારે રાજા વૈખનારે મુનિના કહેવા પ્રમાણે “મોક્ષદા” એકાદશીનું વ્રત કરીને એનું પૂણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું. પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફુલોની વર્ષા થવા લાગી. વૈખનાસના પિતાએ પિતૃઓ સહિત નર્કમાંથી છૂટકારો મેળવ્‍યો અને આકાશમાં સ્થિ‍ત થઇને રાજાને આવા પવિત્ર વચનો કહ્યાં: “પુત્ર તારું કલ્‍યાણ થાઓ!”

આમ કહી તેઓ સ્‍વર્ગમાં ચાલ્‍યા ગયા. આ પ્રમાણે  કલ્‍યાણમયી  એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્‍ટ થઇ જાય છે અને મૃત્‍યુ પછી એ મોક્ષ પ્રાપ્‍ત કરી લે છે. આ મોક્ષ પ્રદાન કરનારી “મોક્ષદા” એકાદશી મનુષ્‍યો માટે ચિંતામણિ સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે.

બ્રહ્માંડપુરાણમાં કહેવામાં આવ્યું છે કે, જે આ એકાદશીએ ભગવાનનું પૂજન, અર્ચન અને આરતી કરાય છે, ભગવાનના મહાત્યમનું ગાન કરીને એકાદશીની ઉજવણી કરવામાં આવે છે, જે ભક્તિ ભાવથી એકાદશી કરશે તેને વાજપેય યજ્ઞનું ફળ મળે છે. જેના માતા, પિતા અથવા પુત્ર જે કોઈ નરકમાં પડયું હોય અથવા તો કોઈની અસદ્‌ગતિ થઈ હોય તેની આ એકાદશીના પ્રભાવથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આમ, આ એકાદશી સ્વર્ગ અને મોક્ષને આપનારી થાય છે. તેથી આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે.

ભગવાન વિષ્ણુને રાજગરો અવશ્ય ધરાવવો.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

પૂતનાએ પ્રભુને પયઃપાન કરાવ્યું, ત્યારે પ્રભુએ તેના પ્રાણ ચૂસી તેને ઉત્તમ ગતિ -મોક્ષ આપ્યો તે દિવસ માગશર સુદ એકાદશી હતી. આથી પુષ્ટિમાર્ગમાં માગશર સુદ એકાદશી મોક્ષદા એકાદશી તરીકે ઓળખાય છે.

મર્યાદામાર્ગીય ભાવના:

કુરુક્ષેત્રમાં હસ્તિનાપુરના કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધનો પ્રારંભ આ દિવસે થયેલો, આજ દિવસે કૃષ્ણએ અર્જુનને 
ગીતાનો ઉપદેશ કીધો હતો, માટે આ દિવસને ગીતા જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ગીતાનાં બધા 
શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિંત માનવામાં આવે છે, માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે.

No comments:

Post a Comment