Saturday, 6 February 2021

ષટતિલા એકાદશી - પોષ વદ / કૃષ્ણ પક્ષ:



ષટતિલા એકાદશી - પોષ વદ / કૃષ્ણ પક્ષ:

એકાદશી ની કથા:

જેનો મહિમા ગભસ્તી ઋષિ એ દાલભ્ય ઋષિ ને કહ્યો છે, જેની કથા એક પવિત્ર બ્રાહ્મણ સ્ત્રીને અનુલક્ષીને કહેવામા આવી છે જે પુરાણોમાં પણ વાંચવા મળે છે.

પ્રાચીનકાળમાં પૃથ્વી પર એક બ્રાહ્મણી રહેતી હતી. ભગવાનની ભક્તિ કરતાં કરતાં તે જુદા જુદા વ્રત કરતી હતી, પરંતુ તેણીએ કોઈ દેવતાઓ અને બ્રાહ્મણોને ધાન્યનું દાન આપી તેમની કૃપા મેળવી નહીં, ઉપરાંત ભૂખ્યા લોકોને પણ ધાન્યનું દાન કર્યું નહીં. ભગવાને વિચાર્યું કે આ સ્ત્રી વૈકુંઠમાં રહીને પણ અતૃપ્ત રહેશે તે પવિત્ર આત્ત્મા હોવાથી ભગવાન ભિખારી, બ્રાહ્મણનો વેશ ધારણ કરી તે બ્રાહ્મણીને ઘેર ભિક્ષા માંગવા ગયા. તેણે એક માટીનો પીંડ ઉઠાવીને ભગવાનના હાથમાં રાખી દીધો. ભગવાન તે પીંડ લઈને સ્વધામ પરત આવી ગયા. કેટલાંક દિવસો પછી તે સ્ત્રી દેહત્યાગ કરીને ભગવાનના ધામમાં આવી ગઈ.

અહિં તેને એક કુટિર અને કેરીનું ઝાડ મળ્યું. ખાલી કુટિરને જોઈને તે સ્ત્રી ગભરાઈને ભગવાન પાસે આવી અને બોલી કે હું તો ધર્મપરાયણ છું તો પછી મને ખાલી કુટિર કેમ મળી. ત્યારે ભગવાને તેને જણાવ્યું કે તેં અન્નદાન નથી કર્યું, મને પણ માટીનો પીંડ અર્પણ કર્યો તેનાથી આમ થયું છે. આમાંથી કેવી રીતે મુક્તિ મળે તે પૂછતાં ભગવાને સ્ત્રીને જણાવ્યું કે જ્યારે દેવતાઓની પત્નીઓ જિજ્ઞાસાથી તારા દર્શન કરવા આવે ત્યારે તમે પોતાના દ્વાર ત્યારે જ ખોલજો જ્યારે તે તમને ષટતિલા એકાદશીનું વ્રત અને વિધાન જણાવે.

દેવીઓ પાસેથી સાંભળ્યા પ્રમાણે બ્રાહ્મણીએ ષટતિલા એકાદશીનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેની કુટિર અન્નથી, સંપત્તિ, સુવર્ણ થી ભરાઈ ગઈ અને તે સૌંદર્યવાન બની.


ભગવાન વિષ્ણુને કોપરું અવશ્ય ધરાવવું.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

પુષ્ટિમાર્ગમાં પ્રભુના નિત્યસેવાક્રમમાં તહેવારના અને ઉત્સવના દિવસોમાં પ્રત્યેક સામગ્રી, વસ્ત્રાભૂષણો વગેરે સર્વ વ્રજભક્તોના વિવિધ ભાવરૂપે છે, તેમાં વ્રજલીલાઓની ભાવનાઓનું પ્રાધાન્ય છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુંસાઈજીએ સેવ્ય સ્વરૂપની સેવા પ્રકારનાં નંદાલયને નિકુંજ લીલાઓની ભાવનાઓનો બહુ જ સરળ અને સુંદર રીતે સમન્વય કર્યો છે. આ સર્વ પ્રકાર વેદ, વેદાંત યોગ અને નક્ષત્ર પ્રમાણે જ ઘટાવ્યો છે; અને તે સામગ્રી દ્વારા અવગાહન કરાય છે.

ષટતિલા એકાદશીની પુષ્ટિમાર્ગીય ભાવના એ છે કે આ દિવસે પ્રભુની સેવામાં છ પ્રકારે તલની સામગ્રીનો વિનિયોગ કરવામાં આવે છે; જેમાં તલ નાખીને પ્રભુને સ્નાન કરાવાય, શ્રી અંગે તલ અંગીકાર કરાય, તલની વિવિધ સામગ્રી પ્રભુને ધરાય.

મર્યાદામાર્ગીય ભાવના:

મનુષ્ય તલનો છ પ્રકારે ઉપયોગ કરે છે: (૧) ખાદ્યતેલ રૂપે (૨) વ્યંજન બનાવવા (૩) ઔષધ બનાવવા (૪) શરીર મર્દનમાં (૫) યજ્ઞમાં હોમ - આહુતિ આપવામાં (૬) દાન આપવામાં. ભવિષ્ય પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણે નારદજીને કયેલા મહાત્મય મુજબ આ એકાદશીએ તલનું દાન અને હોમ કરવાથી સર્વ પાપમાંથી મુક્તિ મળે છે.


 

 

No comments:

Post a Comment