વસંત પંચમી
વસંત ઋતુ એટલે બધી રીતે સમાનતા. આ દિવસો દરમિયાન કડકડતી ઠંડી લાગતી નથી કે પરસેવો પાડનારો તાપ પણ હોતો નથી, દરેકને ગમે તેવી ઋતુ,
વસંત ઋતુ એક વેદકાલીન પર્વ છે. આ દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા. શિક્ષણક્ષેત્રે આ દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવે છે.
ધાર્મિક સ્થળો અને દેવમંદિરોમાં વસંત પંચમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઋતુરાજ વસંતઋતુનું આગમન થતું હોવાથી મહા સુદ પાંચમના દિવસે આ વ્રત-ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુની પૂજા તથા અન્ય દેવમંદિરોમાં ઇષ્ટદેવોની પૂજા અબીલ-ગુલાલ અને સુગંધી દ્રવ્યો વડે નીચે આપેલ શ્લોકમંત્ર બોલીને કરવામાં આવે છે:
ૐ શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં
વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાઙ્ગમ્ ।
લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યં
વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્ ॥
વસંત પંચમીનું વ્રત એ માત્ર વ્રત જ નહિ પરંતુ વ્રત-પર્વ પણ છે. મહા સુદ પાંચમ એ તો પતિ-પત્નીનું મહાપર્વ કહેવાય. આ દિવસે કામદેવ અને રતિનું સુગંધિત પુષ્પો અને આંબાના મોરથી પૂજન કરવું. અન્યોન્ય પ્રેમની વૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરવી.