Saturday, 10 October 2020

પરમા એકાદશી: અધિક વદ / કૃષ્ણ પક્ષ



પરમા એકાદશી: અધિક વદ / કૃષ્ણ પક્ષ

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા: “હે રાજન! આ એકાદશીનું નામ “પરમા” છે. આના વ્રતથી બધા પાપો નષ્‍ટ થઇ જાય છે. આ એકાદશીની મનોહર કથા છે. ધ્‍યાનપૂર્વક સાંભળો.”


“કામ્પિલ્‍ય નગરીમાં સુમેધા નામનો અત્‍યંત ધર્માત્‍મા બ્રહ્મણ રહેતો હતો. એની સ્‍ત્રી અત્‍યંત પવિત્ર તથા પતિવ્રતા હતી. પૂર્વના કોઇ પાપને કારણે આ દંપતિ અત્‍યંત દરિદ્ર હતું. એ બ્રહ્મણની પત્‍ની પોતાના પતિની સેવા કરતી રહેતી, તથા અતિથિને અન્‍નદાન કરીને પોતે ભૂખી રહેતી”
એક દિવસ સુમેઘાએ પોતાની પત્‍નીને કહ્યું : “હે પ્રિયે ! ગૃહસ્‍થજીવન ધન વિના નથી ચાલતું, આથી હું પરદેશ જઇને કઇંક ઉદ્યોગ કરું.”
એની પત્‍નીએ કહ્યું : “હે પ્રાણનાથ ! પતિ સારું કે ખરાબ જે કંઇ પણ કહે પત્‍નીએ એજ કરવું જોઇએ. મનુષ્‍યને પૂર્વજન્‍મના કર્મોનું ફળ મળે છે. વિધાતાએ ભાગ્‍યમાં જે કઇ લખ્‍યું હશે એ ટાળવાથી પણ નથી ટળતું. હે પ્રાણનાથ ! આપને ક્યાંય જવાની આવશ્‍યકતા નથી. ભાગ્‍યમાં જે હશે તે અહીંયા જ મળી જશે. !”
પત્‍નીની વાત માનીને બ્રાહ્મણ પરદેશ ન ગયો એક સમય કૌન્ડિન્‍ય મુનિ ત્‍યાં આવ્‍યાં. તેમને જોઇને સુમેઘા અને એની પત્‍નીએ મુનિને પ્રણામ કર્યા અને બોલ્‍યા “આજે અમે ધન્‍ય થયા. આપના દર્શનથી આજે અમારું જીવન સફળ થયું” મુનિને એમણે આસન અને ભોજન આપ્‍યું.
ભોજન પછી પતિવ્રતા બોલીઃ “હે મુનિવર ! મારા ભાગ્‍યથી આપ પધાર્યા છો. મને પૂર્ણ વિશ્ર્વાસ છે કે હવે મારી દરિદ્રતા શીધ્ર દૂર થનાર છે. આપ અમારી દરિદ્રતા નષ્‍ટ કરવા માટે ઉપાય બતાવો.”
આ સાંભળીને કૌન્ડિન્‍ય મૂનિ બોલ્‍યાઃ “અધિક માસની કૃષ્ણ પક્ષની “પરમા” એકાદશીના વ્રતથી બધા પાપ, દુઃખ અને દરિદ્રતા વગેરે નષ્‍ટ થઇ જાય છે. જે મનુષ્‍ય આ વ્રત કરે છે, એ ધનવાન થઇ જાય છે. આ વ્રતમાં ભજન-કીર્તન વગેરે સહિત રાત્રી જાગરણ કરવું જોઇએ. આ વ્રત કરવાથી જ કુબેરજીને મહાદેવજીએ ધનાધ્‍યક્ષ બનાવી દીધા હતા. આ જ વ્રતના પ્રભાવથી સત્‍યવાદી રાજા હરિશ્ર્ચંદ્રને પુત્ર, પત્‍ની અને રાજય પાછા મળ્યા હતા.”
કૌન્ડિન્‍ય મુનિના કહ્યા પ્રમાણે પરમા એકાદશીનું પાંચ દિવસ સુધી વ્રત કર્યું. આ વ્રત સમાપ્‍ત થતા જ બ્રાહ્મણની પત્‍નીએ એક રાજકુમારને પોતાને ત્‍યાં આવતો જોયો. રાજકુમારે બ્રહ્માજીની પ્રેરણાથી આજીવિકા માટે એક ગામ તથા બધી વસ્‍તુઓથી સુંદર ઘર રહેવા માટે બ્રાહ્મણને આપ્‍યું. બ્રાહ્મણ પતિ-પત્‍ની વ્રતના પ્રભાવે આ લોકમાં અત્‍યંત સુખ ભોગવી અંતે સ્‍વર્ગલોકમાં ગયાં.
શ્રી કૃષ્‍ણે કહ્યું : “હે પાર્થ ! જે મનુષ્‍ય પરમા એકાદશીનું વ્રત કરે છે, એને કધા તીર્થો અને યજ્ઞોનું ફળ મળે છે.”

ભગવાન વિષ્ણુને ઋતુ ફળ અવશ્ય ધરાવવવા.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

અધિક વદ પરમા એકાદશીમાં શ્રી યમુનાજીનો ભાવ છે; રમા એટલે શ્રી લક્ષ્મીજી અને પરમા એટલે પરમ આનંદ આપનાર જે શ્રી યમુનાજી છે; શ્રી યમુનાજીની આડી થી પ્રભુ નિજભક્તોમાં પ્રેમ કરી દોષપૂર્ણ હોવા છતાં પ્રભુ તેમના પ્રેમનો અંગીકાર કરે છે. શ્રીયમુનાષ્ટકનો પાઠ કરે તેના પાપોનો નાશ થાય અને પ્રભુના સ્વભાવનો વિજય શ્રીયમુનાજી કરે છે.

મર્યાદામાર્ગીય ભાવના:

આગળ વાંચી એ કથા અને વ્રત પૂર્વે કૌડિન્ય મુનિએ 'પરમા' નામની પતિવ્રતા સ્ત્રીને કહેલી છે. જેમ પશુઓમાં ગાય, માનવ જાતિમાં બ્રાહ્મણ, દેવમાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે, તેમ સર્વ મહિનાઓમાં અધિકમાસ શ્રેષ્ઠ છે. માનવ દેહ અતિ દુર્લભ છે, કારણકે ચોર્યાસી લાખ યોનિમાં જન્મ લીધા પછી અને ઘણા પૂણ્યો કર્યા પછી માનવ દેહ મળે છે, માટે પારકાનું દુઃખ દૂર કરનાર અધિકમાસ વદ ની પરમા એકાદશીનું વ્રત કરવું અતિ ઉત્તમ છે.

 

 

Saturday, 26 September 2020

કમળા / પદ્મિની એકાદશી: અધિક સુદ / શુકલ પક્ષ

કમળા / પદ્મિની એકાદશી: અધિક સુદ / શુકલ પક્ષ

પદ્મપુરાણમાં ઉલ્લેખ પ્રમાણે પુરુષોત્તમી એકાદશી કહેવામાં આવે છે.

મહાભારતમાં ઉલ્લેખ પ્રમાણે સમુદ્રા એકાદશી કહેવામાં આવે છે.

આ સિવાય મોટે ભાગે તેને પદ્મિની કે કમળા એકાદશી કહેવામાં આવે છે.

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા: અધિક માસ ની શુકલ એકાદશી નું નામ પદ્મિની છે. તે દિવસે જેણે ઉપવાસ કર્યો હોય તે વૈકુંઠ ધામ માં જાય છે. તે મહાપવિત્ર અને પાપો નો નાશ કરનારી છે. તે ભોગ અને મોક્ષ રૂપ ફળ આપનારી છે.

હવે જે 'પદ્મિની એકાદશી' નું ભક્તિભાવ પૂર્વક વ્રત કરી ચુક્યા છે, એમની કથા કહું છું, ધ્યાનપૂર્વક સાંભળ. આ સુંદર ઋષિ પુલસ્ત્ય જી એ નારદજી ને કહેલી: એક સમયે કૃતવીર્ય (કૃતવીર્ય કે કાર્તવીર્ય) ના પુત્ર સહસ્ત્રાર્જુને રાવણને પોતાના બંદી ગૃહ માં બંધ કરી દીધો. એને મુની પુલાસ્ત્યજીએ કાર્તવીર્ય પાસે થી વિનય કરી છોડાવ્યો. આ ઘટના ને સાંભળી નારદજી એ પુલાસ્ત્યજી ને પૂછ્યું: 'હે મહારાજ! એ માયાવી રાવણને જેણે સમસ્ત દેવતાઓ સહીત ઇન્દ્રને જીત્યો હોય એને કાર્તવીર્ય એ કેવી રીતે જીત્યો? જે આપ મને સમજાવો.'  

ત્યારે પુલાસ્ત્યાજી બોલ્યા: 'હે નારદજી! પહેલા કૃતવીર્ય નામક એક રાજા રાજ કરતો હતો. એ રજા ને સો રાણીઓ હતી, એમાંથી એક પણ રાણીને રાજ્યભાર સંભાળી શકે એવો એક પણ પુત્ર ન હતો.  ત્યારે રાજાએ આદરપૂર્વક પંડિતોને બોલાવ્યા અને પુત્ર ની પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યા, પણ બધા અસફળ રહ્યા.  જે રીતે દુઃખી મનુષ્યને ભોગ નીરસ લાગે છે તેવી રીતે એને પણ પુત્ર વિના રાજ્ય દુઃખમય પ્રતીત થવા લાગ્યું. અંતે એ તપ દ્વારા સિધ્ધિઓ પ્રાપ્ત કરવા માટે વનમાં ગયો. એની પત્ની (હરિશ્ચંદ્ર ની પુત્રી
પદ્મિની) વસ્ત્રાલંકારો ને ત્યાગી પોતાના પતિ સાથે ગંધમાદન પર્વત પર ચાલી નીકળી. એ સ્થાન પર એ બંનેએ દસ હજાર વર્ષ સુધી તાપ કર્યું પણ સિદ્ધિ પ્રાપ્ત ના થઇ શકી. રાજાના શરીર માં ફક્ત હાડકાઓ રહી ગયા હતા. આ જોઈ પદ્મિનીએ વિનય સહીત મહાસતી અનસુયા ને પૂછ્યું: મારા પતિદેવ ને તપસ્યા કરતા દસ હાજર વર્ષ વીત્યા, છતાં અત્યાર સુધી ભગવાન પ્રસન્ન નથી થયા, જેનાથી મને પુત્ર પ્રાપ્ત થાય, એનું કારણ શું છે? 

મહાસતી અનસુયાએ કહ્યું કે અધિક (મળ/પુરુષોત્તમ) માસ શુક્લ પક્ષ (સુદ) માં 'પદ્મિની' એકાદશી આવે છે, એનું વ્રત અને જાગરણ કરવાથી ભગવાન તને અવશ્ય પુત્ર આપશે. ત્યાર પછી અનસુયાજીએ વ્રત ની વિધિ બતાવી. રાણી એ અનસુયાજીએ બતાવેલ વિધિ અનુસાર એકાદશી નું વ્રત અને રાત્રી જાગરણ કર્યું. જેનાથી પ્રસન્ન થઇ ભગવાન વિષ્ણુએ એને વરદાન માંગવાનું કહ્યું.

રાણીએ કહ્યું: તમે આ વરદાન મારા પતિને આપો.
પદ્મિનીનું વચન સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા: 'હે પદ્મિની! મળ માસ મને ખુબજ પ્રિય છે. એમાં પણ એકાદશી તિથી મને સૌથી અધિક પ્રિય છે. આ એકાદશી તિથી નું વ્રત અને રાત્રી જાગરણ તે વિધિપૂર્વક કર્યું, માટે હું તારા પર અત્યંત પ્રસન્ન છું.' એટલું કહીને ભગવાન વિષ્ણુએ રાજા ને કહ્યું: 'હે રાજેન્દ્ર! તું તારી ઈચ્છા અનુસાર વર માંગ. કારણ તારી પત્નીએ મને પ્રસન્ન કર્યો છે.'

ભગવાનની મધુર વાણી સાંભળી રાજા બોલ્યા: 'હે ભગવન! તમે મને સૌથી શ્રેષ્ઠ, બધાને પૂજનીય, અને આપ સિવાય દેવ અને દાનવો, મનુષ્ય વગેરે થી અજેય ઉત્તમ પુત્ર આપો.' ભગવાન તથાસ્તુ કહીને અંતર્ધાન થઇ ગયા. એના પછી તેઓ બંને પોતાના રાજ્ય માં પાછા આવ્યા. એમને ત્યાં કાર્તીવીર્ય-
સહસ્ત્રાર્જુન ઉત્પન્ન થયા હતા. જે ભગવાન સિવાય બધાથી અજેય હતા. એણે રાવણને જીતી લીધો હતો. આ બધું 'પદ્મિની' વ્રત નો પ્રભાવ હતો. એટલું કહી પુલસ્ત્યજી ત્યાંથી ચાલ્યા ગયા.

ભગવાન વિષ્ણુને ઋતુ ફળ અવશ્ય ધરાવવવા.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

અધિકમાસમાં અધિક મનોરથો (બારે માસના) ભક્તો કરી અધિક સામગ્રી ધરીને પ્રભુ સેવામાં મગ્ન થાય છે; તે જોઈને વૈકુંઠમાં વસતા લક્ષ્મીજીને પણ વૈકુંઠમાંથી પ્રભુ સેવા કરવા માટે વ્રજભક્તો જેવા વૈષ્ણવજનોના સમૂહમાં પદ્મિની એકાદશીએ પધાર્યા તેનો ભાવ એ છે કે:

સંધ્યા સમે શીંગાર નૌતમ, ફૂલ ગૂંથે સૌ મળી,

સદન શોભા નીરખતાં તે, લક્ષ્મી પામ્યા મન રળી,

વાસ વાંછે વ્રજ વસેવા, એણી પેરે સુખ પામવા,

શ્રીપુરુષોત્તમ ઉત્તમ વરને, સમે જોઈ શિર નામવા

આ પ્રમાણે લક્ષ્મીજી (એટલે પદ્મિની) વ્રજભક્તો સાથે સામેલ થઈ, અવર્ણનીય સુખોમાં ભાગ લેવા ભાગ્યશાળી થયા તેથી અધિકની સુદ એકાદશીને કમળા અથવા પદ્મિની એકાદશી કહે છે.

મર્યાદામાર્ગીય ભાવના:

પૂર્વે એક રાજાને પદ્મિની નામે પુત્રી હતી, તેને પુત્ર નહીં હોવાથી નારદ મુનિએ તેને અધિકમાસમાં નારાયણનું વ્રત કરવા કહ્યું। નરાયણ ભગવાનને અધિકમાસ જેવો બીજો કોઈ માસ પ્રિય નથી, અને તેના સુદ પક્ષની પદ્મિની એકાદશીનું વ્રત કર્યું જેથી તેને પુત્ર થવાનું વરદાન આપ્યું - આ પુત્ર એટલે ત્રેતાયુગમાં માહિષ્મતી નગરીનો રાજા કૃતવીર્ય કે કાર્તવીર્ય. વિધિ રૂપે કહ્યું તમે બંને અધિકમાસની સુદ એકાદશીએ આમલીથી (જે બ્રહ્માના થૂંકમાંથી ઉત્પન્ન થઇ છે) સ્નાન કરજો, સ્નાન કર્યા બાદ વિષ્ણુની કમળ પુષ્પો વડે વિધિપૂર્વક પૂજા કરવી.