Saturday, 10 October 2020

પરમા એકાદશી: અધિક વદ / કૃષ્ણ પક્ષ



પરમા એકાદશી: અધિક વદ / કૃષ્ણ પક્ષ

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા: “હે રાજન! આ એકાદશીનું નામ “પરમા” છે. આના વ્રતથી બધા પાપો નષ્‍ટ થઇ જાય છે. આ એકાદશીની મનોહર કથા છે. ધ્‍યાનપૂર્વક સાંભળો.”


“કામ્પિલ્‍ય નગરીમાં સુમેધા નામનો અત્‍યંત ધર્માત્‍મા બ્રહ્મણ રહેતો હતો. એની સ્‍ત્રી અત્‍યંત પવિત્ર તથા પતિવ્રતા હતી. પૂર્વના કોઇ પાપને કારણે આ દંપતિ અત્‍યંત દરિદ્ર હતું. એ બ્રહ્મણની પત્‍ની પોતાના પતિની સેવા કરતી રહેતી, તથા અતિથિને અન્‍નદાન કરીને પોતે ભૂખી રહેતી”
એક દિવસ સુમેઘાએ પોતાની પત્‍નીને કહ્યું : “હે પ્રિયે ! ગૃહસ્‍થજીવન ધન વિના નથી ચાલતું, આથી હું પરદેશ જઇને કઇંક ઉદ્યોગ કરું.”
એની પત્‍નીએ કહ્યું : “હે પ્રાણનાથ ! પતિ સારું કે ખરાબ જે કંઇ પણ કહે પત્‍નીએ એજ કરવું જોઇએ. મનુષ્‍યને પૂર્વજન્‍મના કર્મોનું ફળ મળે છે. વિધાતાએ ભાગ્‍યમાં જે કઇ લખ્‍યું હશે એ ટાળવાથી પણ નથી ટળતું. હે પ્રાણનાથ ! આપને ક્યાંય જવાની આવશ્‍યકતા નથી. ભાગ્‍યમાં જે હશે તે અહીંયા જ મળી જશે. !”
પત્‍નીની વાત માનીને બ્રાહ્મણ પરદેશ ન ગયો એક સમય કૌન્ડિન્‍ય મુનિ ત્‍યાં આવ્‍યાં. તેમને જોઇને સુમેઘા અને એની પત્‍નીએ મુનિને પ્રણામ કર્યા અને બોલ્‍યા “આજે અમે ધન્‍ય થયા. આપના દર્શનથી આજે અમારું જીવન સફળ થયું” મુનિને એમણે આસન અને ભોજન આપ્‍યું.
ભોજન પછી પતિવ્રતા બોલીઃ “હે મુનિવર ! મારા ભાગ્‍યથી આપ પધાર્યા છો. મને પૂર્ણ વિશ્ર્વાસ છે કે હવે મારી દરિદ્રતા શીધ્ર દૂર થનાર છે. આપ અમારી દરિદ્રતા નષ્‍ટ કરવા માટે ઉપાય બતાવો.”
આ સાંભળીને કૌન્ડિન્‍ય મૂનિ બોલ્‍યાઃ “અધિક માસની કૃષ્ણ પક્ષની “પરમા” એકાદશીના વ્રતથી બધા પાપ, દુઃખ અને દરિદ્રતા વગેરે નષ્‍ટ થઇ જાય છે. જે મનુષ્‍ય આ વ્રત કરે છે, એ ધનવાન થઇ જાય છે. આ વ્રતમાં ભજન-કીર્તન વગેરે સહિત રાત્રી જાગરણ કરવું જોઇએ. આ વ્રત કરવાથી જ કુબેરજીને મહાદેવજીએ ધનાધ્‍યક્ષ બનાવી દીધા હતા. આ જ વ્રતના પ્રભાવથી સત્‍યવાદી રાજા હરિશ્ર્ચંદ્રને પુત્ર, પત્‍ની અને રાજય પાછા મળ્યા હતા.”
કૌન્ડિન્‍ય મુનિના કહ્યા પ્રમાણે પરમા એકાદશીનું પાંચ દિવસ સુધી વ્રત કર્યું. આ વ્રત સમાપ્‍ત થતા જ બ્રાહ્મણની પત્‍નીએ એક રાજકુમારને પોતાને ત્‍યાં આવતો જોયો. રાજકુમારે બ્રહ્માજીની પ્રેરણાથી આજીવિકા માટે એક ગામ તથા બધી વસ્‍તુઓથી સુંદર ઘર રહેવા માટે બ્રાહ્મણને આપ્‍યું. બ્રાહ્મણ પતિ-પત્‍ની વ્રતના પ્રભાવે આ લોકમાં અત્‍યંત સુખ ભોગવી અંતે સ્‍વર્ગલોકમાં ગયાં.
શ્રી કૃષ્‍ણે કહ્યું : “હે પાર્થ ! જે મનુષ્‍ય પરમા એકાદશીનું વ્રત કરે છે, એને કધા તીર્થો અને યજ્ઞોનું ફળ મળે છે.”

ભગવાન વિષ્ણુને ઋતુ ફળ અવશ્ય ધરાવવવા.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

અધિક વદ પરમા એકાદશીમાં શ્રી યમુનાજીનો ભાવ છે; રમા એટલે શ્રી લક્ષ્મીજી અને પરમા એટલે પરમ આનંદ આપનાર જે શ્રી યમુનાજી છે; શ્રી યમુનાજીની આડી થી પ્રભુ નિજભક્તોમાં પ્રેમ કરી દોષપૂર્ણ હોવા છતાં પ્રભુ તેમના પ્રેમનો અંગીકાર કરે છે. શ્રીયમુનાષ્ટકનો પાઠ કરે તેના પાપોનો નાશ થાય અને પ્રભુના સ્વભાવનો વિજય શ્રીયમુનાજી કરે છે.

મર્યાદામાર્ગીય ભાવના:

આગળ વાંચી એ કથા અને વ્રત પૂર્વે કૌડિન્ય મુનિએ 'પરમા' નામની પતિવ્રતા સ્ત્રીને કહેલી છે. જેમ પશુઓમાં ગાય, માનવ જાતિમાં બ્રાહ્મણ, દેવમાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે, તેમ સર્વ મહિનાઓમાં અધિકમાસ શ્રેષ્ઠ છે. માનવ દેહ અતિ દુર્લભ છે, કારણકે ચોર્યાસી લાખ યોનિમાં જન્મ લીધા પછી અને ઘણા પૂણ્યો કર્યા પછી માનવ દેહ મળે છે, માટે પારકાનું દુઃખ દૂર કરનાર અધિકમાસ વદ ની પરમા એકાદશીનું વ્રત કરવું અતિ ઉત્તમ છે.

 

 

No comments:

Post a Comment