Saturday, 12 September 2020


 

ઇન્દિરા એકાદશી: ભાદરવા વદ / કૃષ્ણ પક્ષ

પ્રભુ બોલ્‍યાઃ “ભાદરવા મહિનાના કૃષ્‍ણ પક્ષમાઁ “ઇન્‍દીરા”નામની ખૂબજ પવિત્ર અને પાપહર્તા એકાદશી આવે છે. એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઇ જાય છે. નીચ યોનીમાં પડેલ પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિ આપનારુ છે.”

“રાજન! પૂર્વકાળની વાત છે. સતયુગમાં ઇન્‍દ્રસેન નામનો એક વિખ્‍યાત રાજકુમાર હતો એનો યશ ચારે દિશામાં ફેલાઇ ગયો હતો. રાજા ઇન્‍દ્રસેન વિષ્‍ણુની ભકિતમાં લીન થઇને ગોવિંદના મોક્ષદાયક નામનો જપ કરતાં કરતાં સમય વ્‍યતિત કરતો અને વિધિપૂર્વક અધ્‍યાત્‍મ તત્‍વના ચિંતનમાં મગ્‍ન રહેતો.”

એક દિવસ રાજા રાજયમાં સુખપૂર્વક બેઠો હતો. એવામાં મહર્ષિ નારદ આકાશ માર્ગે ત્‍યાં આવી પહોચ્‍યા. દેવર્ષિને આવેલા જોઇને રાજા હાથ જોડીને ઉભો થઇ ગયો, અને વિધિપૂર્વક પૂજન કરીને એમને આસન પર બેસાડયા. ત્‍યાર બાદ રાજાએ કહ્યું : “હે મુનિશ્રેષ્‍ઠ ! આપની કૃપાથી મારું સર્વ કાંઇ કુશળ છે. અને આપના દર્શનથી મારો અવતાર ધન્‍ય થઇ ગયો. દેવર્ષિ આપના આગમનનું કારણ જણાવીને મારા પર અનુગ્રહ કરો.”

નારદજીએ કહ્યું : “રાજન ! સાંભળો, મારી વાત તમને આશ્ર્ચર્ય પમાડનારી છે. હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં આવ્‍યો હતો. ત્‍યાં એક આસન ઉપર બેસાડીને યમરાજે ભકિતપૂર્વક મારી પૂજા કરી. એ સમયે યમરાજાની સભામાં મે તમારા પિતાને પણ જોયા હતા ! એ વ્રતભંગના પ્રભાવથી ત્‍યાં આવ્‍યા હતા. રાજન ! એમણે તમને કહેવા માટે એક સંદેશ મોકલ્‍યો છે. સાંભળો, “પુત્ર ! મને ઇન્‍દીરા એકાદશીના વ્રતનું પૂણ્ય અર્પણ કરીને સ્‍વર્ગમાં મોકલ!” એમનો આ સંદેશ લઇને હું તમારી પાસે આવ્‍યો છું. રાજન ! તમારા પિતાને સ્‍વર્ગ લોકની પ્રપ્તિ કરાવવા માટે ઇન્‍દીરા એકાદશીનું વ્રત કરો.” રાજાએ પૂછયું : “મુને ! કૃપા કરીને ઇન્‍દીરા એકાદશીનું વ્રત કહો.”

નારદજી બોલ્‍યાઃ “રાજેન્‍દ્ર સાંભળો. હું તમને આ વ્રતની શુભકારક વિધિ કહું છું. ભાદરવા મહિનાના કૃષ્‍ણ પક્ષમાં દસમના ઉત્તમ દિવસે શ્રધ્‍ધાયુકત ચિત્તથી પ્રાતઃકાળે સ્‍નાન કરવું. પછી મધ્‍યાહન કાળમાં સ્‍નાન કરીને એકાગ્રવિત્ત થઇને એકટાણું કરવું અને રાત્રે ભૂમિ પર શયન કરવું રાત્રિના અંતે નિર્મળ પ્રભાત થતાં એકાદશીના દિવસે દાતણ કરીને મોં ધોવું.

ત્‍યારબાદ સ્‍નાન કરીને ઉપવાસ કરવો. બપોરે પિતૃઓની પ્રસન્‍નતા માટે શાલીગ્રામ સમક્ષ વિધિપૂર્વક શ્રાધ્‍ધ કરવું. અને દક્ષિણા આપીને બ્રહ્મપોને ભોજન કરાવવું. પિતૃઓને અર્પણ કરેલ અન્‍નમય પિંડને સુંઘીને ગાયને ખવડાવી દેવો. પછી ધૂપદિપથી શ્રી કૃષ્‍ણે પૂંજીને રાત્રે જાગરણ કરવું. બારીના દિવસે શ્રીહરિની પૂજાકરીને ભાઇ-બહેન, પુત્ર પરિવાર સાથે પોતે મૌન રહીને ભોજન કરવું.”

રાજન ! આ વિધિ પ્રમાણે આળસરહિત બનીને તમે ઇન્‍દીરા એકાદશીનું વ્રત કરો. આથી તમારા પિતૃઓ વૈકુંઠ ધામમાં પહોંચી જશે. શ્રીકૃષ્‍ણ કહે છેઃ “રાજન ! રાજા ઇન્‍દ્રસેનને આમ કહીને દેવર્ષિ નારદ અંતર્ધાન થઇ ગયા. રાજાએ એમણે બતાવેલી વિધિ પ્રમાણે અંતઃપૂરની રાણીઓ પુત્રો અને ભાઇઓ સહિત આ ઉત્તમ વ્રત કર્યું.

રાજન ! વ્રત પુરુ થતાં આકાશમાંથી પુષ્‍પોની વૃષ્ટિ થવા લાગી. ઇન્‍દ્રસેનના પિતા ગરુડ પર આરુઢ થઇને વિષ્‍ણુ ધામમાં ચાલ્‍યા ગયા. સમય પૂરો થતાં રાજા ઇન્‍દ્રસેન પોતાનું રાજય પુત્રને સોંપીને પોતે પણ સ્‍વર્ગલોકમાં ચાલ્‍યા ગયા. રાજન ! આ પ્રમાણે મેં તમારી સમક્ષ ઇન્‍દીરા એકાદશીના વ્રતનો પ્રભાવ કહ્યો છે. આને વાંચવાથી અને સાંભળવાથી મનુષ્‍ય બધા પાપોથી મુકત થઇ જાય છે.”

 

ભગવાન વિષ્ણુને ગોળ - ઘી અવશ્ય ધરાવવવા.

 

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

ભાદરવા વદી એકાદશી ઇન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે. બ્રહ્મવૈવર્તક પુરાણમાં કહે છે કે નંદ યશોદાનાં બાળક રૂપે ભગવાન વિષ્ણુ વ્રજમાં પધાર્યા ત્યારે વૈકુંઠ ખાલી થઈ ગયું ત્યારે ભગવાન વિષ્ણુનાં દર્શન કરવા માટે મહાલક્ષ્મી પણ વ્રજમાં આજ દિવસે પધાર્યા હતાં. પરંતુ અસંખ્ય ગોપ અને ગોપીઓથી ઘેરાયેલા ભગવાન વિષ્ણુનાં સ્વરૂપ એવા કૃષ્ણ કનૈયાને જોવા એમ ક્યાં સરળ હતાં તેથી પ્રભુનાં નિત્ય દર્શન કરવાનાં હેતુસર લક્ષ્મીજી વ્રજમાં જ બિરાજમાન થઈ ગયાં. આથી ગોપીગીતમાં કહે છે કે “જયતિ તેઅધિકં જન્મના વૃજઃ શ્રયત ઇંદિરા શશ્વતદત્રહિ”.

મર્યાદામાર્ગીય ભાવના:

પૂર્વમાં માહિષ્મતિ નગરીમાં ઇન્દ્રસેન રાજાના પિતાએ ઇન્દિરા એકાદશીના વ્રતનો ભંગ કર્યો તેથી તેમને યમ લોકમાં જવું પડયું. નારદજીના કહેવાથી ઇન્દ્રસેન રાજાએ ઇન્દિરા એકાદશીનું વ્રત કરી પિતૃઓને પ્રસન્ન કરવાની વિધિથી શ્રાદ્ધ કર્યું ને બ્રાહ્મણોને ભોજન દક્ષિણા આપી રાત્રે પરિવાર સાથે જાગરણ કર્યું, અને બારસે ફરીથી બ્રાહ્મણોને જમાડી પછી રાજાએ પરિવાર સાથે ભોજન કર્યું. આરીતે પિતૃતર્પણ કરવાથી રજા ઇન્દ્રસેનના પિતા ગરુડ પર બેસી સ્વર્ગલોકમાં ગયા. ત્યાર પછી રજા ઇન્દ્રસેન પણ ઇન્દિરા એકાદશીનું વ્રત કરી, દીર્ઘકાળ સુધી સુખ શાંતિ વાળું રાજ્ય ભોગવી વૈકુંઠમાં ગયા.

Friday, 28 August 2020

વામન / જળઝીલણી / દાન / પરિવર્તિની એકાદશી


 

વામન / જળઝીલણી / દાન / પરિવર્તિની એકાદશી:  ભાદરવા સુદ / શુકલ પક્ષ

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા:  હે રાજન! હવે હું અનેક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવા માસની શુકલ પક્ષની એકાદશીની કથા કહું છું. જો કોઈ ધર્મપરાયણ મનુષ્ય આ દિવસે મારી પૂજા કરે છે તેને હું સંસારની પૂજાનું ફળ આપું છું. જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણે દેવતા અર્થાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા કરે છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે એમણે આ સંસારમાં કશું પણ કરવું શેષ રહેતું નથી.

 

આ એકાદશી વિવિધ નામ થી જાણીતી છે:

 

વામન એકાદશી:

પૂર્વે ત્રેતાયુગ માં બલીરાજા નામનો એક દાનવ થઇ ગયો. તે દાની, સત્યવાદી અને બ્રાહ્મણોની સેવા કરવાવાળો હતો. તે સાદય તપ, યજ્ઞ, હોમ, હવન અને પૂજન કરતો. તે મારો પરમ ભકત હતો અને મારી પૂજા પણ કરતો હતો, પોતાની ભકિતના પ્રભાવે તેણે સ્વર્ગનું રાજય પ્રાપ્‍ત કરેલું, એટલે દેવો માટે તે શત્રુરુપ હોવાથી દેવાતાઓએ મને તેના ત્રાસમાંથી છોડાવવા વિનંતી કરી એટલે મારે વામનરુપે તેને છેતરવો પડયો.

 

હું તેના આંગણે ભીક્ષા માંગવા ગયો. મેં તેની પાસે ત્રણ ડગલા પૃથ્‍વી માંગી અને તેણે તે આપવા સંકલ્પ કર્યો. મેં મારું વિરાટ સ્વરુપ ધારણ કર્યું. મારો પગ ભૂલોકમાં, જાંઘો ભુવન લોકમાં, કમર સ્‍વર્ગલોકમાં, પેટ મહાલોકમાં, હદય જનલોકમાં, કંઠ તપલોકમાં અને મુખ સત્યલોકમાં! મારુ આવુ સ્વરુપ જોતાં બધા દેવો મારી સ્તુતિ કરવા લાગ્યા મેં એક ડગલાથી પૃથ્‍વી અને બીજાથી ત્રિલોક માપી લીધું પછી ત્રીજું ડગલું ક્યાં    મૂકવું તે પૂછયું.

 

ત્‍યારે મારા પરમ ભકત બલિએ પોતાનું મસ્‍તક મારા ચરણોમાં મૂકી કહ્યું : “હે જગતપતિ ! આપ ત્રીજું ડગલુ મારા મસ્‍તક પર મૂકો” અને મેં મારો પગ તેના માથા પર મુકી તેને હું પાતાળમાં લઇ ગયો. ત્યાં તે મારા શરણે આવ્‍યો. ત્‍યારે મેં કહ્યું, “હે રાજન ! તારી ભકિતીથી હું અત્‍યંત પ્રસન્‍ન થયો છું. તારે જે જોઇએ તે માંગ.”

ત્‍યારે બલિ રાજાએ હાથ જોડીને કહ્યું : “રાજન્ ! હું સદાય તારી પાસે રહીશ.” મે આ કાર્ય ભાદરવા સુદ અગિયારસના દિવસે કરેલું તે દિવસથી મારી એક મૂર્તિ બલીરાજા પાસે ને બીજી ક્ષીરસાગરમાં છે, હે ધર્મ રાજા !  એ પવિત્ર એકાદશીના દિવસે મેં આ કાર્ય ક્યું હોવાથી એકાદશી કરનારને તથા તેનું મહાત્‍મ્‍ય ભકિત પૂર્વક સાંભળનારને હજાર અશ્ર્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આ એકાદશીના દિવસે દહીંનું, રુપનું અને ચોખાનું દાન કરનાર સમસ્‍ત પાપોથી મુકત થઇ સ્‍વર્ગલોકમાં જાય છે.

 

આ દિવસે ભગવાન વિષ્ણુએ બલિરાજાનો ગર્વ ઉતાર્યો હતો. અને તેમને વામન સ્વરૂપ લઈને ત્રણ પગલા જમીન માંગીને તેમને પાતાળમાં ધકેલી દીધાં હતા, તેથી બીજે દિવસે વામન દ્વાદશી ઉજવવામાં આવે છે.

 

આ એકાદશી ને જયંતી એકાદશી પણ કહે છે. આ જયંતી એકાદશીની કથા સાંભળવા માત્રથી પાપ નો નાશ થાય છે, અને નીચ, પાપીઓનો ઉદ્ધાર થઇ જાય છે.

 

જળઝીલણી કે પદ્મા એકાદશી:

 

જળઝીલણી એકાદશીના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે યમુનામાં નૌકાવિહાર કર્યો હતો. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે. તેવું પણ શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે. ભવસાગર પાર ઉતરવા માટે ગોપીઓની જેમ ભક્તોએ ભગવાન અને ગુરુના ચરણે મન અર્પિત કરવું જોઈએ તેવો સંદેશો આ જળઝીલણી એકાદશીથી મળે છે.

 

ભગવાન વિષ્ણુને દહીં-કાકડી અવશ્ય ધરાવવવા.

 

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

દાન એકાદશી:

વેચવાની વસ્તુઓ ઉપર નીતિમાર્ગમાં લેવામાં આવતો રાજાનો ભાગ વેરો કે જકાત લેવામાં આવે છે (ગુજરાતીમાં તેને દાણ કહેવામાં આવે છે). વ્રજમાં શ્રી નંદરાયજીનું રાજ્ય હતું એટલે શ્રી ઠાકોરજી માલ પર દાણ માંગી શકે છે. શ્રી ઠાકોરજીએ વ્રજાંગનાઓના ગોરસના મટકા ફોડી એ દહીં સખાઓ, વ્રજભક્તો અને વાનરોને લૂંટાવ્યું છે.

પ્રભુએ દાન લીલા કરીને ગોપીજનોના માનનું મર્દન કરી, મહીના દાન - ઘાટીના સ્થળે મહી, ગોરસથી ભરેલાં માટ ફોડીને લીધા છે. લૌકિક રીતે પ્રભુની આ લીલા પાછળનો જે ભાવ હોય તે પરંતુ અલૌકિક રીતે દાનલીલા, માનલીલા, રાસલીલા - આ બધી લીલાઓ પાછળ ગૂઢ રહસ્ય સમજવાની જરૂર છે, પ્રભુનો એક જ હેતુ હતો કે તે દ્વારા જીવની પોતાનામાં આસક્તિ વધારવી.

 

મર્યાદામાર્ગીય ભાવના:

પરિવર્તિની (પર્સવ) એકાદશી:

ભગવાન અષાઢ સુદ એકાદશીએ ક્ષીરસાગરમાં શેષશૈયા પર પોઢવા પધારે છે અને કારતક સુદ એકાદશીએ જાગ્રત થાય છે. પરંતુ ભાદરવા સુદ એકાદશીએ ભગવાન પડખું બદલી પરિવર્તન કરે છે. આ દિવસે નારાયણ ગાઢ નિદ્રામાંથી પોતાનું પડખું આનંદથી ફેરવે છે, એમ મનાય છે. એટલે આ એકાદશીને (પર્સવ) પરિવર્તિની એકાદશી તરીકે ઊજવવામાં આવે છે.

 

 

Friday, 14 August 2020

અજા એકાદશી

 

અનદા અથવા અજા એકાદશી: શ્રાવણ વદ / કૃષ્ણ પક્ષ

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ “નૃપશ્રેષ્‍ઠ! શ્રાવણ મહિના ના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અનદા છે. એ બધા પાપોનો નાશ કરનારી ગણાઇ છે. ભગવાન ઋષિકેશનું પૂજન કરીને એનું વ્રત જે કરે છે, એના બધા પાપો નાશ પામે છે.”

પૂર્વકાળમાં હરિશ્ર્ચંદ્ર નામના પ્રખ્‍યાત રાજા થઇ ગયા. તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા. કોઈ અજ્ઞાત કારણથી અને પોતાના વચનનું પાલન કરતાં એમને રાજય છોડવું પડ્યું. રાજાએ પોતાની પત્ની તથા પુત્રને વેચી દીધા. પછી પોતાને પણ વેચ્યા. પુણ્યાત્મા હોવા છતાં પણ એમણે ચંડાળની ગુલામી કરવી પડી. સ્મશાનમાં મડદા પરનું કફન તેને મહેનતાણામાં મળતું.

આમ થવા છતાં પણ નૃપશ્રેષ્‍ઠ હરિશ્ર્ચંદ્ર સત્‍યથી વિચલિત ન થયા.
આ રીતે ચંડાળની ગુલામી કરતાં કરતાં એમના અનેક વર્ષો વિતી ગયા. એથી રાજાને ઘણી ચીંતા થઇ. તેઓ અત્‍યંત દુઃખી થઇને વિચારવા લાગ્‍યા. 
“શુ કરું? કયાં જાઉ ? કેવી રીતે મારો ઉધ્‍ધાર થશે ?” આ રીતે ચિંતા કરતાં કરતાં તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા.

રાજાને શોકાતુર જાણીને કોઇ મુનિ એમની પાસે આવ્‍યા તેઓ મહર્ષિ ગૌતમ હતા. શ્રેષ્‍ઠ બ્રાહ્મણોને પોતાની પાસે આવેલા જોઇને નૃપશ્રેષ્‍ઠે એમના ચરણોમાં પ્રણામ કર્યાં, અને બન્ને હાથ જોડીને મહર્ષિ ગૌતમની સામે ઊભા રહીને પોતાની દુઃખમય કથા કહી સંભળાવી.

રાજાની વાત સાંભળીને મહર્ષિ ગૌતમે કહ્યું. “રાજન! શ્રાવણ માસમાં કૃષ્‍ણ પક્ષમાં અત્‍યંત કલ્‍યાણકારી “અનદા” નામની એકાદશી આવી રહી છે. એ પૂણ્ય પ્રદાન કરનારી છે. એનું વ્રત કરો, એનાથી પાપનો અંત થશે તમારા સદ્દભાગ્‍યે આજથી સાતમાં દિવસે જ એકાદશી છે, એ દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરજો, આના પરિણામે તારા બધા પાપો દૂર થશે.” આમ કહીને મહર્ષિ ગૌતમ અલોપ થઇ ગયાં.

મુનિની વાત સાંભળીને રાજાએ. ઉત્તમ વ્રતનું અનુષ્‍ઠાન કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખથી મુકત થઇ ગયા એમને પત્ની તથા પુત્ર પુનઃ પ્રાપ્ત થયા. આકાશમાં નગારા વાગી ઊઠયા. દેવલોકમાંથી ફુલોની વર્ષા થવા લાગી એકાદશીના પ્રભાવથી રાજાને ફરીથી રાજય પ્રાપ્ત થયું. અને અંતે તેઓ પૂરજન અને પરિજન સાથે સ્‍વર્ગલોકને પામ્યાં.

જે આ એકાદશી વ્રત કરે છે એ બધા પાપોથી મુકત થઇને સ્‍વર્ગલોકમાં જાય છે. આને વાંચવા અને સાંભળવાથી અશ્ર્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્‍ત થાય છે.

 ભગવાન વિષ્ણુને ખારેક અવશ્ય ધરાવવી.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

શ્રીમદ્ ભાગવતમાં અજામિલની ચરિત્ર કથામાં જણાવ્યા પ્રમાણે તે ઘણો પાપી હતો, પરંતું તેના અંતિમ સમયે પોતાના પુત્રના નામોચ્ચારણ નિમિત્તે 'નારાયણ' બોલ્યો હતો તેથી તરત જ પ્રભુએ અનુગ્રહ કરી તેનો ઉદ્ધાર કર્યો, આ દિવસ શ્રાવણ વદ એકાદશીનો હતો આથી આ એકાદશી 'અજા એકાદશી' કહેવામાં આવે છે.

મર્યાદામાર્ગીય ભાવના:

વ્યાસમુનિએ બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે શ્રાવણ વાળ એકાદશી નું વ્રત લોકોનું પરમ કલ્યાણ કરનાર સુખ સમૃદ્ધિ તથા,અશ્વમેઘ યજ્ઞનું ફળ આપનાર આપનાર છે.

 


Thursday, 30 July 2020

પુત્રદા કે પવિત્રા એકાદશી


પુત્રદા કે પવિત્રા એકાદશી: શ્રાવણ સુદ / શુકલ પક્ષ:
જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ શ્રાવણ માસના શુક્લપક્ષમાં આવતી એકાદશીનું નામ પુત્રદા અને પવિત્રા એકાદશી છે. (પોષ સુદ / શુક્લ પક્ષ ની એકાદશી પણ પુત્રદા એકાદશી તરીકે જાણીતી છે.)
કથા સંભળાવતાં શ્રી કૃષ્ણ કહે છે કે, ઘણા વર્ષો પહેલાં દ્વાપર યુગમાં મહિજીત નામે રાજા મહિષ્મતિપુરીમાં રાજ્ય કરતો હતો. રાજાને પુત્ર ન હોવાથી રાજા અત્યંત દુઃખી હતો. અત્યંત ચિંતિત બની રાજાએ એક દિવસ પ્રજાજનોની સભા બોલાવી. રાજાની વાત સાંભળી બ્રાહ્મણો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ને જાણનાર ઋષિમુનિઓની જુદા જુદા આશ્રમોમાં મુલાકાત લીધી. 
અંતે તેઓને ઘોર તપસ્યા કરતા નિરાહારી જિતાત્મા મુનિના દર્શન થયા, જેઓ લોમેશ મુનિ હતા. લોમેશ મુનિનો જીવનકાળ બ્રહ્માના જેટલો જ દીર્ઘ હોય છે. જયારે બ્રહ્માનો કલ્પ પૂરો થાય છે, ત્યારે તેમના શરીરમાંથી એક વાળ (લોમા) ખરે છે. આથી આ મુનીનું નામ લોમેશ હતું અને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના જ્ઞાતા હતા.
પ્રજાજનોની વાત સાંભળી થોડીક વાર તેઓ ધ્યાનસ્થ બની રાજાના પૂર્વજન્મની કરણી જોઈ, મુનિ લોમેશે કહ્યું કે, આ રાજા પૂર્વજન્મમાં મહાપાપી અને અત્યંત ગરીબ વૈશ્ય હતો. પોતાના ધધાના કામે તે એક નગરથી બીજા નગરમાં ફરતો હતો. એક સમયે જેઠ માસના શુક્લપક્ષના અગિયારસ પછીની બપોરે તરસ છીપાવવા એક ઉત્તમ અને સ્વચ્છ તળાવ પર આવ્યો, જ્યાં થોડા દિવસ પર વ્યાએલી તરસી ગાય અને વાછરડા ને પાણી પિતા રોકવાથી તેને મોટું પાપ લાગ્યું આ પાપ ના કારણે રાજા અત્યારે નિઃસંતાન છે. પાપ ના નિવારણ માટે લોમેશ મુનિએ કહ્યું કે, શ્રાવણ માસના શુક્લપક્ષની એકાદશીએ રાજા સાથે તમે પણ વ્રત કરી પૂણ્ય રાજા ને આપો તો રાજાને સંતાનની પ્રાપ્તિ થશે. આ વ્રતના પ્રભાવથી યોગ્ય સમયે રાજાને સુંદર પુત્રરત્નની પ્રાપ્તિ થઇ.
પુત્રદા એકાદશીના રહસ્યમાં એવું કહેવાય છે કે અષ્ટસખાઓમાં કુંભનદાસજીનો જન્મ ચૈત્ર વદ / કૃષ્ણ પક્ષ ની એકાદશીએ થયો હતો. પ્રયાગ માં કુંભ ના મેળામાં એક સંતે કુંભનદાસજીના પિતા ભગવાનદાસ ની સેવાથી પ્રસ્સન થઇ પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું તે દિવસ શ્રાવણ સુદ એકાદશી નો હતો.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:
આ એકાદશીનું પુષ્ટિમાર્ગમાં એક આગવું મહત્વ છે અને પવિત્રા એકાદશી નામે ઓળખાય છે.
આ દિવસ પુષ્ટિમાર્ગનો પ્રાગટ્ય દિવસ પણ કહેવાય છે. ભગવાન ભક્તોના ત્રણ પ્રકારના દોષો દૂર કરવા આ મધ્યરાત્રીએ પ્રગટ થયા. (૧) આધિભૌતિક - શરીરના (૨) આધ્યાત્મિક - આત્માના (૩) આધિદૈવિક – દેવોના.

આદિકાળથી પવિત્રા ધરવાની રીત ચાલી આવે છે. સતયુગમાં મણિમય, ત્રેતાયુગમાં સુવર્ણનાં અને દ્વાપર યુગમાં રેશમનાં પવિત્રાં હતાં.તો કળિયુગમાં સુત્તરનાં પવિત્રાં ધરાવાય છે.
પુષ્ટિ માર્ગ ભાવાત્મક છે, જેમાં પવિત્રા એકાદશીનું વિશેષ મહત્વ છે. શ્રી મહાપ્રભુજી શ્રી દામોદરદાસ હરસાની સાથે કે જેઓને સર્વ પ્રથમ બ્રહ્મસબંધ લેવડાવ્યું હતું, તેઓની સાથે શ્રી યમુનાજીના કિનારે ગોવિંદ ઘાટ ઉપર ચિંતામગ્ન સ્થિતિમાં બિરાજમાન હતા આપને બહુ જ વિરહ તાપ થઇ રહ્યો હતો, ત્યારે શ્રીજીબાવા તે સહન ન કરી શક્યા અને ૧૫૪૭ નાં શ્રાવણ સુદ એકાદશીની મધ્ય રાત્રીએ ગોકુલમાં આપ શ્રી મહાપ્રભુજી સમક્ષ પધાર્યા. આપે આજ્ઞા કરી:”વલ્લભ! તમને જીવના ઉદ્ધારની ચિંતા થાય છે, પણ આ કળીયુગમાં જ્ઞાન, કર્મ કે યોગથી જીવનો ઉદ્ધાર થાય એ શક્ય નથી, જે જીવ શરણાગત ભાવથી મારા ચરણ-શરણમાં આવશે તેનો ઉદ્ધાર જરૂર થશે. માટે આપ પુષ્ટિજીવોને બ્રહ્મસંબંધનું દાન કરાવો” આ પ્રમાણે આજ્ઞા કરી શ્રીજી બાવાએ શ્રી મહાપ્રભુજીને બ્રહ્મસબંધ મંત્ર આપ્યો.

તે વખતે શ્રી મહાપ્રભુજીએ પ્રસન્ન થઇ શ્રીજીબાવાને કેસરમાં રંગેલું સુતરનું પવિત્રું ધરાવ્યું. ત્યારથી પુષ્ટિમાર્ગમાં પવિત્રા એકાદશી અને દ્વાદશી નાં દિવસે પવિત્રા ધરાવવાની પ્રણાલિકા જારી છે, પવિત્રામાંનું સૂતર એ ભક્તિનું પ્રતિક છે. કારણ કે પ્રેમનો તાતણો સુતરના તાતણાં જેવો હોય છે, એક વાર પ્રેમનો તાતણો કપાઈ જાય પછી તેને જોડવો બહુ અઘરો છે કાચા સુતરના તાતણાંની જેમ પ્રેમને જાળવી રાખવો પડે છે. તેને કેસરથી રંગીને કેસરી કરીએ છીએ. કેસરી રંગ શ્રીસ્વામીનીજીના રંગનું પ્રતિક છે. શ્રીસ્વામીનીજીના ભાવથી તે શ્રી ઠાકોરજીને અંગીકાર કરવામાં આવે છે. એનું નામ પવિત્રા છે. એટલે પ્રેમ જેવી બીજી કોઈ વસ્તુ પવિત્ર નથી. એટલે કેસરના રંગમાં રંગી કેસરી પવિત્રું શ્રીઠાકોરજીના કંઠમાં ધરાવવામાં આવે છે. સાથે મીસરી નો ભોગ પણ ધરીએ છીએ અને એને પણ કેસરથી રંગી પ્રભુને અંગીકાર કરાવીએ છીએ.
પવિત્રા સૂતર સિવાય રેશમી પણ મળે છે. રેશમ એ હ્રદયની કોમળતાનું સ્વરૂપ છે. પ્રેમ કોમળમાં પણ કોમળ છે. “નારદ ભક્તિ સૂત્રમાં” એને સૂક્ષ્મથી સુક્ષ્મ સ્વરૂપનો કહ્યો છે. ૩૬૦ તારનું એ પવિત્રું બને છે. આપણે જ્યારે શ્રીઠાકોરજીને પવિત્રું ધરાવીએ છીએ ત્યારે આપણાં હ્ર્દયમાં રહેલા કોમળ અને પવિત્ર ભાવ અર્પણ કરીએ છીએ. વર્ષના ૩૬૦ દિવસની તમામ ભાવાત્મક સેવાઓ પવિત્રાના સ્વરૂપે આપણે શ્રીઠાકોરજીને અંગીકાર કરીએ છીએ, પવિત્રા શ્રી ગુરુદેવને, શ્રી વલ્લભ કુલ ને અને વૈષ્ણવોને પણ અર્પણ કરાય છે. શ્રી ઠાકોરજીને અને ગુરુદેવને પવિત્રા ધરી, દંડવત કરી આપણે ધન્ય બનીએ છીએ. ઘણા વૈષ્ણવો ફુલની માળાને બદલે શ્રીઠાકોરજીને પવિત્રા ધરાવે છે.
સર્વેએ પોતાના વર્ણાશ્રમ પ્રમાણે શ્રાવણ સુદ એકાદશીએ પ્રભુને ભક્તુભાવપૂર્વક પવિત્રા અવશ્ય ધરવા.પવિત્રા એકાદશીએ પ્રભુ ભક્તોના વિવિધ પવિત્રા સ્વીકારી ભાવનાભક્તિ્નું દાન કરે છે.શ્રાવણ સુદ એકાદશીએ શ્રાવણી નક્ષત્ર અને ભદ્રાનો ત્યાગ કરી [સવારે ભદ્રા હોય તો સાંજે] પ્રભુને પવિત્રાં ધરાય છે.[પવિત્રા અને રક્ષાનું અધિવાસન સાથે થાય છે.] અધિવાસન ગંધ, અક્ષત, ચંદન, પુષ્પ વગેરેથી કરવામાં આવતો સંસ્કાર છે.વ્રજભક્તે દશેદિશામાંથી ભેગા થઈ સેવા-દર્શન કરી રહ્યા છે.એ ભાવથી તે દિવસે પિંછવાઈ, બિછાના અને હિંડોળાની ઝૂલમાં પણ પવિત્રા ધરાવાય છે.જન્માષ્ટમી સુધી પવિત્રા ધરી શકવાનો સદાચાર છે.કોઈ કારણસર ત્યાં સુધીમાં ન ધરી શકાય તો પ્રબોધિની એકાદશી [દેવદિવાળી] સુધીમાં ધરવા.જો પવિત્રાર્પણ ન કરાય તો વર્ષદિનની સેવા વ્યર્થ થાય છે.માટે વલ્લભી વૈષ્ણવોએ પ્રતિ વર્ષ પવિત્રા અવશ્ય ધરવા.
મર્યાદામાર્ગીય ભાવના:
રામાચેન ચંદ્રિકા ગ્રંથ મુજબ વાસુકી નાગનો નાનો ભાઈ 'પવિત્ર' નામનો નાગ હતો. તેણે સો વર્ષ સુધી તપસ્યા કરી શંકર ભગવાનને કર્યા અને કંઠભરણ થવાનું વરદાન માંગ્યું, વરદાન આપતાં કહ્યું કે શ્રાવણ માસમાં નક્ષત્રોમાં નિત્ય નૈમિત્તિક કર્મ કરનાર બ્રાહ્મણો અને ક્ષત્રિયો તારી આરાધના કરશે, અને સામવેદી, યજુર્વેદી, અથર્વવેદી અને ઋગ્વેદીની શ્રાવણી જનોઈ બદલવાનો પ્રસંગ કહેવાશે.




Sunday, 19 July 2020

દેવશયની કે દેવપોઢી એકાદશી


દેવશયની, દેવપોઢી કે પદ્મા એકાદશી - અષાઢ સુદ / શુકલ પક્ષ:

દેવશયની કે દેવપોઢી એકાદશી કેમ કહેવાય છે:

આ દિવસથી ભગવાન વિષ્ણુનું એક સ્‍વરુપ ચાર માસ સુધી પાતાળમાં બલિ-રાજાના દ્વાર પર નિવાસ કરે છે, અને બીજું ક્ષીર-સાગરમાં શેષનાગની શૈય્‍યા પર ત્‍યાં સુધી શયન કરે છે કે જયાં સુધી આગામી કારતક માસની સુદ / શુક્લ પક્ષની એકાદશી ન આવે.

એક એવી પણ કથા છે શંખાસુર નામના રાક્ષસનો વધ કરતાં પડેલા શ્રમને કારણે પોતાનો થાક ઉતારવા ભગવાન વિષ્ણુ પાતાળમાં ચાર માસ પોઢી ગયા.

સામાન્ય રીતે આ સમય વર્ષા કાળનો હોય છે એ જમાનામાં યાત્રામાં અન્ય સ્થળે વિહાર કરવાની સુવિધાઓ નો તી, આજે પણ એટલી જ કઠીન છે. એટલે કે આ સમય દરમ્યાન સાધુ-સંતો ભગવંતો એક જ સ્થાને સ્થિર રહે છે. મતલબ જંગમ તીર્થ મટી સ્થાવર તીર્થ બનીને રહે છે. જેને ચાતુર્માસ કહેવાય છે. સાધુ-સંતો જંગમ તીર્થ મટી સ્થાવર તીર્થ બની જઇ એક સ્થળે મુકામ કરે છે તો વૈષ્ણવો એવું માને છે કે તમામ તીર્થો આ સમય દરમ્યાન વ્રજમાં પધારી નિવાસ કરે છે. આમ ચોમાસામાં ચાતુર્માસ દરમ્યાન વ્રજ સિવાયની બાકીની તમામ યાત્રાઓ સામાન્યત બંધ રહે છે. આથી દેવરાયની એકાદશીએ મથુરા-વૃંદાવનની સમ્મિલિન પરિક્રમા યોજે છે આ પરિક્રમાનું માહાત્મય વારાહ પુરાણમાં સરસ આપ્યું છે.

આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુશયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે. મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્યે આ દિવસે શયન-વ્રત તથા ચાતુર્માસ વ્રતનો આરંભ કરવો જોઈએ.

સ્કંદ પુરાણ કહે છે, ચાતુર્માસ આવતા દરેક દેવો તીર્થો ભગવાન વિષ્ણુના ચરણમાં શરણ લે છે. અત: ચાતુર્માસમાં જે ભગવાન વિષ્ણુની પૂજા, અર્ચના, આરાધના કરે છે તેનું જીવન ધન્ય બની જાય છે.

આ ચાર્તુમાસમાં ભગવાન વિષ્ણુ જળમાં શયન કરે છે, મતલબ જળ એજ જીવન છે. આ દિવસો દરમ્યાન ભગવાનનો વાસ જળમાં હોઇ આ દિવસો દરમ્યાન ભગવાનનો વાસ જળમાં હોઇ આ દિવસો દરમ્યાન સ્નાનનું પણ અધિક મહત્વ છે.

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રીકૃષ્ણે કહ્યું, "હે રાજન્! બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી તે હું કહી સંભળાવું છું.

એકાદશી ની કથા:

 

સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો. આ રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતો. તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી. પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દારૂણ દુકાળ પડયો. લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો. સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી. બાળકોને ભૂખ્યા નિહાળી મા-બાપનું હૃદય દ્રવી ઊઠતું. કેટલાક લોકો ક્ષુધાદેવીના ખપ્પરમાં હોમાઈ ગયા. અનાજના એક-એક દાણા માટે લોકો વલખાં મારતાં. અનાજનાં સાંસા પડવા માંડયા.

રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે, સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે. અન્નપૂર્ણાદેવી જરૂર રુઠયાં હોય એવું લાગે છે. તેમાં જરૂર મારો કંઈક દોષ હોવો જોઈએ.

આખરે મહર્ષિ અંગિરસના આદેશથી માંધાતાએ અષાઢ સુદ અગિયારશે દેવશયની એકાદશીનું વ્રત કરે છે. મુનિએ કહ્યું કે, "હે રાજન્! આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે. લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે, માટે તારે અને પ્રજાએ પણ આ દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ.

માંધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું. મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની, પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષવિભોર બની નાચી ઊઠયા! સારા પાકની આશાએ ખેડૂતો આનંદમગ્ન બન્યા. આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દુઃખ દૂર થયું. અનાજનો મબલખ પાક થયો.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

પુષ્ટિમાર્ગમાં અષાઢ સુદ એકાદશીએ વ્રજનારીઓના વિરહભાવની ભાવના છે; વ્રજનારીઓ વ્યાકુળ થઇ ગઈ હતી, કારણકે નંદકુમાર તેમનાથી છળ કરી મથુરા પધાર્યા અને ત્યારથી પનઘટ સૂનો ને દુઃખિયારો થઇ પડયો। પદ્મા સખીની પનઘટ લીલાનો ભાવ છે, પદ્મા સખીને આ એકાદશીએ કનૈયા સાથેની લીલાના મધુર સ્મરણો જાગ્રત થાય છે. ' હું શું જાણું વ્હાલે મુજમાં શું દીઠું, વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું'. આ પ્રમાણે યાદ કરી વ્રજનારીઓ અનુરાગાત્મક વર્ષાઋતુમાં પ્રભુ મિલનની આતુરતાથી રાહ જોઈ પનઘટ પર લીલા ભાવનું સ્મરણ કરે છે.

ભગવાન વિષ્ણુને શું ધરાવવું:  

દ્રાક્ષ

 

ફળ પ્રાપ્તિ:                 

આ એકાદશીનું ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ. આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.

 

આરતી:

જય દેવશયની એકાદશી જય જય દેવશયની એકાદશી

અષાઢ માસ  માં ફળતી ,શુકલ પક્ષ માં દુઃખ હરતી

માધાંતા રાજ ને તર્યો ,દયા -કૃપા ઝરતી …………………….જય જય પદ્મા એકાદશી

કોઢી રાજા ને સ્ન્વાર્યો ,પાપ દોષ થી ઉદ્ધાર્યો

કુબેર ના શાપ થી બચાવ્યો ,શરણ તારે આવ્યો ……………..જય જય એકાદશી

વ્રત દેવ શયની ન્યારું ,દેવો માનવો ને છે પ્યારું

ફળે અંતર ધરતા એને, થાય સઘળે સારુ ………………………જય જય એકાદશી

Thursday, 16 July 2020

કામિકા એકાદશી



કામિકા એકાદશી: અષાઢ વદ / કૃષ્ણ પક્ષ
જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, ભગવાન શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ “રાજન! સાંભળો, હું તમને એક પાપનાશક ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું.”
નારદજીએ પ્રશ્ર્ન કર્યોઃ “હે કમલાસન ! હું આપની પાસેથી આ સાંભળવા ઇછું છું, કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે ? પ્રભુ એ બધું મન કહો!”   બ્રહ્માજીએ  કહ્યું : “નારદ ! સાંભળો. હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છા થી તમારા પ્રશ્ન નો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણ પક્ષ માં જે એકાદશી આવે છે એનું નામ “કામિકા” છે. એના શ્રવણ માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું જોઇએ.”

ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણ દાન અને જમીન દાનને માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિ દાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુર્નજન્મ થતા તે વ્યક્તિ અપાર ધન અને જમીનનુ સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. કથા મુજબ વાત આવે છે કે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. ન તો તેની પાસે ભૂમિ દાન કરવા માટે જમીન છે કે ન તો સુવર્ણ દાન કરવા માટે ઘરેણા છે. આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈપણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે, શ્રી વિષ્ણુ જેટલા તુલસીદળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે એટલા લાલમણીપ મોતી, સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઇને સંતુષ્ટ નથી થતા. એ જાતકને પૂજનથી જે ફળ મળે છે, એ ઘણું દુર્લભ પૂણ્ય છે, એના જન્મભરના પાપોનો ચોકકસ નાશ થઇ જાય છે. જે સમુદ્ર અને વન સહિત સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેવુ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

માટે પાપભીરુ મનુષ્યે યથાશકિત, પૂરો પ્રયત્‍ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઇએ. જે પાપરુપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે, એમનો ઉધ્‍ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. અધ્‍યાત્‍મવિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે. એના કરતા પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને કયારેય ભયંકર યમદુતના દર્શન નથી કરતો અને કયારેય દુર્ગતિમાં પણ નથી પડતો. જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રીકેશવનું પૂજન કરી લીધુ છે એના જન્મભરના પાપોનો ચોકકસ નાશ થઇ જાય છે.
ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છેઃ “યુધિષ્ઠર ! આ તમારી સમક્ષ મે કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે. આથી મનુષ્યો એ આ એકાદશી નું વ્રત અવશય કરવું જોઇએ. આ સ્વર્ગલોક અને મહા પૂણ્ય ફલ પ્રદાન કરનારી છે. જે મનુષ્યે શ્રધ્ધા સાથે આનું માહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુકત થઇને શ્રી વિષ્ણુલોકમાં જાય છે.”

એક ગામમાં એક વીર ક્ષત્રિય રહેતો હતો. એક દિવસે કોઈ કારણસર તેની એક બ્રાહ્મણ સાથે મારામારી થઈ અને એમાં તે બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું. જેથી પોતાના હાથે મૃત્યુ પામેલા તે બ્રાહ્મણનું ક્રિયાકર્મ તે ક્ષત્રિય કરવા માગતો હતો. પરંતુ પંડિતોએ તેને ક્રિયામાં સામેલ થવાની ના પાડી દીધી અને બ્રાહ્મણોએ કહ્યું કે તમારી પર બ્રહ્મ હત્યાનો દોષ છે. જેથી પહેલાં તમે આ પાપનું પ્રાયશ્ચિત કરો અને આ પાપથી મુક્ત થઈ જાઓ. ત્યારે અમે તમારા ઘરે ભોજન ગ્રહણ કરીશું.

જેથી ક્ષત્રિયએ પૂછ્યું કે આ પાપથી મુક્ત થવાનો ઉપાય શું છે? ત્યારે બ્રાહ્મણોએ જણાવ્યું કે અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીએ ભક્તિભાવથી ભગવાન શ્રીવિષ્ણુનું વ્રત અને પૂજન કરી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપી આશીર્વાદ પ્રાપ્ત કરવાથી આ પાપથી મુક્તિ મળી જશે. પંડિતો દ્વારા બતાવેલી રીતથી વ્રત રાખવાથી રાતે ભગવાન વિષ્ણુએ ક્ષત્રિયને દર્શન આપી કહ્યું તને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મળી ગઈ. આ રીતે કામિકા એકાદશી વ્રત કરવાથી ક્ષત્રિયને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળી ગઈ હતી.

ભગવાન વિષ્ણુને ઘઉં અવશ્ય ધરાવવા.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:
વર્ષાઋતુમાં વિરહી વ્રજાંગનાઓ (કામિકા) વ્યાકુળ થઇ ગયાં, ઘનઘોર અષાઢ માસમાં ધરા ઉપર અષાઢની ધારા ઝરી રહી હતી. ચારે બાજુ વીજળી ચમકીને મેઘ ગર્જનાઓથી વ્રજાંગનાઓના અંગ ધ્રુજી રહ્યા હતા, નાયનોમાંથી વહેતી અશ્રુ ધારા સાથે વિરહથી વ્યાકુળ થઇ કુંડમાં રાહ જોઈને કહે છે, હે નાથ ! હે પ્રિયતમ પ્રભુ ! હવે તો ઝટ પધારો ! કામિકાઓ રૂપે અમો આપની રાહ જોતાં ઉભા રહ્યા છીએ !

મર્યાદામાર્ગીય ભાવના:
બ્રહ્મવૈવર્ત પુરાણમાં કામિકા એકાદશીનું માહાત્મ્ય વર્ણવેલ છે. નારદજીના પ્રશ્નથી બ્રહ્માજીએ આ વ્રતનો મહિમા કહ્યો હતો.આ વ્રત કરવાથી ગૌહત્યા, બ્રહ્મ-હત્યા વગેરેમાંથી મુક્તિ મળે છે. જીવના વિકારો, દુસ્તવાસનાઓ વગેરેનો ક્ષય થઇ પવિત્ર બને છે.