Thursday, 30 July 2020

પુત્રદા કે પવિત્રા એકાદશી


પુત્રદા કે પવિત્રા એકાદશી: શ્રાવણ સુદ / શુકલ પક્ષ:
જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ શ્રાવણ માસના શુક્લપક્ષમાં આવતી એકાદશીનું નામ પુત્રદા અને પવિત્રા એકાદશી છે. (પોષ સુદ / શુક્લ પક્ષ ની એકાદશી પણ પુત્રદા એકાદશી તરીકે જાણીતી છે.)
કથા સંભળાવતાં શ્રી કૃષ્ણ કહે છે કે, ઘણા વર્ષો પહેલાં દ્વાપર યુગમાં મહિજીત નામે રાજા મહિષ્મતિપુરીમાં રાજ્ય કરતો હતો. રાજાને પુત્ર ન હોવાથી રાજા અત્યંત દુઃખી હતો. અત્યંત ચિંતિત બની રાજાએ એક દિવસ પ્રજાજનોની સભા બોલાવી. રાજાની વાત સાંભળી બ્રાહ્મણો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ને જાણનાર ઋષિમુનિઓની જુદા જુદા આશ્રમોમાં મુલાકાત લીધી. 
અંતે તેઓને ઘોર તપસ્યા કરતા નિરાહારી જિતાત્મા મુનિના દર્શન થયા, જેઓ લોમેશ મુનિ હતા. લોમેશ મુનિનો જીવનકાળ બ્રહ્માના જેટલો જ દીર્ઘ હોય છે. જયારે બ્રહ્માનો કલ્પ પૂરો થાય છે, ત્યારે તેમના શરીરમાંથી એક વાળ (લોમા) ખરે છે. આથી આ મુનીનું નામ લોમેશ હતું અને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના જ્ઞાતા હતા.
પ્રજાજનોની વાત સાંભળી થોડીક વાર તેઓ ધ્યાનસ્થ બની રાજાના પૂર્વજન્મની કરણી જોઈ, મુનિ લોમેશે કહ્યું કે, આ રાજા પૂર્વજન્મમાં મહાપાપી અને અત્યંત ગરીબ વૈશ્ય હતો. પોતાના ધધાના કામે તે એક નગરથી બીજા નગરમાં ફરતો હતો. એક સમયે જેઠ માસના શુક્લપક્ષના અગિયારસ પછીની બપોરે તરસ છીપાવવા એક ઉત્તમ અને સ્વચ્છ તળાવ પર આવ્યો, જ્યાં થોડા દિવસ પર વ્યાએલી તરસી ગાય અને વાછરડા ને પાણી પિતા રોકવાથી તેને મોટું પાપ લાગ્યું આ પાપ ના કારણે રાજા અત્યારે નિઃસંતાન છે. પાપ ના નિવારણ માટે લોમેશ મુનિએ કહ્યું કે, શ્રાવણ માસના શુક્લપક્ષની એકાદશીએ રાજા સાથે તમે પણ વ્રત કરી પૂણ્ય રાજા ને આપો તો રાજાને સંતાનની પ્રાપ્તિ થશે. આ વ્રતના પ્રભાવથી યોગ્ય સમયે રાજાને સુંદર પુત્રરત્નની પ્રાપ્તિ થઇ.
પુત્રદા એકાદશીના રહસ્યમાં એવું કહેવાય છે કે અષ્ટસખાઓમાં કુંભનદાસજીનો જન્મ ચૈત્ર વદ / કૃષ્ણ પક્ષ ની એકાદશીએ થયો હતો. પ્રયાગ માં કુંભ ના મેળામાં એક સંતે કુંભનદાસજીના પિતા ભગવાનદાસ ની સેવાથી પ્રસ્સન થઇ પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું તે દિવસ શ્રાવણ સુદ એકાદશી નો હતો.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:
આ એકાદશીનું પુષ્ટિમાર્ગમાં એક આગવું મહત્વ છે અને પવિત્રા એકાદશી નામે ઓળખાય છે.
આ દિવસ પુષ્ટિમાર્ગનો પ્રાગટ્ય દિવસ પણ કહેવાય છે. ભગવાન ભક્તોના ત્રણ પ્રકારના દોષો દૂર કરવા આ મધ્યરાત્રીએ પ્રગટ થયા. (૧) આધિભૌતિક - શરીરના (૨) આધ્યાત્મિક - આત્માના (૩) આધિદૈવિક – દેવોના.

આદિકાળથી પવિત્રા ધરવાની રીત ચાલી આવે છે. સતયુગમાં મણિમય, ત્રેતાયુગમાં સુવર્ણનાં અને દ્વાપર યુગમાં રેશમનાં પવિત્રાં હતાં.તો કળિયુગમાં સુત્તરનાં પવિત્રાં ધરાવાય છે.
પુષ્ટિ માર્ગ ભાવાત્મક છે, જેમાં પવિત્રા એકાદશીનું વિશેષ મહત્વ છે. શ્રી મહાપ્રભુજી શ્રી દામોદરદાસ હરસાની સાથે કે જેઓને સર્વ પ્રથમ બ્રહ્મસબંધ લેવડાવ્યું હતું, તેઓની સાથે શ્રી યમુનાજીના કિનારે ગોવિંદ ઘાટ ઉપર ચિંતામગ્ન સ્થિતિમાં બિરાજમાન હતા આપને બહુ જ વિરહ તાપ થઇ રહ્યો હતો, ત્યારે શ્રીજીબાવા તે સહન ન કરી શક્યા અને ૧૫૪૭ નાં શ્રાવણ સુદ એકાદશીની મધ્ય રાત્રીએ ગોકુલમાં આપ શ્રી મહાપ્રભુજી સમક્ષ પધાર્યા. આપે આજ્ઞા કરી:”વલ્લભ! તમને જીવના ઉદ્ધારની ચિંતા થાય છે, પણ આ કળીયુગમાં જ્ઞાન, કર્મ કે યોગથી જીવનો ઉદ્ધાર થાય એ શક્ય નથી, જે જીવ શરણાગત ભાવથી મારા ચરણ-શરણમાં આવશે તેનો ઉદ્ધાર જરૂર થશે. માટે આપ પુષ્ટિજીવોને બ્રહ્મસંબંધનું દાન કરાવો” આ પ્રમાણે આજ્ઞા કરી શ્રીજી બાવાએ શ્રી મહાપ્રભુજીને બ્રહ્મસબંધ મંત્ર આપ્યો.

તે વખતે શ્રી મહાપ્રભુજીએ પ્રસન્ન થઇ શ્રીજીબાવાને કેસરમાં રંગેલું સુતરનું પવિત્રું ધરાવ્યું. ત્યારથી પુષ્ટિમાર્ગમાં પવિત્રા એકાદશી અને દ્વાદશી નાં દિવસે પવિત્રા ધરાવવાની પ્રણાલિકા જારી છે, પવિત્રામાંનું સૂતર એ ભક્તિનું પ્રતિક છે. કારણ કે પ્રેમનો તાતણો સુતરના તાતણાં જેવો હોય છે, એક વાર પ્રેમનો તાતણો કપાઈ જાય પછી તેને જોડવો બહુ અઘરો છે કાચા સુતરના તાતણાંની જેમ પ્રેમને જાળવી રાખવો પડે છે. તેને કેસરથી રંગીને કેસરી કરીએ છીએ. કેસરી રંગ શ્રીસ્વામીનીજીના રંગનું પ્રતિક છે. શ્રીસ્વામીનીજીના ભાવથી તે શ્રી ઠાકોરજીને અંગીકાર કરવામાં આવે છે. એનું નામ પવિત્રા છે. એટલે પ્રેમ જેવી બીજી કોઈ વસ્તુ પવિત્ર નથી. એટલે કેસરના રંગમાં રંગી કેસરી પવિત્રું શ્રીઠાકોરજીના કંઠમાં ધરાવવામાં આવે છે. સાથે મીસરી નો ભોગ પણ ધરીએ છીએ અને એને પણ કેસરથી રંગી પ્રભુને અંગીકાર કરાવીએ છીએ.
પવિત્રા સૂતર સિવાય રેશમી પણ મળે છે. રેશમ એ હ્રદયની કોમળતાનું સ્વરૂપ છે. પ્રેમ કોમળમાં પણ કોમળ છે. “નારદ ભક્તિ સૂત્રમાં” એને સૂક્ષ્મથી સુક્ષ્મ સ્વરૂપનો કહ્યો છે. ૩૬૦ તારનું એ પવિત્રું બને છે. આપણે જ્યારે શ્રીઠાકોરજીને પવિત્રું ધરાવીએ છીએ ત્યારે આપણાં હ્ર્દયમાં રહેલા કોમળ અને પવિત્ર ભાવ અર્પણ કરીએ છીએ. વર્ષના ૩૬૦ દિવસની તમામ ભાવાત્મક સેવાઓ પવિત્રાના સ્વરૂપે આપણે શ્રીઠાકોરજીને અંગીકાર કરીએ છીએ, પવિત્રા શ્રી ગુરુદેવને, શ્રી વલ્લભ કુલ ને અને વૈષ્ણવોને પણ અર્પણ કરાય છે. શ્રી ઠાકોરજીને અને ગુરુદેવને પવિત્રા ધરી, દંડવત કરી આપણે ધન્ય બનીએ છીએ. ઘણા વૈષ્ણવો ફુલની માળાને બદલે શ્રીઠાકોરજીને પવિત્રા ધરાવે છે.
સર્વેએ પોતાના વર્ણાશ્રમ પ્રમાણે શ્રાવણ સુદ એકાદશીએ પ્રભુને ભક્તુભાવપૂર્વક પવિત્રા અવશ્ય ધરવા.પવિત્રા એકાદશીએ પ્રભુ ભક્તોના વિવિધ પવિત્રા સ્વીકારી ભાવનાભક્તિ્નું દાન કરે છે.શ્રાવણ સુદ એકાદશીએ શ્રાવણી નક્ષત્ર અને ભદ્રાનો ત્યાગ કરી [સવારે ભદ્રા હોય તો સાંજે] પ્રભુને પવિત્રાં ધરાય છે.[પવિત્રા અને રક્ષાનું અધિવાસન સાથે થાય છે.] અધિવાસન ગંધ, અક્ષત, ચંદન, પુષ્પ વગેરેથી કરવામાં આવતો સંસ્કાર છે.વ્રજભક્તે દશેદિશામાંથી ભેગા થઈ સેવા-દર્શન કરી રહ્યા છે.એ ભાવથી તે દિવસે પિંછવાઈ, બિછાના અને હિંડોળાની ઝૂલમાં પણ પવિત્રા ધરાવાય છે.જન્માષ્ટમી સુધી પવિત્રા ધરી શકવાનો સદાચાર છે.કોઈ કારણસર ત્યાં સુધીમાં ન ધરી શકાય તો પ્રબોધિની એકાદશી [દેવદિવાળી] સુધીમાં ધરવા.જો પવિત્રાર્પણ ન કરાય તો વર્ષદિનની સેવા વ્યર્થ થાય છે.માટે વલ્લભી વૈષ્ણવોએ પ્રતિ વર્ષ પવિત્રા અવશ્ય ધરવા.
મર્યાદામાર્ગીય ભાવના:
રામાચેન ચંદ્રિકા ગ્રંથ મુજબ વાસુકી નાગનો નાનો ભાઈ 'પવિત્ર' નામનો નાગ હતો. તેણે સો વર્ષ સુધી તપસ્યા કરી શંકર ભગવાનને કર્યા અને કંઠભરણ થવાનું વરદાન માંગ્યું, વરદાન આપતાં કહ્યું કે શ્રાવણ માસમાં નક્ષત્રોમાં નિત્ય નૈમિત્તિક કર્મ કરનાર બ્રાહ્મણો અને ક્ષત્રિયો તારી આરાધના કરશે, અને સામવેદી, યજુર્વેદી, અથર્વવેદી અને ઋગ્વેદીની શ્રાવણી જનોઈ બદલવાનો પ્રસંગ કહેવાશે.




No comments:

Post a Comment