અખા ત્રીજ
શાસ્ત્રોક્ત મુજબ આ દિવસે જો કૃતિકા નત્રક્ષ હોય તો તે વિશેષ ફળદાયી હોય છે.આમ તો આ દિવસે નર-નારાયણ, હયગ્રીવ અને પરશુરામ આ ત્રણેનો અવતાર થયો હતો પરંતુ સૌથી વધારે પરશુરામ જયંતીનું વધારે મહત્વ છે. સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ પણ અખાત્રીજથી થયો હતો. મહાભારત નું યુદ્ધ પણ આજ દિવસે સમાપ્ત થયું હતું
પૌરાણિક કથા મુજબ ઋષિ જમદગ્નિ અને તેમના પત્ની રેણુકાને જે પ્રસાદ મળ્યો હતો તે બદલાઈ ગયો. જે પ્રસાદમાં ઉત્તમ બ્રાહ્મણ પુત્ર ઉત્પન્ન થવાનો હતો, તેનાથી વિશ્વામિત્રનો જન્મ થયો. પ્રસાદના પ્રભાવથી ક્ષત્રિયકુળમાં જ્ન્મ્યા હોવાથી વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ કહેવાયા. બીજા પ્રસાદમાં ઉત્તમ ક્ષત્રિય પુત્ર ઉત્પન્ન થવાનો ગુણ હતો તેનાથી પરશુરામનો જન્મ થયો. બ્રાહ્મણ કુળમાં જન્મ હોવા છતાં તેમનામાં ઉત્તમ ક્ષત્રિયના ગુણ હતા.
પરશુરામ ભગવાન વિષ્ણુના અંશાવતાર ગણાય છે. પરશુરામ શિવજીના પરમ ભક્ત હતા. તેમણે ભગવાન શિવજીને પ્રસન્ન કરી તેમણે બે વરદાન મેળવ્યાં હતાં. પહેલું ઈચ્છામૃત્યુ અને બીજું પરશુ [શસ્ત્ર] માંગ્યુ હતું. આ પરશુને કારણે તેઓ પરશુરામ કહેવાયા અને એને લીધે તેમનો કદી પરાજય થયો ન હતો. પરશુરામ અત્યંત પિતૃભક્ત હતા. પોતાના ક્રોધી સ્વભાવ અને પિતૃભક્તિને કારણે તેમણે પોતાની માતા રેણુકાનું માથું વાઢી નાખ્યું હતું. કહેવાય છે કે પરશુરામે પૃથ્વીને એકવીસવાર નિઃક્ષત્રિય કરી હતી.
આ દિવસથી બદ્રીનાથધામના દ્વાર ખૂલે છે અને ચારધામની યાત્રાની શરુઆત થાય છે. અખાત્રીજને દિવસે લક્ષ્મીની આરાધના થાય છે. આજના દિવસે લોકો સોનાની ખરીદી પણ કરતા હોય છે.
અક્ષય-તૃતીયાનાં દિવસે જગન્નાથજી મંદિર-જમાલપુર-અમદાવાદ ખાતે પરંપરાગત રીતે રથયાત્રાનાં દિવસે નીકળનારા ભગવાનનાં સમાર-નિર્માણ કાર્યનો આજથી પ્રારંભ થાય છે.