Sunday, 19 July 2020

દેવશયની કે દેવપોઢી એકાદશી


દેવશયની, દેવપોઢી કે પદ્મા એકાદશી - અષાઢ સુદ / શુકલ પક્ષ:

દેવશયની કે દેવપોઢી એકાદશી કેમ કહેવાય છે:

આ દિવસથી ભગવાન વિષ્ણુનું એક સ્‍વરુપ ચાર માસ સુધી પાતાળમાં બલિ-રાજાના દ્વાર પર નિવાસ કરે છે, અને બીજું ક્ષીર-સાગરમાં શેષનાગની શૈય્‍યા પર ત્‍યાં સુધી શયન કરે છે કે જયાં સુધી આગામી કારતક માસની સુદ / શુક્લ પક્ષની એકાદશી ન આવે.

એક એવી પણ કથા છે શંખાસુર નામના રાક્ષસનો વધ કરતાં પડેલા શ્રમને કારણે પોતાનો થાક ઉતારવા ભગવાન વિષ્ણુ પાતાળમાં ચાર માસ પોઢી ગયા.

સામાન્ય રીતે આ સમય વર્ષા કાળનો હોય છે એ જમાનામાં યાત્રામાં અન્ય સ્થળે વિહાર કરવાની સુવિધાઓ નો તી, આજે પણ એટલી જ કઠીન છે. એટલે કે આ સમય દરમ્યાન સાધુ-સંતો ભગવંતો એક જ સ્થાને સ્થિર રહે છે. મતલબ જંગમ તીર્થ મટી સ્થાવર તીર્થ બનીને રહે છે. જેને ચાતુર્માસ કહેવાય છે. સાધુ-સંતો જંગમ તીર્થ મટી સ્થાવર તીર્થ બની જઇ એક સ્થળે મુકામ કરે છે તો વૈષ્ણવો એવું માને છે કે તમામ તીર્થો આ સમય દરમ્યાન વ્રજમાં પધારી નિવાસ કરે છે. આમ ચોમાસામાં ચાતુર્માસ દરમ્યાન વ્રજ સિવાયની બાકીની તમામ યાત્રાઓ સામાન્યત બંધ રહે છે. આથી દેવરાયની એકાદશીએ મથુરા-વૃંદાવનની સમ્મિલિન પરિક્રમા યોજે છે આ પરિક્રમાનું માહાત્મય વારાહ પુરાણમાં સરસ આપ્યું છે.

આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુશયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે. મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્યે આ દિવસે શયન-વ્રત તથા ચાતુર્માસ વ્રતનો આરંભ કરવો જોઈએ.

સ્કંદ પુરાણ કહે છે, ચાતુર્માસ આવતા દરેક દેવો તીર્થો ભગવાન વિષ્ણુના ચરણમાં શરણ લે છે. અત: ચાતુર્માસમાં જે ભગવાન વિષ્ણુની પૂજા, અર્ચના, આરાધના કરે છે તેનું જીવન ધન્ય બની જાય છે.

આ ચાર્તુમાસમાં ભગવાન વિષ્ણુ જળમાં શયન કરે છે, મતલબ જળ એજ જીવન છે. આ દિવસો દરમ્યાન ભગવાનનો વાસ જળમાં હોઇ આ દિવસો દરમ્યાન ભગવાનનો વાસ જળમાં હોઇ આ દિવસો દરમ્યાન સ્નાનનું પણ અધિક મહત્વ છે.

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રીકૃષ્ણે કહ્યું, "હે રાજન્! બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી તે હું કહી સંભળાવું છું.

એકાદશી ની કથા:

 

સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો. આ રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતો. તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી. પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દારૂણ દુકાળ પડયો. લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો. સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી. બાળકોને ભૂખ્યા નિહાળી મા-બાપનું હૃદય દ્રવી ઊઠતું. કેટલાક લોકો ક્ષુધાદેવીના ખપ્પરમાં હોમાઈ ગયા. અનાજના એક-એક દાણા માટે લોકો વલખાં મારતાં. અનાજનાં સાંસા પડવા માંડયા.

રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે, સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે. અન્નપૂર્ણાદેવી જરૂર રુઠયાં હોય એવું લાગે છે. તેમાં જરૂર મારો કંઈક દોષ હોવો જોઈએ.

આખરે મહર્ષિ અંગિરસના આદેશથી માંધાતાએ અષાઢ સુદ અગિયારશે દેવશયની એકાદશીનું વ્રત કરે છે. મુનિએ કહ્યું કે, "હે રાજન્! આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે. લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે, માટે તારે અને પ્રજાએ પણ આ દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ.

માંધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું. મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની, પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષવિભોર બની નાચી ઊઠયા! સારા પાકની આશાએ ખેડૂતો આનંદમગ્ન બન્યા. આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દુઃખ દૂર થયું. અનાજનો મબલખ પાક થયો.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

પુષ્ટિમાર્ગમાં અષાઢ સુદ એકાદશીએ વ્રજનારીઓના વિરહભાવની ભાવના છે; વ્રજનારીઓ વ્યાકુળ થઇ ગઈ હતી, કારણકે નંદકુમાર તેમનાથી છળ કરી મથુરા પધાર્યા અને ત્યારથી પનઘટ સૂનો ને દુઃખિયારો થઇ પડયો। પદ્મા સખીની પનઘટ લીલાનો ભાવ છે, પદ્મા સખીને આ એકાદશીએ કનૈયા સાથેની લીલાના મધુર સ્મરણો જાગ્રત થાય છે. ' હું શું જાણું વ્હાલે મુજમાં શું દીઠું, વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું'. આ પ્રમાણે યાદ કરી વ્રજનારીઓ અનુરાગાત્મક વર્ષાઋતુમાં પ્રભુ મિલનની આતુરતાથી રાહ જોઈ પનઘટ પર લીલા ભાવનું સ્મરણ કરે છે.

ભગવાન વિષ્ણુને શું ધરાવવું:  

દ્રાક્ષ

 

ફળ પ્રાપ્તિ:                 

આ એકાદશીનું ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ. આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.

 

આરતી:

જય દેવશયની એકાદશી જય જય દેવશયની એકાદશી

અષાઢ માસ  માં ફળતી ,શુકલ પક્ષ માં દુઃખ હરતી

માધાંતા રાજ ને તર્યો ,દયા -કૃપા ઝરતી …………………….જય જય પદ્મા એકાદશી

કોઢી રાજા ને સ્ન્વાર્યો ,પાપ દોષ થી ઉદ્ધાર્યો

કુબેર ના શાપ થી બચાવ્યો ,શરણ તારે આવ્યો ……………..જય જય એકાદશી

વ્રત દેવ શયની ન્યારું ,દેવો માનવો ને છે પ્યારું

ફળે અંતર ધરતા એને, થાય સઘળે સારુ ………………………જય જય એકાદશી

Thursday, 16 July 2020

કામિકા એકાદશી



કામિકા એકાદશી: અષાઢ વદ / કૃષ્ણ પક્ષ
જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, ભગવાન શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ “રાજન! સાંભળો, હું તમને એક પાપનાશક ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું.”
નારદજીએ પ્રશ્ર્ન કર્યોઃ “હે કમલાસન ! હું આપની પાસેથી આ સાંભળવા ઇછું છું, કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે ? પ્રભુ એ બધું મન કહો!”   બ્રહ્માજીએ  કહ્યું : “નારદ ! સાંભળો. હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છા થી તમારા પ્રશ્ન નો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણ પક્ષ માં જે એકાદશી આવે છે એનું નામ “કામિકા” છે. એના શ્રવણ માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું જોઇએ.”

ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણ દાન અને જમીન દાનને માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિ દાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુર્નજન્મ થતા તે વ્યક્તિ અપાર ધન અને જમીનનુ સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. કથા મુજબ વાત આવે છે કે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. ન તો તેની પાસે ભૂમિ દાન કરવા માટે જમીન છે કે ન તો સુવર્ણ દાન કરવા માટે ઘરેણા છે. આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈપણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે, શ્રી વિષ્ણુ જેટલા તુલસીદળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે એટલા લાલમણીપ મોતી, સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઇને સંતુષ્ટ નથી થતા. એ જાતકને પૂજનથી જે ફળ મળે છે, એ ઘણું દુર્લભ પૂણ્ય છે, એના જન્મભરના પાપોનો ચોકકસ નાશ થઇ જાય છે. જે સમુદ્ર અને વન સહિત સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેવુ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

માટે પાપભીરુ મનુષ્યે યથાશકિત, પૂરો પ્રયત્‍ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઇએ. જે પાપરુપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે, એમનો ઉધ્‍ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. અધ્‍યાત્‍મવિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે. એના કરતા પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને કયારેય ભયંકર યમદુતના દર્શન નથી કરતો અને કયારેય દુર્ગતિમાં પણ નથી પડતો. જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રીકેશવનું પૂજન કરી લીધુ છે એના જન્મભરના પાપોનો ચોકકસ નાશ થઇ જાય છે.
ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છેઃ “યુધિષ્ઠર ! આ તમારી સમક્ષ મે કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે. આથી મનુષ્યો એ આ એકાદશી નું વ્રત અવશય કરવું જોઇએ. આ સ્વર્ગલોક અને મહા પૂણ્ય ફલ પ્રદાન કરનારી છે. જે મનુષ્યે શ્રધ્ધા સાથે આનું માહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુકત થઇને શ્રી વિષ્ણુલોકમાં જાય છે.”

એક ગામમાં એક વીર ક્ષત્રિય રહેતો હતો. એક દિવસે કોઈ કારણસર તેની એક બ્રાહ્મણ સાથે મારામારી થઈ અને એમાં તે બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું. જેથી પોતાના હાથે મૃત્યુ પામેલા તે બ્રાહ્મણનું ક્રિયાકર્મ તે ક્ષત્રિય કરવા માગતો હતો. પરંતુ પંડિતોએ તેને ક્રિયામાં સામેલ થવાની ના પાડી દીધી અને બ્રાહ્મણોએ કહ્યું કે તમારી પર બ્રહ્મ હત્યાનો દોષ છે. જેથી પહેલાં તમે આ પાપનું પ્રાયશ્ચિત કરો અને આ પાપથી મુક્ત થઈ જાઓ. ત્યારે અમે તમારા ઘરે ભોજન ગ્રહણ કરીશું.

જેથી ક્ષત્રિયએ પૂછ્યું કે આ પાપથી મુક્ત થવાનો ઉપાય શું છે? ત્યારે બ્રાહ્મણોએ જણાવ્યું કે અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીએ ભક્તિભાવથી ભગવાન શ્રીવિષ્ણુનું વ્રત અને પૂજન કરી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપી આશીર્વાદ પ્રાપ્ત કરવાથી આ પાપથી મુક્તિ મળી જશે. પંડિતો દ્વારા બતાવેલી રીતથી વ્રત રાખવાથી રાતે ભગવાન વિષ્ણુએ ક્ષત્રિયને દર્શન આપી કહ્યું તને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મળી ગઈ. આ રીતે કામિકા એકાદશી વ્રત કરવાથી ક્ષત્રિયને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળી ગઈ હતી.

ભગવાન વિષ્ણુને ઘઉં અવશ્ય ધરાવવા.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:
વર્ષાઋતુમાં વિરહી વ્રજાંગનાઓ (કામિકા) વ્યાકુળ થઇ ગયાં, ઘનઘોર અષાઢ માસમાં ધરા ઉપર અષાઢની ધારા ઝરી રહી હતી. ચારે બાજુ વીજળી ચમકીને મેઘ ગર્જનાઓથી વ્રજાંગનાઓના અંગ ધ્રુજી રહ્યા હતા, નાયનોમાંથી વહેતી અશ્રુ ધારા સાથે વિરહથી વ્યાકુળ થઇ કુંડમાં રાહ જોઈને કહે છે, હે નાથ ! હે પ્રિયતમ પ્રભુ ! હવે તો ઝટ પધારો ! કામિકાઓ રૂપે અમો આપની રાહ જોતાં ઉભા રહ્યા છીએ !

મર્યાદામાર્ગીય ભાવના:
બ્રહ્મવૈવર્ત પુરાણમાં કામિકા એકાદશીનું માહાત્મ્ય વર્ણવેલ છે. નારદજીના પ્રશ્નથી બ્રહ્માજીએ આ વ્રતનો મહિમા કહ્યો હતો.આ વ્રત કરવાથી ગૌહત્યા, બ્રહ્મ-હત્યા વગેરેમાંથી મુક્તિ મળે છે. જીવના વિકારો, દુસ્તવાસનાઓ વગેરેનો ક્ષય થઇ પવિત્ર બને છે.

Tuesday, 16 June 2020

યોગિની એકાદશી



યોગિની એકાદશી - જેઠ વદ / કૃષ્ણ પક્ષ:

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ “નૃપશ્રેષ્‍ઠ! જેઠ મહિના ના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે.

એકાદશી ની કથા:

 

કથા સંભળાવતાં શ્રી કૃષ્ણ કહે છે કે, અલકાપુરીના રાજાધિરાજ કુબેર સદાય શિવની ભકિતમાં તત્પર રહેનારા છે. એમનો હેમ નામનો એક માળી પણ હતો જે પૂજા માટે હંમેશા ફૂલ લાવતો હતો. એક દિવસ હેમ માળી માનસરોવરથી ફૂલ લાવીને પોતાના ઘરમાં રોકાઇ ગયો અને પત્ની વિશાલાક્ષી ના પ્રેમપાશમાં ખોવાયેલ રહી જવાથી કુબેરના ભવનમાં ન જઇ શકયો. અહીં કુબેર મંદિરમાં બેસીને શિવનું પૂજન કરી રહ્યાં હતા. એમણે બપોર સુધી ફૂલ આવવાની રાહ જોઇ. જયારે પૂજાનો સમય વ્યતીત થઇ ગયો તો યક્ષરાજે ક્રોધિત થઇને સેવકોને કહ્યું: યક્ષો! દુરાત્‍મા હેમ માળી કેમ આવ્‍યો નથી? ”

યક્ષોએ કહ્યું: “રાજન! એ તો પત્‍નીની કામનામા આશકત થઇને રમણ કરી રહ્યો છે.” વાત સાંભળીને કુબેર ક્રોધિત થઇ ગયા અને તરત જ હેમ માળીને બોલાવ્‍યો. એ આવીને કુબેરની સામે ઊભો રહી ગયો. એને જોઇને કુબેર બોલ્‍યા. “ઓ પાપી.! અરે દુષ્‍ટ! ઓ દુરાચારી! તે ભગવાનની અવહેલના કરી છે. આથી કોઢથી યુકત અને પોતાની પ્રિયતમાંથી વિયુકત થઇને આ સ્‍થાનથી ભષ્‍ટ થઇ બીજે ચાલ્‍યો જા.”
કુબેરના એમ કહેવાથી એ સ્‍થાનેથી એનું પતન થયું. કોઢથી આખું શરીર પીડીત હતું. પરંતુ શિવપુજાના પ્રભાવથી એની સ્‍મરણ શકિત લુપ્‍ત ન થઇ. ત્‍યાર પછી એ મેરુગિરીના શિખર પર ગયો. ત્યાં મુનિ માર્કંડેયજી ના એને દર્શન થયાં.

પાપકર્મી યક્ષે મુનિના ચરણોમાં પ્રણામ કર્યા. મુનિ માર્કંડેયજી એ એને ભયથી કાંપતો જોઇને પૂછયું. “તને કોઢના રોગે કેવી રીતે ઘેરી લીધો?” યક્ષ બોલ્‍યોઃ “મુનિ! હું કુબેરનો અનુચર હેમ માળી છું. હું દરરોજ માનસરોવરમાંથી ફૂલ લાવીને શિવપૂજન સમયેં કુબેરને આપતો હતો. એક દિવસ પત્‍ની સહસવાસના સુખમાં ફસાઇ જવાના કારણે મને સમયનું ભાન જ ન રહ્યું આથી રાજા કુબેરે ક્રોધિત થઇને મને શ્રાપ આપી દીધો. આથી હું કોઢના આંક્રાંત થઇને મારી પત્‍નીથી વિખુટો પડી ગયો. હે મુનિવર! સંતોનું ચિત્ત સ્‍વભાવતઃ પરોપકારમાં લાગેલું રહે છે. એ જાણીન. મુજ અપરાધીને કર્તવ્ય નો ઉપદેશ આપો.”

માર્કંડેયજીએ કહ્યું : “તેં સાચી વાત કહી છે. આથી હું તને કલ્યાણપ્રદ વ્રતનો ઉપદેશ આપું છું. તુ જેઠ માસની કૃષ્‍ણ પક્ષની “યોગીની” એકાદશીનું વ્રત કર. આ વ્રતના પૂણ્યથી તારો કોઢ દૂર થઇ જશે.” ભગવાન શ્રી કૃષ્‍ણ કહે છેઃ “રાજન ! માર્કંડેયજીના ઉપદેશથી એણે યોગિની એકાદશીનું વ્રત કર્યું. એનાથી એના શરીરનો કોઢ દૂર થઇ ગયો. આ વ્રતનું અનુષ્‍ઠાન કરવાથી એ પૂર્ણ સુખી થઇ ગયો.”

 

 

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

અષ્ટસખા કુંભનદાસે મનને એકાગ્ર કરવાવાળી યોગસ્થિતી એમની સંયોગ વિપ્રયોગાત્મક સેવાથી સિદ્ધ હતી. યોગીની માફક તેમને ઉક્ત ઉભય અંગસ્વરુપ સેવા દ્વારા મનની એકાગ્રતા પ્રભુમાં સિદ્ધ કરી હતી, તે દિવસ યોગીની એકાદશીનો હતો.

મર્યાદામાર્ગીય ભાવના:

કૈલાસમાં શંકર પાર્વતીનો બ્રહ્મરાત અને વિષ્ણુરાતના વિવાદ નો પ્રસંગ છે. જેમકે 'યોગી' એટલે શંકર અને 'ની' એટલે પાર્વતી. તેનો ભાવ એ છે કે વદ એકાદશી હોવાથી શંકર પાર્વતીએ જાગરણ કર્યું હતું ત્યારે બ્રહ્મરાત અને વિષ્ણુરાતનો ઉલ્લેખ કર્યો હતો. એથી શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને જેઠ વદ યોગીની એકાદશીનું માહાત્મ્ય કહ્યું હતું. તેની કથા અને વ્રત, વિધિ માર્કન્ડેય ઋષિએ યક્ષોને કહી હતી. આ વાત બ્રહ્મ વૈવર્ત પુરાણમાં જેઠ વદ યોગીની એકાદશીના મહાત્મ્યમાં કહેલી છે.

ભગવાન વિષ્ણુને શું ધરાવવું:  

સાકર

 

ફળ પ્રાપ્તિ: 

આ એકાદશીનું વ્રત કરનારને અઠયાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરવાથી જે ફળ મળે છે તે ફળ મળે છે.

આ એકાદશીની કથા વાંચવાથી કે સાંભળવાથી મનુષ્‍ય બધાય પાપોમાંથી મુકત થઇ જાય છે.

આરતી:

જય યોગીની એકાદશી ,જય જય યોગીની એકાદશી

જેઠ મહિને છલકાવે ,કૃષ્ણપક્ષ માં દોડી આવે

ધર્મરાજ ને બતાવી ,કૃષ્ણ એને રે લાવે ……………….જય જય યોગીની એકાદશી .

હેમ માલી  ઉદ્ધાર્યો ,પાપ માર્ગ થી  તાર્યો

રાહ પુણ્ય દેખાડ્યો ,દાનવ ને તે માર્યો …………………જય યોગીની એકાદશી

વ્રત યોગીની કરે જે કોઈ ,હ્રદય માતા ધરે જે કોઈ

એનો ઉદ્ધાર નક્કી ,યોગીની વ્રત જ  ફળે સૌ હોઈ ……….જય યોગીની એકાદશી

 

 

 

 

Monday, 1 June 2020

નિર્જળા, પાંડવ કે ભીમ એકાદશી




નિર્જળા, પાંડવ કે ભીમ એકાદશી - જેઠ સુદ / શુક્લ પક્ષ:

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે,”શ્રીકૃષ્ણ બોલ્યાઃ “રાજન! એનું મહાત્મ્ય પરમ ધર્માત્મા વ્યાસજી કહેશે. કારણ કે તેઓ સર્વ શાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદ-વેદાંતના વિદ્વાન છે.”

એકાદશી ની કથા:

 

ત્યારે વેદ વ્યાસજી કહેવા લાગ્યાઃ “બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું પ્રાદશીના દિવસે સ્નાન વગેરે કરીને, પવિત્ર થઇને, પુષ્પોથીભગવાન કેશવની પૂજા કરવી. ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણો ને ભોજન કરાવવું પછી પોતે ભોજન કરવું. રાજન ! જનનાશૌચ અને મરણશૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું.”

આ સાંભળીને ભીમસેન બોલ્‍યાઃ “પરમ પિતામહ ! મારી વાત સાંભળો. રાજા યુધિષ્ઠિર, માતા કુન્‍તી, દ્રોપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે કયારેય ભોજન નથી કરતા. અને મને પણ તેઓ હંમેશા એજ કહે છે,  “ભીમસેન ! તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો.” પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છુ કે મારાથી ભૂખ સહન થતી નથી.”ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા: “જો તમે સ્‍વર્ગલોકની પ્રાપ્તી  ઈછતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું.”

 

ભીમસેન બોલ્યાઃ “પણ પિતામહ ! હું આપની સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું, તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું ?” મારા ઉદરમાં “વૃક” નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે. આથી જયારે હું ખૂબ વધારે ખાઉ છું ત્યારે જ એ શાંત થાય છે. આથી હે મહામુની ! હુ બહું બહું તો વર્ષ ભરમાં ફકત એક જ ઉપવાસ કરી શકું. માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્‍તી થાય અને જે વ્રત કરવાથી મારું કલ્‍યાણ  થાય એવું કોઇ એક વ્રત મને કહો. હું એનું પાલન જરુર કરીશ.”

 

વ્‍યાસજીએ કહ્યું : “ભીમ ! જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુકલ પક્ષમાં જે એકાદશી આવે એનું યત્‍નપૂર્વક નિર્જળ વ્રત કરવું. ફકત કોગળા અથવા આચમન કરવા માટે જ મોમાં જળ નાખી શકો છો. આ સિવાય કોઇ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું. અન્યથા વ્રતનો ભંગ થઇ જાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્‍ય જળનો ત્‍યાગ કરે તો આ વ્રત પુર્ણ થાય છે.

ત્યાર બાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સૂવર્ણનું દાન કરવું. આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જિતેન્‍દ્રીય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું. વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે, એ બધી નું ફળ મનુષ્‍ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું કે “જો માનવ બધુ છોડીને એક  માત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પોપોથી છૂટી જાય છે.”

એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળકાય, વિકરાળ આકૃતિવાળા અને કાળકા રંગના દંડ-પાશધારી ભયંકર યમદૂતો નથી આવતા. અંતકાળમાં પિતાંબરધારી, સૌમ્ય સ્વભાવ વાળા, હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મનસમાન વેગવાન વિષ્ણુ દૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઇ જાય છે.

માટે નિર્જળ એકાદશીના દિવસે યત્‍નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું. સ્ત્રી હોય કે પુરુષ ! જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા નષ્ટ થઇ જાય છે. જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે એ પૂણ્યનો ભાગી બને છે.”

આ સાંભળીને ભીમસેનને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરુ કરી દીધું ત્‍યારથી એ પાંડવ, નિર્જળા કે ભીમ એકાદશી નામથી વિખ્યાત થઇ.

 

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

જળ પણ ન લેવાય તેથી તેને નિર્જળા એકાદશી કહે છે. ભીમે જળ લીધા વિના આ એકાદશી કરેલી, પરંતુ શ્રી કૃષ્ણના કહેવાથી શ્રી યમુનાજીનું પયપાન કરેલું. ચૂસ્ત વૈષ્ણવો પણ શ્રી યમુનાજીનું પયપાન કરી એકાદશીનું વ્રત કરી શકે છે.

 

મર્યાદામાર્ગીય ભાવના:

પદ્મપુરાણમાં નિર્જળા એકાદશીનું માહાત્મ્ય કહેલું છે, જો તમે બધી એકાદશીનું વ્રત ન કરી શકો તો આ એક નિર્જળા એકાદશીનું વ્રત કરીને બધી જ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો.

 

ભગવાન વિષ્ણુને શું ધરાવવું:  

કેરી

 

ફળ પ્રાપ્તિ: 

 

આ એકાદશીનું વ્રત કરનારના સુમેરૂ કે ચંદ્રાલય પર્વત જેવડા મહા પાપો પણ નષ્‍ટ થઇ જાય છે.

આ એકાદશીની કથા વાંચવાથી કે સાંભળવાથી અમાસના દિવસે સૂર્યગ્રહણ હોય અને વ્રત કરી પિતૃઓને અંજલિ આપવાથી જે ફળ મળે છે તે, અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.

 

આરતી:

જય નિર્જળા એકાદશી ,જય જય નિર્જળા એકાદશી

જેઠ માસ માં એ ન્યારી ,શુકલ પક્ષ માં છે પ્યારી ,

પાંડવો ની હિતકારી ,સ્વર્ગ ની અધિકારી …………જય નિર્જળા એકાદશી .

વિષ્ણુ પૂજા સૌ કરતા ,ગૌદાન પણ ફળતા ,

કથા જે કોઈ સાંભળે,પુણ્ય કરોડો મળતા ……………જય નિર્જળા એકાદશી .

આ જીવન સંવારી દીધું ,એવું કામ નિર્જળા એ કીધું ,

ઊંચું પદ અપાવ્યું અમને ,દુખડું તે હરિ લીધું ………..જય નિર્જળા એકાદશી .