Tuesday, 10 November 2020

રમા એકાદશી: આસો વદ / કૃષ્ણ પક્ષ



રમા એકાદશી: આસો વદ / કૃષ્ણ પક્ષ

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા:આસોના કૃષ્‍ણપક્ષમાં રમા નામની સુખ આપનારી અને પાપોનો નાશ કરનારી ઉત્તમ એકાદશી આવે છે.

 

પ્રાચીન કાળમાં મૂંચકૂંદ નામના પ્રખ્‍યાત રાજા થઇ ગયા કે જે વિષ્‍ણુના પરમ ભકત અને સત્‍ય પ્રતિજ્ઞ હતા. પોતાના રાજય પર નિષ્‍કંટક રાજય કરનાર એ રાજાના રાજયમાં નદીઓમાં શ્રેષ્‍ડ એવી “ચંદ્રભાગા” પુત્રીના રુપે ઉત્‍પન્‍ન થઇ. રાજાએ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે એના લગ્‍ન કરાવી દીધા એક વખત શોભન દસમના દિવસે સસરાના ઘેર આવ્‍યા. અને એજ દિવસે સમગ્ર નગરમાં પહેલાની જેમ ઢંઢેરો પીટવામાં આવ્‍યો કે “એકાદશીના દિવસે કોઇ પણ ભોજન ન કરે !” આ સાંભળીને શોભને પોતાની પ્રિય પત્‍ની ચંદ્રભાગાને કહ્યું : “પ્રિયે ! હવે આ સમયે મારે શું કરવું જોઇએ એ વિશે કહે.”

 

ચંદ્રભાગા બોલીઃ “સ્‍વામી ! મારા પિતાને ઘેર એકાદશીના દિવસે મનુષ્‍યતો શું કોઇ પાળેલા પશું વગેરે પણ ભોજન નથી કરી શકતાં, પ્રાણનાથ ! જો તમે ભોજન કરશો તો તમારી ખૂબ નિંદા થશે. આ પ્રમાણે મને મનમાં વિચાર કરીને પોતાના ચિત્તને દ્દઢ કરો.” શોભને કહ્યું : “પ્રિયે ! તારું કહેવું સત્‍ય છે. હું પણ આજે ઉપવાસ કરીશ. દેવનું જેવું વિધાન છે, એવું જ થશે.”

 

ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છેઃ આ પ્રમાણે દ્દઢ નિશ્ર્ચય કરીને શોભને વ્રતના નિયમનં પાલન કર્યું. પરંતુ સુર્યોદય થતા એમનો પ્રાણાંત થઇ ગયો. રાજા મચકંદે શોમનનો રાજોચિત અગ્નિ સંસ્‍કાર કર્યો. ચંદ્રભાગા પણ પતિનું પારલૌકિક કર્મ કરીને પિતાના ઘરેજ રહેવા લાગી.

 

નૃપશ્રેષ્ડ! બીજી બાજુ શોભન! આ વ્રતના પ્રભાવથી મંદરાચળ પર્વતના શિખર પર વસેલ પરમ રમણીય દેવપુરને પ્રાપ્‍ત થયા. ત્‍યા શોભન બીજા કુબેરની જેમ શોભવા લાગ્‍યા. એક વખત રાજા મુચકુંદના નગરવાસી પ્રસિધ્‍ધ બ્રાહ્મણ સોમશર્મા તીર્થયાત્રાના પ્રસંગે ફરતાં ફરતાં મંદરાચળ પર્વત પર ગયા ત્‍યાં એમને શોભન જોવા મળ્યા. રાજાના જમાઇ ઓળખીને તેઓ એમની પાસે ગયા. શોભન એ વખતે બ્રાહ્મણ શ્રેષ્‍ઠ સોમ શર્માને આવેલ જોઇને તરત જ આસન પરથી ઊભા થયા અને એમને પ્રણામ કર્યાં. પછી પોતાના સસરા રાજા મુચકુંદના પ્રિય પત્‍ની ચંદ્રભાગાના અને સમગ્ર નગરના કુશળ સમાચાર પૂછયા.

સોમશર્માઅે કહ્યું : રાજન ! ત્‍યાં બધા કુશળ છે. આશ્ર્ચર્ય છે ! આવું સુંદર અને પવિત્ર નગર તો કયાંય કોઇએ પણ નહિ જોયું હોય ! કહો તો ખરા, તમને આ નગર કેવી રીતે મળ્યું ?

 

શોભન બોલ્‍યાઃ બ્રહ્મન ! આસો માસના વદ પક્ષમાં જે રમા નામની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી મને આવા નગરની પ્રાપ્તિ થઇ છે. મેં શ્રાધ્‍ધાહિન બની ને આ વ્રત કર્યું હતું આથી હું એવું માનું છું કે આ નગર સ્‍થાઇ નથી, તમે મુચકુંદની પુત્રી ચંદ્રભાગાને આ વૃંતાંત કહેજો.

 

શોભનની વાત સાંભળીને સોમશર્મા મુચકુંદરપૂર ગામમાં ગયા અને ત્‍યાં ચંદ્રભાગાને સમગ્ર વૃંતાંત કહી સંભળાવ્‍યો. સોમશર્મા બોલ્‍યાઉ શુભે ! મે તમારા પતિને જોયા છે. અને ઇન્‍દ્રપુરી જેવા એમના સુંદર નગરનું પણ અવલોકન કર્યું છે. પરંતુ એ નગર અસ્‍થાઇ છે. તમે એને સ્‍થાઇ બનાવો.

 

ચંદ્રભાગાએ કહ્યું : “બ્રહ્મર્ષે ! મારા મનમાં પતિના દર્શનની લગન લાગી છે. તમે મને ત્‍યાં લઇ જાઓ. હું મારા વ્રતના પ્રભાવે એ નગરને સ્‍થાઇ બનાવીશ.”ચંદ્રભાગાની વાત સાંભળીને સોમશર્મા એને સાથે લઇને મંદરાચળની પાસે વામદેવ મુનિના આશ્રમમાં ગયા. ત્‍યા ઋષિના મંત્રથી શકિત અને એકાદશીના વ્રતના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્‍ય બની ગયું અને એણે દિવ્‍ય ગતિ પ્રાપ્ત કરી લીધી.

 

ત્‍યાર બાદ એ પોતાના પતિ પાસે ગઇ. શોભને પોતાની પ્રિય પત્‍ની ને પોતાની ડાબી બાજુના સિંહાસન પર બેસાડી, ત્‍યારપછી ચંદ્રભાગાએ પોતાનો પ્રિયતમન આ પ્રિય વચનો કહ્યાઃ નાથ ! હું તમને હિતની વાત કરું છું. સાંભળો.જયારે હું આઠ વરસની થઇ ત્‍યારથી આજ સુધી કરેલી એકાદશીથી આ નગર કલ્‍પના અંત સુધી  સ્‍થાઇ રહેશે, અને બધા પ્રકારના ઇચ્છિત વૈભવથી સમૃદ્ધિશાળી રહેશે.”

 

આ પ્રમાણે રમા એકાદશીના વ્રતથી ચંદ્રભાગા દિવ્ય ભોગ, દિવ્ય રુપ, અને દિવ્ય આભુષણોથી વિભૂષિત બનીને પોતાના પતિની સાથે મંદરાચળ પર્વતના શિખરપર વિહાર કરે છે. રાજન! મેં તમારી સમક્ષ રમા નામની એકાદશીનું વર્ણન કર્યું, આ એકાદશી ચિંતાહરી અને કામધેનુંની જેમ બધા મનોરથો પૂર્ણ કરનારી છે.

 

ભગવાન વિષ્ણુને કેળા અવશ્ય ધરાવવવા.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

પુષ્ટિમાર્ગમાં દિવાળીની વધાઈ આસો વદ એકાદશીએ બેસે, એમ કહેવાય છે કે 'રમા' નામની વ્રજબાળાએ નંદાલયમાં જશોદાજી ને દિવાળીની વધાઈ આપી હતી. આ એકાદશી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ કરવી જોઈએ.

મર્યાદામાર્ગીય ભાવના:

બ્રહ્મ વૈવર્ત પુરાણ અનુસાર મુચકુંદ રાજાની પુત્રી ચંદ્રભાગા મૃત્યુ પછી પૂણ્ય પ્રતાપે રાજા સત્યજિતને ત્યાં સત્યભામા નામે રાજકન્યા રૂપે જન્મી, જેના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણ સાથે થયા. એક વખત પોતાના જન્મ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પાસે સ્વર્ગના પારિજાત વૃક્ષ અને તેના નાજુક પુષ્પોની માંગણી કરી.

ભગવાન શ્રી કૃષ્ણે સ્વર્ગના રાજા ઈન્દ્ર સાથે યુદ્ધ કરી સ્વર્ગમાંથી પારિજાત વૃક્ષ લાવીને આંગણામાં રોપ્યું તે દિવસ હતો આસો વદ એકાદશીનો આથી તેને ભામા - એટલે રમા એકાદશી કહેવાય છે.

આરતી:

જય જય રમા એકાદશી,જય જય રમા એકાદશી

આસો મહિનો ગાથા,કૃષ્ણ પક્ષે થાયે કથા ,

શોભન પત્ની રમા થી નામ પડ્યું તારું એથી

એકાદશી છે તેથી ……………………………………………….

બ્રમ હત્યા પાપ જાયે,સર્વ સુખી થાયે ,

તારી આરતી ગાયે ……………………………………………….

વ્રત રમા એવું ઉજળે,ગામ આખું જે કોઈ ગજવે

તેની પર નાવ થશે,સમૃદ્ધી છલકાશે ગજવે …………………..

 

 



 

No comments:

Post a Comment