Saturday, 4 April 2020

કામદા એકાદશી: ચૈત્ર સુદ / શુકલ પક્ષ


કામદા એકાદશી: ચૈત્ર સુદ / શુકલ પક્ષ

 

વ્રતનું ફળ: એકાદશી કરનાર મનુષ્યનાં અનંત પાપ બળી જાય છે. તેનાં પુણ્યથી પુણ્યથી જીવાત્માને પાપમાંથી મુક્તિ મળે છે, નિ:સંતાનને સંતાન થાય છે. કષ્ટોનું નિવારણ થાય છે અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.

જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, આ કથા પહેલાં વશિષ્ઠ મુનિએ રાજા દિલીપને સંભળાવી હતી. જેની કથા પુંડરિક નામના રાજા અને લલિત નામના ગાંધર્વ તેમજ લલિતા નામની અપ્સરાને અનુલક્ષીને કહેવામા આવી છે, જે પુરાણોમાં પણ વાંચવા મળે છે.

કામદા એકાદશી વ્રતકથા પહેલાના સમયમાં ભોગાવતી નામની નગરીમાં પુંડરિક નામનો નાગરાજા રાજ્ય કરતો હતો. તેની સેવામાં ગાંધર્વો, યક્ષો, અપ્સરાઓ તથા કિન્નરો સદા રહેતા. તે નગરીમાં લલિત નામનો ગાંધર્વ તથા લલિતા નામની ગાંધર્વી રહેતાં હતાં. તે બંને પતિ પત્ની હતાં. તે બંને એક બીજામાં ખૂબ આસક્ત રહેતાં હતાં. બંને એકબીજાંને ખૂબ પ્રેમ કરતાં હતાં.એક વખત પુંડરિકની સભામાં લલિત ગીત ગાતો હતો. અચાનક તેને લલિતા યાદ આવી. તેથી તે ગાયનમાં ભૂલ કરવા લાગ્યો. તેના મનની સ્થતિ કર્કોટક નામનો નાગ જાણી ગયો. તેણે પુંડરિક રાજાને લલિતના મનની વાત કહી દીધી.

આ સાંભળી લલિત ઉપર પુંડરિક રાજા ગુસ્સે થયાં. તેમણે તત્કાળ લલિતને શ્રાપ આપતાં કહ્યું કે, હે પાપાત્મા, હે કામી, તું તત્કાળ રાક્ષસ બની જા. શ્રાપ સાંભળતાં જ લલિત મહાભયંકર રાક્ષસ બની ગયો. તે હિમાલય જેવો વિશાળ, કાળા કોલસા જેવો તેનો રંગ, તેનાં લાલચોળ નેત્રો જોઈ ભલભલા ડરી જતા. આ જોઈ લલિતાને ખૂબ દુ:ખ થયું. તે રાત દિવસ પતિને પાછા મૂળ સ્વરૂપમાં લાવવાના વિચાર સાથે લલિતની પાછળ પાછળ ફરવા લાગી.લલિત રાક્ષસ સામે જે મળે તેને ખાઈ પેટનો ખાડો પૂરતો હતો.

આમને આમ બંને ફરતાં ફરતાં વિદ્યાચળ પર્વત ઉપર પહોંચી ગયાં. ત્યાં તેમણે ઋષ્યશૃંગ મુનિનો આશ્રમ જોયો. ત્યાં જઈ તેમણે મુનિને ભાવથી પ્રણામ કર્યા. પોતાનું વિતક કહ્યું. આ સાંભળી દયાના સાગર ઋષ્યશૃંગ મુનિએ તે બંનેને ચૈત્ર સુદ અગિયારશ કે જે કામદા એકાદશીથી ઓળખાય છે. તે કરવા જણાવ્યું.તે બંનેએ ચૈત્ર સુદ અગિયારશ આવતાં ખૂબ ભાવથી તે એકાદશી કરી. તેનું તમામ પુણ્ય તેમણે ભગવાન વિષ્ણુનાં ચરણોમાં અર્પણ કયુ. જેનાં પુણ્યપ્રતાપે તે જ વખતે લલિતનું સ્વરૂપ પહેલાં હતું તે કરતાં પણ વધુ દિવ્ય થઈ ગયું.

લલિતા પણ ઇન્દ્રાણીની જેમ શોભવા લાગી. આ પછી તેઓ પાછાં ભોગાવતી નામની નગરીમાં આવ્યાં. તેમને જોઈ પુંડરિક ખુશ થઈ ગયો. તેણે સર્વ વૃત્તાંત તેમની પાસેથી સાંભળી પાછો લલિતને સેવામાં લઈ લીધો.

 

ભગવાન વિષ્ણુને લવિંગ અવશ્ય ધરાવવાં.

 

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

જગતના ૯ નરાયણો માં યજ્ઞ નારાયણ એ લક્ષ્મણ ભટજીના કુટુંબના પુરુષ છે, જેમણે ૧૦૦ સોમયજ્ઞ કરવાની ઈચ્છા કરી હતી. કુટુંબમાં જયારે લક્ષ્મણ ભટજીએ ૫ સોમયજ્ઞ કર્યા ત્યારે ૧૦૦ સોમયજ્ઞ પુરા થયા, તરત જ તેજ રુપે પ્રભુનું સ્વરુપ અગ્નિકુંડમાં પ્રગટ થયું વરદાન આપ્યું હું પુત્ર રુપે તમારે ત્યાં પ્રગટ થઈશ. એ દિવસ ચૈત્ર સુદ એકાદશીનો હતો.

મર્યાદામાર્ગીય ભાવના:

વરાહ પુરાણમાં વર્ણવેલ માહાત્મ્ય અનુસાર કામદા એકાદશી વ્રતની કથાના શ્રવણ-મનનથી વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે, જીવના સંકટો દૂર થઈ મનોવાંછિત કમનાઓ પૂર્ણ થાય છે. આથી એકાદશી કામદા એકાદશી તરીકે ઓળખાય છે.

આરતી:

જય કામદા એકાદશી,જય જય કામદા એકાદશી .

ચૈત્ર માસે આવે,શુકલ પક્ષ માં ફાવે

પુત્ર પ્રાપ્તિ કરાવે,પાપો થી બચાવે જય

રાક્ષસ યોની થી બચાવે,રૂપ સુંદર તું કરાવે ,

સુખ શાંતિ ને અપાવે,આનંદ ને વિસ્તારે જય

વ્રત એકાદશી કર્યું છે,કામના તારું નામ ધર્યું છે ,

હર્દય મહીં સ્થાપી દીધા,મુખ થી તારું નામ સર્યું છે જય

જય જય કામના એકાદશી.

Friday, 3 April 2020

એકાદશીનું વ્રત


એકાદશીનું વ્રત:


એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે. ઉપરાંત સંતાનની ઇચ્છાવાળાએ આ વ્રત કરવું, પરણેલી સ્ત્રીઓએ પતિની આજ્ઞા સિવાય એકાદશીનું વ્રત ન કરવુ જોઈએ. એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવામાં આવે છે. નિરાહારથી ફળાહાર ઉત્તમ છે  તેથી બને ત્યાં સુધી ઉપવાસમાં ફકત ફળાહાર કરવો જોઈએ. પુરાણોમાં જણાવવામાં આવ્યુ છે કે દિવસમાં એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારને એક ભવનાં પાપ નાશ પામે છે.
સાપત્ય મનુષ્ય શુકલ પક્ષની અને કૃષ્ણ પક્ષની એમ બંને એકાદશીનો ઉપવાસ કરતા હોય છે. જયારે અપત્ય મનુષ્ય કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત ન કરતાં સમપત્ર વ્રતનો સંકલ્પ કરે છે. એ જ પ્રમાણે શુકલ પક્ષની ક્ષયતિથિ હોય તો પણ વ્રત ન કરવું જોઈએ તેવો મત છે.
વૈષ્ણવો કૃષ્ણ પક્ષની એકાદશી કરે છે. આ એકાદશીનું વ્રત શિવવૈષ્ણવ અને શૂદ્ર એમ દરેક કરી શકે છે. છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તેને અષાઢ સુદ એકાદશી એટલેકે દેવશયની એકાદશીથી કારતક સુદ એકાદશી એટલેકે પ્રબોધિની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જોઈએ. જોઈએ તેવુ મહત્વ છે.
દરેક એકાદશીની કથા વાર્તાઓ તથા તેનું અલગ અલગ મહત્વ દર્શાવવામાં આવ્યુ છે.

Thursday, 2 April 2020

વિવિધ એકાદશી નાં નામ

વિવિધ એકાદશી નાં નામ

એક વર્ષ દરમિયાન કુલ ૨૪ એકાદશી આવે છે. તે ઉપરાંત જો દર ત્રણ વર્ષે આવતા અધિકમાસની બે એકાદશી મળીને કુલ ૨૬ એકાદશી હોય છે. 
એકાદશીને તેના મહત્વના લીધે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. 
ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ટિર ને દરેક એકાદશી નું મહત્વ સમજાવે છે.
મહિનો
પક્ષ
એકાદશી નું નામ
કારતક
સુદ
દેવઉઠી / પ્રબોધિની
વદ
ઉત્પત્તિ
માગશર
સુદ
મોક્ષદા 
વદ
સફલા
પોષ
સુદ
પુત્રદા 
વદ
ષટતિલા
મહા
સુદ
જયા
વદ
વિજયા
ફાગણ
સુદ
આમલી
વદ
પાપમોચિની
ચૈત્ર
સુદ
કામદા
વદ
વરુચિની
વૈશાખ
સુદ
મોહિની
વદ
અપરા
જેઠ
સુદ
નિર્જળા / ભીમ
વદ
યોગિની
અષાઢ
સુદ
દેવશયની
વદ
કામિકા
શ્રાવણ
સુદ
પવિત્રા
વદ
અજા
ભાદરવા
સુદ
પરિવર્તિની
વદ
ઇન્દિરા
આસો
સુદ
પાશાંકુશા
વદ
રમા
અધિક
સુદ
પદ્મિની
વદ
પરમા

Wednesday, 1 April 2020

એકાદશી નું ધાર્મિક મહત્વ:

એકાદશી નું ધાર્મિક મહત્વ:

ભારતનાં ઋષિમુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેઓએ પાપ-પુણ્યનો, સ્વર્ગ-નર્ક આદિનો વિચાર પ્રદર્શિત કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ, તપ, વ્રત, ઉપવાસ કરવા સુચન કર્યુ છે.

હિન્દુ ધર્મમાં એકાદશીની તિથિનું ધાર્મિક દ્રષ્ટિએ અનોખુ મહત્વ માનવામાં આવે છે. આ તિથિ ભગવાન વિષ્ણુજીને સમર્પિત હોય છે. આથી જ હિન્દુ ધર્મમાં એકાદશી એટલે અગિયારસ તિથિનું વ્રત રાખવામાં આવે છે આ વ્રતનું માહાત્મય ખુબજ મોટું છે.

વિક્રમ સંવત મુજબ એક વર્ષમાં બાર મહિના(માસ) હોય છે. જેમાં એક માસમાં બે પક્ષ હોય છે. જેમાં એક શુકલ 

પક્ષ(સુદ) અને બીજો કૃષ્ણ પક્ષ (વદ) કહેવાય છે. બન્ને પક્ષમાં આવતી અગિયારમી તિથિને અગિયારસ 

અથવા એકાદશી કહેવાય છે.