Tuesday, 28 March 2017

ગુડી પડવો :

ગુડી પડવો :

ભારતીય ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ વસંત સંપાત નજીકનો ચાંદ્રમાસ એટલે ચૈત્ર માસ, ચૈત્ર સુદ એકમે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, ગુડી પડવો તથા ચેટી ચાંદ એમ ત્રણ પર્વનો ત્રિવેણી સંગમ છે.

મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ તથા ગુજરાત - સૌરાષ્ટ્ર - કચ્છના ખેડૂતભાઈઓમાં ચૈત્ર સુદ એકમથી ચૈત્રી સંવત્સર - શાલિવાહન (શક) સંવત ની શરૂઆત થાય છે. મહારાષ્ટ્રમાં ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો. ગુડી એટલે નાની ધજા. તેને આંગણામાં રોપવામાં આવે છે.ચૈત્ર સુદમાં પ્રથમ ચંદ્રદર્શન થાય તે ઘટનાને સિંધી સંસ્કૃતિમાં ''ચેટી ચાંદ'' (ચૈત્રી ચંદ્ર) નું પર્વ મનાવાય છે. આ માસમાં પંચાંગ ગણિત મુજબ એકમ તિથિ વહેલી સમાપ્ત થાય છે ત્યારે સુદ એકમની સાંજે ચંદ્રદર્શન થઈ જાય તો ગુડી પડવો અને ચેટી ચાંદ એક જ દિવસે આવે છે. જો ચંદ્રદર્શન સુદ બીજના દિવસે સાંજે થાય તો ગુડી પડવો અને ચેટી ચાંદના તહેવાર બે અલગ દિવસે આવે છે.

ચૈત્ર મહિનાની શુક્લ પ્રતિપદાને ગુડી પડવા કે વર્ષ પ્રતિપદા કે ઉગાદિ કહેવામાં આવે છે. આ દિવસે હિન્દુ નવ વર્ષની શરૂઆત થાય છે. આ દિવસે દુનિયામાં સૌથી પહેલા સૂર્યોદય થયો હતો. ભગવાન બ્રહ્માએ સુષ્ટિની રચના આ દિવસે કરી હતી, આ દિવસે ભગવાન નારાયણના નાભિમાંથી કમળ ઉત્પન થયું હતું અને એ કમળમાંથી સૃષ્ટ્રિના પાલન કરતાં ‘‘બ્રહ્મદેવ’’નું પ્રાગટય થયું હતું.

એક એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે.

બીજી એક માન્યતા છે કે આ દિવસે શાલિવાહન નામના કુંભારના પુત્રએ માટીના સૈનિકોનુ નિર્માણ કરી એક સેના બનાવી દીધી હતી અને તેના પર પાણી છાંટીને પ્રાણ ફૂંકી દીધા હતા. ત્યારબાદ આ માટીની સેનાએ  શક્તિશાળી દુશ્મનોને પછાડી દીધા હતા અને વિજય મેળવ્યો હતો. આ વિજયના પ્રતિકના રૂપમાં શાલિવાહન (શક) સંવત ની શરૂઆત માનવામાં આવી છે.

શક્તિ સંપ્રદાય ઉપરાંત વૈષ્ણવ સંપ્રદાયમાં આ દિવસોનું વિશેષ મહત્વ હોવાથી ઠાકોરજીને કડવા લીમડાનો રસ ધરાવીને પ્રસાદ તરીકે લેવાય છે.

1 comment: