Wednesday, 29 March 2017

ચૈત્ર નવરાત્ર

ચૈત્ર નવરાત્ર

ચિત્રા નક્ષત્ર ઉપરથી આ માસનું નામ ચૈત્ર માસ પડયું હતું. ચૈત્ર માસની નવરાત્રી વિક્રમ સંવતના આરંભથી મનાવવામાં આવે છે. (ભાગવત સ્કંધના વર્ણન મુજબ) દિવસે ભગવાન નારાયણના નાભિમાંથી કમળ ઉત્પન થયું હતું અને એ કમળમાંથી સૃષ્ટિના પાલન કરતાં ‘‘બ્રહ્મદેવ’’નું પ્રાગટય થયું હતું. અશ્વિન મહિનાની નોરતા એ બ્રહ્માજીનો દિવસ શરુ થાય અને ચૈત્રી નોરતાએ તેમની ૬ મહિને દિવસ પૂરો થતા રાત્રી શરુ થાય છે. તેથી બ્રહ્માની રાત્રિ શરુ થઈ ગણાય.

ચૈત્ર નવરાત્ર વસન્ત ઋતુમાં આવતી હોવાથી આ નવરાત્રીને ‘‘વાસન્તી નવરાત્ર’’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ નવમીએ શ્રી રામચંદ્રજી પ્રાગટ થયા હોવાથી આ નવરાત્રને ‘‘રામ નવરાત્ર’’ પણ કહેવામાં આવે છે.

ચૈત્ર મહિનાના નવરાત્રમાં આઠમના દિવસે શક્તિ સ્વરૂપા માં ભવાનીનું પ્રાગટય થયું હોવાથી ચૈત્ર નવરાત્રનું વિશેષ મહત્વ છે.

ચૈત્રી નવરાત્રિનું ઉત્તર ભારતમાં વિશેષ મહત્ત્વ છે. ઉત્તર ભારતમાં શક્તિપીઠોમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી માતાની આરાધના શરૂ થાય છે. રામાયણ અને રામચરિત માનસનો પાઠ થાય છે. આ દિવસો દરમ્યાન શાકાહાર, સદ્આચરણ અને બ્રહ્મચર્ય સહિતના નિયમોનું પાલન કરવામાં આવે છે. 

ઉત્તર ભારતમાં નવરાત્રિ દરમિયાન મેળાઓ પણ ભરાય છે. દક્ષિણ ભારતમાં પ્રથમ દિવસે વિશેષ પૂજા થાય છે. આંબાનાં પાન અને નારિયેળથી સજાવેલો કળશ દરવાજે રાખવામાં આવે છે.

Tuesday, 28 March 2017

ગુડી પડવો :

ગુડી પડવો :

ભારતીય ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ વસંત સંપાત નજીકનો ચાંદ્રમાસ એટલે ચૈત્ર માસ, ચૈત્ર સુદ એકમે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, ગુડી પડવો તથા ચેટી ચાંદ એમ ત્રણ પર્વનો ત્રિવેણી સંગમ છે.

મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ તથા ગુજરાત - સૌરાષ્ટ્ર - કચ્છના ખેડૂતભાઈઓમાં ચૈત્ર સુદ એકમથી ચૈત્રી સંવત્સર - શાલિવાહન (શક) સંવત ની શરૂઆત થાય છે. મહારાષ્ટ્રમાં ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો. ગુડી એટલે નાની ધજા. તેને આંગણામાં રોપવામાં આવે છે.ચૈત્ર સુદમાં પ્રથમ ચંદ્રદર્શન થાય તે ઘટનાને સિંધી સંસ્કૃતિમાં ''ચેટી ચાંદ'' (ચૈત્રી ચંદ્ર) નું પર્વ મનાવાય છે. આ માસમાં પંચાંગ ગણિત મુજબ એકમ તિથિ વહેલી સમાપ્ત થાય છે ત્યારે સુદ એકમની સાંજે ચંદ્રદર્શન થઈ જાય તો ગુડી પડવો અને ચેટી ચાંદ એક જ દિવસે આવે છે. જો ચંદ્રદર્શન સુદ બીજના દિવસે સાંજે થાય તો ગુડી પડવો અને ચેટી ચાંદના તહેવાર બે અલગ દિવસે આવે છે.

ચૈત્ર મહિનાની શુક્લ પ્રતિપદાને ગુડી પડવા કે વર્ષ પ્રતિપદા કે ઉગાદિ કહેવામાં આવે છે. આ દિવસે હિન્દુ નવ વર્ષની શરૂઆત થાય છે. આ દિવસે દુનિયામાં સૌથી પહેલા સૂર્યોદય થયો હતો. ભગવાન બ્રહ્માએ સુષ્ટિની રચના આ દિવસે કરી હતી, આ દિવસે ભગવાન નારાયણના નાભિમાંથી કમળ ઉત્પન થયું હતું અને એ કમળમાંથી સૃષ્ટ્રિના પાલન કરતાં ‘‘બ્રહ્મદેવ’’નું પ્રાગટય થયું હતું.

એક એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે.

બીજી એક માન્યતા છે કે આ દિવસે શાલિવાહન નામના કુંભારના પુત્રએ માટીના સૈનિકોનુ નિર્માણ કરી એક સેના બનાવી દીધી હતી અને તેના પર પાણી છાંટીને પ્રાણ ફૂંકી દીધા હતા. ત્યારબાદ આ માટીની સેનાએ  શક્તિશાળી દુશ્મનોને પછાડી દીધા હતા અને વિજય મેળવ્યો હતો. આ વિજયના પ્રતિકના રૂપમાં શાલિવાહન (શક) સંવત ની શરૂઆત માનવામાં આવી છે.

શક્તિ સંપ્રદાય ઉપરાંત વૈષ્ણવ સંપ્રદાયમાં આ દિવસોનું વિશેષ મહત્વ હોવાથી ઠાકોરજીને કડવા લીમડાનો રસ ધરાવીને પ્રસાદ તરીકે લેવાય છે.

Monday, 13 March 2017

વ્રજનાં હોળી ઉત્સવ


વ્રજનાં હોળી ઉત્સવ:

વ્રજનાં હોળી ઉત્સવ દરમ્યાન પ્રત્યેક વ્રજનારી ગોપી અને પ્રત્યેક વ્રજનાર કૃષ્ણ બની જાય છે. આમ તો વ્રજ માં સર્વત્ર હોળી નો ઉત્સવ મનાવવામા આવે છે, પરંતુ ચાર સ્થળની હોળી વધારે પ્રસિધ્ધ છે.

૧)નંદગામ બરસાના ની હોળી
નંદગામના છેલછબીલા યુવાનો રંગ ઉડાડતાં, નાચતા ગાતા હાથમાં ચામડાની મોટી મોટી ઢાલો લઇને બરસાને આવે છે અને બરસાના ની યુવતીઓ લાકડીઓથી તેમનું સ્વાગત કરે છે. બરસાનાની યુવતીઓ ચપળતાથી ફરતી ફરતી લાકડી ઓના ઘા યુવાનો પર કરતી જાય અને યુવાનો ચામડાની ઢાલથી પોતાના માથે પડતા ઘા ને ઝીલી લે છે. બરસાનાની સાંકડી ગલીઓ આ લઠ્ઠમાર હોળીનો આનંદ લેતી જાય છે અને રંગ ગુલાલનો વરસાદ કરતી જાય છે.

૨)જાવબેઠન ની હોળી
વ્રજમાં બીજી હોળી જાવબેઠનની પ્રસિધ્ધ છે.અહીં શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીનાં ચરણો માં અળતો લગાવેલો હતો અહીં ચૈત્ર સુદ બીજ ની બપોરથી હોળીખેલનો આરંભ થાય છે. જે સુર્યાસ્ત સુધી ચાલે છે. ગામના તમામ નાનામોટા લોકો ગામના ચૌરાહા (ચોક) માં એકઠા થાય છે પછી હાથમાં ઝાંઝ, પખવાજ, ડફ, થાળી, મંજીરા, ઢોલક, ખંજરીના મોટાધ્વનિ સાથે ગામની ગલીઓમાં ફરે છે તે દરમ્યાન ગામની નવવધૂઓ તેઓનું સ્વાગત અબીલ, ગુલાલની સાથે સાથે લાકડીઓથી  કરે છે અને યુવાનો લાકડીઓ ના તે માર થી બચવા માટે વાંસની ટોપલીઓ ની ઢાલ બનાવી લે છે.

૩)દાઉજી ની હુરંગા હોળી
લઠ્ઠમારની હોળી જેવી જ દાઉજીની હોળી હોય છે. હોળીના ઉત્સવમાં સખ્ય ભાવ હોવાથી અરસપરસ ભેદભાવ હોતા નથી. એકમેક ભેગા થઇ ફગુઆ ખેલે છે અને આઠ દિવસ અગાઉ થી ઘૈરાયા બની ને નાચે છે. અબીલ, ગુલાલ અને પલાશના ભીના રંગોથી પિચકારી ભરી એકબીજા ઉપર છાંટે છે.

૪)ફારેન ગામની હોળી
          વ્રજનાં ફારેન ગામમા જયારે હોળી સળગાવવામા આવે છે ત્યારે તેના સળગતા અંગારા ઉપર યુવાનો મસ્તીથી ચાલે છે. આજુબાજુ અગ્નિની જ્વાળા માંથી તણખલાઓ ઉડે છે  પરંતુ તે દ્રશ્ય અત્યંત  રોમાંચકારી હોય છે.


Saturday, 11 March 2017

હોળી-ધૂળેટી તહેવાર:


હોળી-ધૂળેટી તહેવાર:

હોળી બે દિવસ નો તહેવાર છે, ફાગણ સુદ પૂનમ-હોળીકા દહન, ફાગણ વદ એકમ-ધૂળેટી.

હિરણ્યકશિપુ તેનો પૂત્રપ્રહલાદ અને બહેન હોલિકાની પુરાણીક કથા તો ઘણી જાણીતી છે, અહીં આપણે ભગવાન શ્રી કૃષ્ણ ના વ્રજધામ અને વૈષ્ણવો હોળી ઉત્સવ કેવી રીતે ઉજવે છે તેની વાત કરીશું.

વ્રજના સર્વ ઉત્સવોમાં બે ઉત્સવ (ઉત્સવ નો અર્થ જોવા જઇએ તો રીતે છે. =ઉમંગ
ત્સવ=ઉછાળવું, જે ઉમંગો ઉછાળે છે તે ઉત્સવો.) સૌથી મોટા છેં - ()હોળી           ()દિવાળી

દોલોત્સવ:

ડોલ (દોલ શબ્દનુ અપભ્રંશ થઇ જતાં ડોલ શબ્દ બન્યો) ની વધાઇ ચોર્યાશી કોસ ના વ્રજમાં ચાલીસ દિવસ પહેલા આપી દેવાય છે અને હોળી પૂરેપૂરા સત્તર દિવસ ઊજવવા માં આવે છે. હોળી બાદ વ્રજમાં જુદા જુદા દિવસે, જુદાજુદા સ્થળોએ ફૂલદોલનો આનંદ મેળવવામાં આવે છે. વૃક્ષોની ડાળી પર દોરડાથી બનાવેલા ઝૂલાઓ પર ફૂલપાનથી ગૂંથણી કરવામાં આવે છે. શ્રી વલ્લભબાલકો અને વૈષ્ણવો શ્રી ઠાકોરજીને ઝૂલાઓ પર ઝૂલાવે છે અને હોળીના રંગો ની માફક ફૂલની પાંદડી એકબીજા પર ઉડાડી સાથે આનંદ માણે છે અને ફૂલડોલનાં ઉત્સવ દરમ્યાંન મેળાઓ ભરાય છે. પુષ્ટિમાર્ગિય હવેલીઓમાં ફાગણવદ એકમે, ફાગણવદ અગિયારસ ને દિવસે માનસરોવર અને રાધારાણીના મંદિરે, ચૈત્ર સુદ છઠ્ઠના દિવસે વિશ્રામઘાટ પર, ઉત્સવ ઉજવાય છે.

વર્ષમા એકવાર વ્રજભક્તો  શ્રી પ્રભુ ને પોતાના સમાન માને છે અને પોતાના સમાન માનવાથી હ્રદયમાં સખ્યભાવ ઉત્પન્ન થાય છે. આથી સખ્યસમયદરમ્યાન  તેઓ ઠાકોરજી સાથે ચંદન, કેસરના રંગથી વ્રજભક્તો પ્રભુ સાથે ખેલે છે. ખેલ વખતે પ્રભુના ચરણારવિંદ ને ઢાંકી દેવાય છે કારણ કે જો વ્રજભક્તો ચરણારવિંદ ના દર્શન કરી લે તો મનમાં દાસ્યભાવ આવી જાય છે તેથી ખેલ વખતે સખ્યભાવ આગળ રહે તેનું ધ્યાન રખાય છે.

દરેક રંગ ના જુદા જુદા ભાવ છે.
કેસરી રંગ શ્રી સ્વામિનીજી નો ભાવ છે.
શ્વેત રંગ શ્રી ઋષિરુપા સખીઓ નો ભાવ છે.
ગુલાલ નો લાલ રંગ શ્રી ચંદ્રાવલિજી નો ભાવ છે.
શ્યામ રંગ નો ચુવો શ્રી યમુનાજી નો ભાવ છે.


પુષ્ટિમાર્ગીય મંદિરોમાં પૂરો એક મહિનો  ધ્રુપદ-ધમાર-રસિયા ગવાય છે.ઝાંઝ,ડફ,મૃદંગ,પખવાજ,તુરી,થાળી વગેરે વાગે છે અને તન અને મન રંગાઇ જાય છેં. જેમ દિવસો જાય તેમતેમ ક્રમશઃ હોળી ખેલ વધતો જાય છે.