Saturday, 23 January 2021

પુત્રદા એકાદશી - પોષ સુદ / શુક્લ પક્ષ:


પુત્રદા એકાદશી - પોષ સુદ / શુક્લ પક્ષ:

 

એકાદશી ની કથા:

પૂર્વકાળની વાત છે. ભદ્વાવતી પૂરીમાં રાજા સુકેતુમાન રાજય કરતા હતા. એમની રાણીનું નામ ચંપા હનું. રાજાન, ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઇ. આથી પતિ-પત્‍ની હંમેશા ચિંતા અને શોકમાં ડુબેલા રહેતા. રાજાના પિતૃઓ એમના આપેલ જળને એકી શ્વાસથી  ગરમ કરીને પીતા. રાજા પછી એવું કોઇ નથી દેખાતું જે અમારું તર્પણ કરે. આમ વિચારીને પીતૃઓ શોકમાં રહેતા.   

 

એક દિવસ  રાજા ઘોડા પર સવાર થઇને ઘોર જંગલમાં ચાલ્‍યા ગયા પૂરોહિત વગેરે કોઇને આ વાતની ખબર ન હોતી. મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્‍યા. માર્ગમાં કયાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો કયાંક ઘુવડનો. જયાં ત્‍યાં રીંછો અને મૃગો દ્રષ્ટિગોચર થઇ રહ્યા હતા.

 

આ રીતે ફરીને રાજા વનની શોભા જોઇ રહ્યા હતાં. એવામાં બપોર થઇ ગઇ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્‍યા. પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા. સૌભાગ્‍યશાળી નરેશે ઓ આશ્રમ તરફ જોયું. એ સમયે શુભની સુચના આપનારા શુકનો થવા લાગ્‍યા. રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્‍યા. ઉત્તમફળની એ ખબર આપી રહ્યાં હતાં.

 

સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યાં હતાં. એમને જોઇને રાજાને ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્‍યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જયારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત્ પ્રણામ કર્યા ત્‍યારે મુનિઓ બોલ્‍યાઃ રાજન ! અમે તમારા પર પ્રસન્‍ન છીએ. રાજા બોલ્‍યોઃ આપ કોણ છો? આપના નામો શું છે ? અને આપ શા માટે અહી એકત્રિત થયા છો ? કૃપા કરીને આ બધું મને કહો.

 

મુનિઓ બોલ્‍યાઃ રાજન ! અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્‍નાન માટે આવ્‍યા છીએ. આજે જ પુત્રદા નામની એકાદશી છે વ્રત કરનારા મનુષ્‍યોને એ પુત્ર આપે છે. રાજાએ કહ્યું : “વિશ્ર્વેદેવગણ ! જો આપ પ્રસન્‍ન હો તો મને પુત્ર આપો.

 

મુનિ બોલ્‍યાઃ રાજન ! આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે.એનું વ્રત ઘણું જ વિખ્‍યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્‍યાં જરુર પુત્ર થશે.” ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છેઃ આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું. મહિર્ષિઓના ઉપદેશાનુંસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી બારસના દિવસે પારણાં કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્‍તક ઝૂકાવીને રાજા પોતાના ઘેર આવ્‍યા. ત્‍યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો. પ્રસવનો સમય આવતા રાજાને ત્‍યાં તેજસ્‍વી પુત્રની પ્રાપ્‍તી થઇ. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્‍ટ કરી દીધા. એ પ્રજા પાલક બન્‍યો.

ભગવાન વિષ્ણુને છાશ / ગોળ અવશ્ય ધરાવવા.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

અષ્ટસખા કુંભનદાસ અને તેમના ધર્મ પત્ની, શ્રી મહાપ્રભુજીને શરણે ગયા, અને શ્રી મહાપ્રભુજી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માગ્યું, આ દિવસ પોષ સુદ એકાદશી નો હતો. શ્રી મહાપ્રભુજીના વરદાનથી કુંભનદાસ ને સાત મહાન ભગવદ્દ ભક્ત પુત્રો થયા.

આમ શ્રીનાથજી બાવાના કૃપાપત્ર અષ્ટસખા કુંભનદાસના જીવન પ્રસંગ સાથે આ એકાદશીનું નામ જોડાયેલું છે અને તેની પુષ્ટિમાર્ગીય ભાવના પણ ગૂઢ છે.

મર્યાદામાર્ગીય ભાવના:

'પુમ' નામના નરકમાંથી મુક્ત કરે તે પુત્ર - આ વચન અનુસાર આ એકાદશી વ્રતથી પુત્રપ્રાપ્તિ થઈ મનુષ્યની સદ્દગતિ થાય છે. સર્વ સંતાપો દૂર કરી સંતાનસુખ આપનાર આ વ્રત હોઈ 'પુત્રદા એકાદશી' નામે પ્રસિદ્ધ છે.

આરતી:

જય જય પુત્રદા માતા ,જય જય પુત્રદા માતા

પોષ માસ માં મળતી ,શુકલ પક્ષમાં ફળતી ……..મા (૨)

પ્રભુ નારાયણ ની પૂજા ,સર્વે દુઃખો હરતી …….જય જય પુત્રદા માતા

પુત્ર ને પ્રાપ્ત કરાવનારી ,પુણ્ય ને તું પ્રગટાવનારી ……મા (૨)

સુકેતુમાન ને પુત્ર ,દાન એવું કરતી …………..જય જય પુત્રદા માતા

જે કોઈ સુણે મહિમા કથા ,એની જાએ સૌ વ્યથા ………મા (૨)

રાજા ને કીધાં કૃતજ્ઞ ,એવી તારી ગાથા ……….જય જય પુત્રદા માતા 

Friday, 8 January 2021

સફલા એકાદશી – માગશર વદ / કૃષ્ણ પક્ષ:


સફલા એકાદશી – માગશર વદ / કૃષ્ણ પક્ષ:

જેનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા:માગશરના કૃષ્‍ણપક્ષમાં સફલા નામની સુખ આપનારી અને પાપોનો નાશ કરનારી ઉત્તમ એકાદશી આવે છે.


એકાદશી ની કથા:

ચંપાવતી નામનું એક વિખ્યાત નગર કે જે રાજા મહિષમાન ની રાજધાની હતી રાજર્ષિ મહિષમાનને ચાર પુત્રો હતા. એમાં જે મોટો પુત્ર  હતો તે સદાય પાપ કર્મમાં જ રત રહેતો હતો. પરસ્ત્રીગામી, અને વૈશ્યાસકત હતો. એણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો હતો. એ હંમેશા દુરાચાર પરાયણ અને બ્રાહ્મણો, વૈષ્ણવો અને દેવતાઓનો નિંદક હતો. પોતાના પુત્રને આવો પાપાચારી જોઇને રાજા મહિષમાને રાજકુમારોમાં એનું નામ લુંમ્પક રાખી દીધુ પછી પિતા અને ભાઇઓએ મળીને એને રાજયમાંથી બહાર કાઢી મૂકયો.

લુંમ્પક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો, નિયમિત માંસ અને ફળ ખાઈ ને જિંદગી ગુજારતો. દિવસે વન માં રહેતો અને રાત્રી માં  પિતા ના નગર માં ચોરી કરવાનું શરૂ કર્યું , નગર માં નિવાસીઓને  મારતો અને કષ્ટ આપતો થોડા દિવસ માં તો એણે આખી નગરી ને  પરેશાન કરી દીધી .એને પહેરેદારો પકડતા પણ પછી રાજા ના ડર થી છોડી દેતા.

આ વનમાં ઘણા વર્ષોનું જૂનું પીપળાનું એક વૃક્ષ હતું એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું. પાપ બુદ્ધિ લુંમ્પક ત્યાંજ રહેતો હતો.

માગશર માસના કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પાપી લુંમ્પક શારીરિક નબળાઈ અને થકાવટને કારણે કોઈ પશુનો વધ કર્યો નહતો અને વસ્ત્રહીન હોવાને કારણે રાત ભર ઠંડીમાં ઠુંઠવાતો રહ્યો. આથી એ સમય એને ઉંઘ ન આવી કે ન આરામ મળ્યો. એ નિષ્પ્રાણ જેવો થઇ ગયો. સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન અને બીજે દિવસે એકાદશીને દિવસે બપોરે તેને ભાન આવ્યું, ત્યારે કેટલાક ફળ શોધી લાવ્યો ત્યાં સુધીમાં સૂર્યાસ્ત થઇ ગયો હતો. ત્યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય. આમ એના દ્વારા અનાયાસે સફલા એકાદશીના વ્રતનું પાલન થઇ ગયું 

 

એ મહાપાપી ના વ્રત તથા જાગરણ થી ભગવાન અત્યંત પ્રસન્ન થયા એના સમસ્ત પાપ નષ્ટ થઇ ગયા .પ્રાતઃકાલ થતા જ એક દિવ્ય રથ અનેક સુંદર વસ્તુઓ થી શણગારેલો આવ્યો અને તેની સામે ઉભો રહ્યો .એ સમયે આકાશવાણી થઇ કે” હે રાજ પુત્ર !ભગવાન નારાયણ ના પ્રભાવ થી તારા સમસ્ત પાપ નષ્ટ થઇ ગયા છે .હવે તું તારા પિતા ની પાસે જઈ ને રાજ્ય પ્રાપ્ત કર .” લુંમ્પકે આવી આકાશવાણી સાંભળી નેઅત્યંત પ્રસન્ન થયો એણે વરદાન સ્‍વીકારી લીધું. ત્‍યાર પછી એનું રુપ દિવ્‍ય થઇ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્‍ણુંના ભજનમાં લાગી ગઇ. દિવ્‍ય આભુષણોની શોભાની સંપન્‍ન થઇને તેણે પિતા  પાસે જઈ સંપૂર્ણ કથા સંભળાવી. પિતા પોતાનો રાજ્યભાર તેને સોંપીને વન માં ગયા, એણે નિષ્‍કંટક રાજય પ્રાપ્‍ત કર્યું અને હવે લુંમ્પક શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યો. તેની સ્ત્રી, પુત્ર આદિ પણ નારાયણ ના પરમ ભક્ત બની ગયા. પંદર વર્ષ સુધી એ રાજય કરતો રહ્યો, એ સમયે ભગવાન શ્રીકૃષ્‍ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્‍તી થઇ. વૃદ્ધાવસ્થા આવવાથી તે પોતાના પુત્ર ને ગાદી સોંપી ભગવાન નું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો અને અંતમાં પરમ પદ ને પ્રાપ્ત થયો. 

 

ભગવાન વિષ્ણુને તલ અવશ્ય ધરાવવો.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

વ્રજબાળાઓએ પ્રભુમાં અનન્ય ભાવ રાખ્યો હતો, પ્રભુને પ્રાપ્ત કરી તેમના સ્વરૂપાનંદ સિવાય બીજા કશામાં રસ ન હતો. આ જ ભાવનાથી તેમણે કાત્યાયની વ્રત કર્યું અને છેવટે માગશર વદ એકાદશીએ તેમની ઈચ્છા પૂર્ણ થઈ. આ માટે માગશર વદ એકાદશીને સફલા એકાદશી કહેવાય છે.

મર્યાદામાર્ગીય ભાવના:

ભગવાન શ્રી કૃષ્ણ ની કૃપા અને સામર્થ્યથી મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને આ એકાદશીના દિવસે અર્જુને પીપળાના વૃક્ષ નીચે વિશ્રામ લઈ શાંતિ-સંતોષ અને સફળતાનો આનંદ માણ્યો હતો, આથી આ એકાદશીને 'સફલા એકાદશી' કહે છે.

 

આરતી:

જય જય સફલા માતા ,જય જય સફલા માતા

માગશર માસ માં મળતી ,કૃષ્ણ પક્ષ માં ફળતી ……મા….(૨)

સફલ જીવન કરનારી ,તું છે પરમ દાતા …..જય જય સફલા માતા

લુંમ્પક ને તમે તર્યો ,એનો અહમ માર્યો …………….મા ..(૨)

પરમ પદ દેનારી ,તું એવી માતા ………જય જય સફલા માતા

સર્વે દુઃખો ને ટાળ્યા ,સર્વે પાપો ને તેં બાળ્યા…મા (૨)

અતિ સુખદાયી ,તું જ ગીત ગાતા ………………………..જય જય સફલા માતા

કર્મ તારે આંગણે ફળતા ,ધર્મ તારે આંગણે મળતા …મા …(૨)

દરેક રહસ્ય ખુલ્લું ,હે દેવી તમે કરતા …જય જય સફલા માતા