કમળા / પદ્મિની એકાદશી: અધિક સુદ / શુકલ પક્ષ
પદ્મપુરાણમાં
ઉલ્લેખ પ્રમાણે પુરુષોત્તમી એકાદશી કહેવામાં આવે
છે.
મહાભારતમાં
ઉલ્લેખ પ્રમાણે સમુદ્રા એકાદશી કહેવામાં આવે
છે.
આ સિવાય મોટે ભાગે
તેને પદ્મિની કે કમળા એકાદશી
કહેવામાં આવે છે.
જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી
કૃષ્ણ ભગવાન બોલ્યા: અધિક માસ ની શુકલ
એકાદશી નું નામ પદ્મિની છે. તે દિવસે જેણે ઉપવાસ કર્યો હોય તે વૈકુંઠ ધામ માં જાય
છે. તે મહાપવિત્ર અને પાપો નો નાશ કરનારી છે. તે ભોગ અને મોક્ષ રૂપ ફળ આપનારી છે.
હવે જે 'પદ્મિની એકાદશી' નું ભક્તિભાવ પૂર્વક વ્રત
કરી ચુક્યા છે, એમની કથા કહું છું, ધ્યાનપૂર્વક સાંભળ. આ સુંદર ઋષિ પુલસ્ત્ય જી એ નારદજી
ને કહેલી: એક સમયે કૃતવીર્ય (કૃતવીર્ય કે કાર્તવીર્ય) ના પુત્ર સહસ્ત્રાર્જુને રાવણને પોતાના બંદી ગૃહ માં
બંધ કરી દીધો. એને મુની પુલાસ્ત્યજીએ કાર્તવીર્ય પાસે થી વિનય કરી છોડાવ્યો. આ ઘટના
ને સાંભળી નારદજી એ પુલાસ્ત્યજી ને પૂછ્યું: 'હે મહારાજ! એ માયાવી રાવણને જેણે સમસ્ત
દેવતાઓ સહીત ઇન્દ્રને જીત્યો હોય એને કાર્તવીર્ય એ કેવી રીતે જીત્યો? જે આપ મને સમજાવો.'
ત્યારે
પુલાસ્ત્યાજી બોલ્યા: 'હે નારદજી! પહેલા કૃતવીર્ય નામક એક રાજા રાજ કરતો હતો. એ રજા
ને સો રાણીઓ હતી, એમાંથી એક પણ રાણીને રાજ્યભાર સંભાળી શકે એવો એક પણ પુત્ર ન હતો.
ત્યારે રાજાએ આદરપૂર્વક પંડિતોને બોલાવ્યા અને પુત્ર ની પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યા,
પણ બધા અસફળ રહ્યા. જે રીતે દુઃખી મનુષ્યને ભોગ નીરસ લાગે છે તેવી રીતે એને પણ
પુત્ર વિના રાજ્ય દુઃખમય પ્રતીત થવા લાગ્યું. અંતે એ તપ દ્વારા સિધ્ધિઓ પ્રાપ્ત કરવા
માટે વનમાં ગયો. એની પત્ની (હરિશ્ચંદ્ર ની પુત્રી પદ્મિની) વસ્ત્રાલંકારો
ને ત્યાગી પોતાના પતિ સાથે ગંધમાદન પર્વત પર ચાલી નીકળી. એ સ્થાન પર એ બંનેએ દસ હજાર વર્ષ સુધી તાપ કર્યું પણ
સિદ્ધિ પ્રાપ્ત ના થઇ શકી. રાજાના શરીર માં ફક્ત હાડકાઓ રહી ગયા હતા. આ જોઈ પદ્મિનીએ
વિનય સહીત મહાસતી અનસુયા ને પૂછ્યું: મારા પતિદેવ ને તપસ્યા કરતા દસ હાજર વર્ષ વીત્યા,
છતાં અત્યાર સુધી ભગવાન પ્રસન્ન નથી થયા, જેનાથી મને પુત્ર પ્રાપ્ત થાય, એનું કારણ
શું છે?
મહાસતી
અનસુયાએ કહ્યું કે અધિક (મળ/પુરુષોત્તમ) માસ શુક્લ પક્ષ (સુદ) માં 'પદ્મિની' એકાદશી
આવે છે, એનું વ્રત અને જાગરણ કરવાથી ભગવાન તને અવશ્ય પુત્ર આપશે. ત્યાર પછી અનસુયાજીએ
વ્રત ની વિધિ બતાવી. રાણી એ અનસુયાજીએ બતાવેલ વિધિ અનુસાર એકાદશી નું વ્રત અને રાત્રી
જાગરણ કર્યું. જેનાથી પ્રસન્ન થઇ ભગવાન વિષ્ણુએ એને વરદાન માંગવાનું કહ્યું.
રાણીએ કહ્યું:
તમે આ વરદાન મારા પતિને આપો.
પદ્મિનીનું વચન
સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા: 'હે પદ્મિની! મળ માસ
મને ખુબજ પ્રિય છે. એમાં પણ એકાદશી તિથી મને સૌથી અધિક પ્રિય છે. આ એકાદશી તિથી નું
વ્રત અને રાત્રી જાગરણ તે વિધિપૂર્વક કર્યું, માટે હું તારા પર અત્યંત પ્રસન્ન છું.'
એટલું કહીને ભગવાન વિષ્ણુએ રાજા ને કહ્યું: 'હે રાજેન્દ્ર! તું તારી ઈચ્છા અનુસાર વર
માંગ. કારણ તારી પત્નીએ મને પ્રસન્ન કર્યો છે.'
ભગવાનની
મધુર વાણી સાંભળી રાજા બોલ્યા: 'હે ભગવન! તમે મને સૌથી શ્રેષ્ઠ, બધાને પૂજનીય, અને
આપ સિવાય દેવ અને દાનવો, મનુષ્ય વગેરે થી અજેય ઉત્તમ પુત્ર આપો.' ભગવાન તથાસ્તુ કહીને
અંતર્ધાન થઇ ગયા. એના પછી તેઓ બંને પોતાના રાજ્ય માં પાછા આવ્યા. એમને ત્યાં કાર્તીવીર્ય- સહસ્ત્રાર્જુન ઉત્પન્ન થયા હતા. જે ભગવાન
સિવાય બધાથી અજેય હતા. એણે રાવણને જીતી લીધો હતો. આ બધું 'પદ્મિની' વ્રત નો પ્રભાવ
હતો. એટલું કહી પુલસ્ત્યજી ત્યાંથી ચાલ્યા ગયા.
ભગવાન વિષ્ણુને ઋતુ ફળ અવશ્ય ધરાવવવા.
પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને
ભાવના:
અધિકમાસમાં અધિક
મનોરથો (બારે માસના) ભક્તો કરી અધિક સામગ્રી ધરીને પ્રભુ સેવામાં મગ્ન થાય છે; તે જોઈને
વૈકુંઠમાં વસતા લક્ષ્મીજીને પણ વૈકુંઠમાંથી પ્રભુ સેવા કરવા માટે વ્રજભક્તો જેવા વૈષ્ણવજનોના
સમૂહમાં પદ્મિની એકાદશીએ પધાર્યા તેનો ભાવ એ છે કે:
સંધ્યા સમે શીંગાર
નૌતમ, ફૂલ ગૂંથે સૌ મળી,
સદન શોભા નીરખતાં
તે, લક્ષ્મી પામ્યા મન રળી,
વાસ વાંછે વ્રજ
વસેવા, એણી પેરે સુખ પામવા,
શ્રીપુરુષોત્તમ
ઉત્તમ વરને, સમે જોઈ શિર નામવા
આ પ્રમાણે લક્ષ્મીજી
(એટલે પદ્મિની) વ્રજભક્તો સાથે સામેલ થઈ, અવર્ણનીય સુખોમાં ભાગ લેવા ભાગ્યશાળી થયા
તેથી અધિકની સુદ એકાદશીને કમળા અથવા પદ્મિની એકાદશી કહે છે.
મર્યાદામાર્ગીય ભાવના:
પૂર્વે એક રાજાને પદ્મિની નામે
પુત્રી હતી, તેને પુત્ર નહીં હોવાથી નારદ મુનિએ તેને અધિકમાસમાં નારાયણનું વ્રત
કરવા કહ્યું। નરાયણ ભગવાનને અધિકમાસ જેવો બીજો કોઈ માસ પ્રિય નથી, અને તેના સુદ
પક્ષની પદ્મિની એકાદશીનું વ્રત કર્યું જેથી તેને પુત્ર થવાનું વરદાન આપ્યું - આ
પુત્ર એટલે ત્રેતાયુગમાં માહિષ્મતી નગરીનો રાજા કૃતવીર્ય કે કાર્તવીર્ય. વિધિ રૂપે
કહ્યું તમે બંને અધિકમાસની સુદ એકાદશીએ આમલીથી (જે બ્રહ્માના થૂંકમાંથી ઉત્પન્ન થઇ
છે) સ્નાન કરજો, સ્નાન કર્યા બાદ વિષ્ણુની કમળ પુષ્પો વડે વિધિપૂર્વક પૂજા કરવી.